Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હમણાં કોલેજમાં પરીક્ષા ચાલતી હતી. ૫ેપર જોઈને એક છોકરીને ચક્કર આવી ગયા અને પડી ગઈ. પૂછ્યું તો કહે કે, આ વિષયનું કંઈ નથી આવડતું એટલે ગભરાઈ ગઈ, બધાએ સમજાવી કે 'આવી વાતમાં ચક્કર આવે?'
ઘણી વખત પેપરમાં વાંચીએ છીએ કે પરીક્ષા વખતે વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી ગયા અને ચક્કર આવી જાય, ગભરામણ થઈ જાય, વોમિટ થાય, પડી જાય.. આ વાંચીને એમ થાય કે આવડી નાની ઉંમરમાં આવું બધું હોય?
હમણાં એક નર્સિંગ કોલેજમાં મેડિકલ ચેકઅપ કેમ્પમાં જવાનું થયું. નર્સિંગ કોલેજની છોકરીઓમાં પણ સોયની લોહીની બીક હતી. બ્લડ ચેકઅપ માટે લોહી લીધું તો કેટલાકને ચક્કર આવી ગયા. હવે મેડિકલ ફિલ્ડમાં જઈને લોહી-સોયથી ડર લાગે એ કેમ ચાલે?
થોડા સમય પહેલાં એક હાઈસ્કૂલમાં સેમિનાર હતો. વિદ્યાથ્ર્ીઓને બેસવા માટે નીચે પાથરણા પાથરેલા હતા, તો તે જોઈને કેટલાયના મોઢા બગડી ગયા કે બેસવા માટે ખુરશી તો જોઈએ ને? નીચે પલાઠી વાળીને બેસતા થોડું ફાવે?
સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓમાં પણ જોઈએ તો કેટલાયને સફેદ વાળની સમસ્યા છે, તો કેટલાયને ડિપ્રેશનની બીમારી છે, કેટલાય એટલા નબળા છે કે બે માળ ચડતા થાકી જાય છે, તો કેટલાય એવા હોય કે જરાક દૂર સુધી જવું હોય તો પણ વ્હીકલ જોઈએ, ચાલતા ન જઈ શકે. પિકનિકમાં જઈએ ત્યારે પણ ક્યાંક હિલ પર ચડવાનું હોય, તો વિદ્યાર્થીઓ ના પાડી દે કે આટલા પગથિયા ન ચડાય. કેટલાક વિદ્યાર્થીઓને યોગના સામાન્ય આસાન કરવામાં પણ મુશ્કેલી પડે છે, તો કેટલાય વિદ્યાર્થી પ્રાર્થનામાં દરેક મિનિટ પણ આંખ બંધ રાખી શકતા નથી. પૂછીએ કહે કે બંધ આંખમાં ગભરામણ થાય છે.
આ વાત છે આવતીકાલની પેઢીની, આજના બાળકોની, આજના યુવાનોની... આ બધી બીમારી જો પહેલાના સમયમાં ૬૦-૬૫ વર્ષની ઉંમર પહેલા કોઈને હોય તો નવાઈ લાગતી, તે હવે ૧૫થી ૨૦ વર્ષની ઉંમરના બાળકો-તરૂણોને થાય છે. આ બધી જ સમસ્યાઓનું મુખ્ય કારણ છે ખોરાક. થોડા વર્ષાે પહેલા સુધી પૈસાદાર અને ગરીબ લોકોના બાળકો વચ્ચેનો તફાવત તરત નજરે પડતો પૈસાદાર લોકોના બાળકો સારૂ ખાતા હોય એટલે હેલ્ધી દેખાતા અને ગરીબ-મજુર વર્ગના લોકોના બાળકો કૂપોષિત દેખાતા, હવે આજની પરિસ્થિતિ એ છે કે સરકારી યોજનાઓ અને મિલેટ વર્ષની ઉજવણીથી ગરીબ-મજૂર વર્ગ સુધી દરેક અનાજ પહોંચે છે. સ્વાસ્થ્ય માટે જરૂરી એવા દરેક અનાજ આ વર્ગ ભોજનમાં લે છે અને પૈસાદાર લોકોના બાળકો સ્વાસ્થ્યની દૃષ્ટિએ નબળા થતા જાય છે. જેનું કારણ છે ખાવા માટે ઉપયોગમાં લેવાતા પડીકા...
કેટલીક આદતો એવી છે કે જે આપણે હળવાસથી લઈએ છીએ, પણ એ આદતો આપણી આવનારી પેઢીને નુકસાન કરે તેવી હોય છે. આપણે મોલમાં જઈએ ત્યારે જોજો... દરેકની ટ્રોલીમાં તૈયાર ખોરાકના પેકેટ, કોલ્ડ્રીંકસના બાટલા, મેગી, તૈયાર સોસ, રેડી ટુ ઈટ, રેડી ટુ ફ્રાય, બિસ્કિટ એવા કેટકેટલા પેકેટ... બસ બધું જ તૈયાર... ઘરે બનાવવાની આદત તો જાણે છૂટી જ ગઈ... અરે.. ચટણી પણ તૈયાર...
આપણે હવે લગ્ન પ્રસંગમાં તો ઠીક પણ બર્થ-ડે, સીમંત જેવા નાના પ્રસંગમાં પણ ઘરની રસોઈ જેવો શબ્દ કે આદત ભૂલી ગયા છીએ. ઘરમાં બનતી ખીર-પૂરી ચણા કે લાડવા-લાપસીનો સ્વાદ આજના બાળકો સુધી પહોંચ્યો જ નથી. આમાં સ્ત્રી સ્વતંત્રતા કે પુરૂષો મદદ નથી કરતા એવી કોઈ વાત કે ચર્ચા જ નથી. આમાં કહેવાનું એટલું જ છે કે આજના બાળકો અમૂક વાનગીથી વંચિત છે. તૈયાર પેકેટ તરફ એટલી આંધળી દોડ છે કે ઘરે બનાવવાની વાત વિસરાઈ ગઈ છે. આ માટે બાળકો જવાબદાર નથી, જવાબદાર છીએ આપણે... બાળકોના મમ્મી-પપ્પા, દાદા-દાદી, નાના-નાની, માસી, કાકા...
હવે તો કોઈ પ્રસંગમાં કે પ્રસાદમાં અથવા પુણ્ય મેળવવાની લાલચમાં કોઈ અનાથ આશ્રમમાં કે ક્યાંય બાળકોને જમાડવાની કે નાસ્તો આપવાની વાત હોય તો પણ આપી દઈએ છીએ. તૈયાર પેકેટ જલદીથી મળી જતા અને બાળકોને પણ ભાવે એ વિચારે આપણે બાળકોને પેકેટ પકડાવી દઈએ છીએ, પણ તેમાં કેટલી ગુણવતા છે એ ચકાસતા જ નથી હવે તો દરેક શેરીએ આવેલ કરીયાણાની દુકાને અનાજ કરતા પડીકાઓ વધુ જોવા મળશે. સ્કૂલની બહાર, બસ સ્ટેન્ડમાં, કેન્ટીનમાં જ્યાં જોવો ત્યાં તૈયાર પડીકા.
આવું ખાઈને મોટા થયેલા બાળકો ચક્કર ખાઈને પડી જાય, અકાળે વૃદ્ધ થઈ જાય કે થોડી વારમાં થાકી જાય ત્યારે બધા નવાઈથી પૂછે કે આવું કેમ થયું? પણ તેનો જવાબ બધાને ખબર જ છે કે તૈયાર ખોરાકની અસર છે... આવું કહીએ એટલે તરત એમ કહે કે, રોજ ક્યાં ખાય છે? પાછું મમ્મીઓ ઉપરાણું લે કે બીજું કંઈ નથી ખાતા તો જે ખાય છે તે ખાવા દો... અને આમ કહીને બાળકોના હાથમાં પડીકા પકડાવી દેતા હોય છે. આમાં બાળકો ઘરની વાનગીથી વંચિત રહી જાય છે. વાંક બાળકોનો નથી, તેમને તો રંગબેરંગી પડીકા ગમી જ જાય, તેમાં રહેલી વાનગીનો ખાટો મીઠો, ચીઝી ટેસ્ટ ભાવી જ જાય... વાંક આપણો છે કે આપણે બાળકોને સેવમમરા, તીખા ગાંઠીયા, સુખડી, ઘરની વેફર, ખાખરા તરફ વાળવાને બદલે સમય અને શક્તિ બચાવવા પડીકા પકડાવી દઈએ છીએ. કેટલીક વખત સ્કૂલના નાસ્તાના લંચ બોક્સમાં પણ તૈયાર પેકેટ જ હોય છે.. આ દરેકની વાત છે, કદાચ મારા ઘરમાં પણ આવી જ સ્થિતિ હોય શકે... આપણે આપણા બાળકોને અકાળે વૃદ્ધ થતાં બચાવવા થોડો સમય અને શક્તિ વાપરીને તેને પડીકાથી દૂર કરવાની જરૂર છે.
આપણને એ ખબર છે કે ગાય-કૂતરાને રોટલી, દૂધ જ આપી શકાય તેને પડીકા ન હોય, કબૂતર-ચકલી, પોપટ અગાસીમાં આવતા હોય તો જાર, ચોખા એવું અનાજ જ નાખવું જોઈએ. માછલી માટે તૈયાર લોટ લઈને જતા હોઈએ છીએ અને આપણા બાળકો માટે તૈયાર પેકેટ? આ સ્થિતિથી બચવાની જરૂર છે... બાળકોનું સ્વાસ્થ્ય એ આપણી જવાબદારી છે... બાળકોને ઘરનું જમવાનું મળે એ આપણી જવાબદારી છે... તો બાળકોને એકદમ તો ઘર તરફ વાળી નહી શકાય... પણ કોશિશ તો કરીએ...
- દિપા સોની, જામનગર.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial