તપોવન ફાઉન્ડેશન સંચાલિત 'વાત્સલ્યધામ'ના હોદ્દેદારો 'નોબત'ની શુભેચ્છા મુલાકાતે

જામનગર તા. ૩ઃ સંપત્તિ કે ઐશ્વર્યથી સુખ મળતું નથી. ધનવાન હોવાનો ગર્વ સંપત્તિથી લઈ શકાય છે, પરંતુ મનને સાચું સુખ તો શ્રીમંતાઈના સદ્દઉપયોગથી જ પ્રાપ્ત થાય છે. જામનગર-કાલાવડ હાઈ-વે પર વિજરખી ગામમાં તપોવન ફાઉન્ડેશન સંચાલિત માતુશ્રી શ્રીમતી ઈચ્છાગૌરી છોટાલાલ જાની 'વાત્સલ્યધામ' વૃદ્ધાશ્રમમાં દીકરા વગરના નિરાધાર વડીલોને આશ્રય આપવા ઉપરાંત અનેક સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સંસ્થાના ફાઉન્ડર તથા સંચાલક રાજેનભાઈ છોટાલાલ જાની તથા ટ્રસ્ટી પરેશભાઈ જાનીએ 'નોબત' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈ 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણી સાથે સંવાદ કર્યો હતો.

રાજેનભાઈ જાનીનો મુંબઈમાં કોલસા અને ડ્રાયફ્રુટસનો વિરાટ વ્યાપાર છે. ઉત્તર અવસ્થામાં તેઓએ લગભગ ૫ કરોડના ખર્ચે વીજરખી પાસે વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ બનાવી નિરાધાર વડીલોના જીવનના આખરી દિવસોને સુખમય બનાવવાની ટેક લીધી છે. પૂર્વમંત્રી તથા સંસ્થાના ટ્રસ્ટી વસુબેન ત્રિવેદીના માર્ગદર્શનમાં રાજેનભાઈ સતત સમાજ ઉપયોગી સેવા પ્રવૃત્તિઓ કરતા રહે છે.

સંસ્થાના ટ્રસ્ટી પરેશભાઈ જાનીના જણાવ્યાનુસાર 'વાત્સલ્યધામ'માં પરિસરમાં આવેલ શ્રી હરેશ્વર મહાદેવ મંદિરના આંગણે જરૃરિયાતમંદ લોકો માટે યજ્ઞોપવિત તથા લગ્ન પ્રસંગનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે.

લોકડાઉન દરમ્યાન ભૂખ્યાજનોને નિયમિત ભોજન વિતરણનો 'અન્નયજ્ઞ' પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો. કુલ ૭૦ વડીલોને આશ્રય આપવાની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક વાત્સલ્યધામમાં હાલ ૧૭ વડીલો વસવાટ કરે છે. આશ્રમમાં વિરાટ સત્સંગ હોલ, યજ્ઞશાળા, ભોજનશાળા, સહિતની સુવિધાઓ છે. ઉપરાંત આશ્રમ પરિસરમાં જ મંદિર હોવાને કારણે વડીલોને જીવનના અંતિમ ચરણમાં ઈશ્વરીય આશ્રયમાં હોવાની અનુભૂતિ થાય છે.

વાત્સલ્યધામનું ઉદ્દઘાટન વર્ષ ૨૦૧૮ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે થયું હતું. પ્રારંભિક ૧ વર્ષમાં સંસ્થાએ કોઈ દાતા પાસેથી કોઈ પણ પ્રકારનું  દાન પણ સ્વીકાર્યું ન હતું. હવે વિવિધ સેવા કાર્યો તથા સંસ્થાના નિયમિત ખર્ચને પહોંચી વળવા દાન સ્વીકારવામાં આવે છે. 'છોટી કાશી' કહેવાતા જામનગરના સીમાડે આવેલું વાત્સલ્યધામ ખરેખર જીવન સંધ્યાએ ઊભેલા વડીલોને શાંતિ આપનાર મંદિર સમાન છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit