'નોબત' નો ગડગડાટ

ઈન્ટરનેટ યુગ સાથે કદમ મિલાવી પ્રગતિની હરણફાળ ભરી રહેલા

ગુજરાતના સૌથી પહેલા ગુજરાતી સાંધ્ય દૈનિક "નોબત" ના ગરિમામય ૬૮ વર્ષ ૫ૂરા થયા અને આજે ૬૯માં વર્ષમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. અમારા પથદર્શક અને "નોબત"ના આદ્યસ્થાપક સ્વ. રતિલાલભાઈ માધવાણીએ જીવનભર પડકારો, પરિશ્રમ અને પ્રામાણિકતાથી સિંચેલું આ વટવૃક્ષ હવે ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વવ્યાપી બની રહ્યું છે, અને તેઓની ત્રીજી પેઢી પણ "નોબત"ને અત્યાધુનિક તથા ગ્લોબલ બનાવવા માટે જે સહિયારો પુરૃષાર્થ કરી રહી છે, તે પૂ. બા અને પૂ. રતિલાલભાઈ માધવાણીના આશીર્વાદની સાથે સાથે સમગ્ર હાલાર અને હવે સાત સમંદર પાર વિશ્વના જુદા જુદા દેશોમાં ઈન્ટરનેટ આધારિત "નોબત"ની વિવિધ આવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ વાચકો, દર્શકો, ફોલોઅર્સ અને શુભેચ્છકોના આશીર્વાદથી સફળ થઈ શક્યો છે, અને આ સાંધ્ય અખબાર હવે ઈ-પેપર, વીડિયો સમાચાર, બ્રેકીંગ ન્યુઝ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ, ટેલિગ્રામ, વેબસાઈટ સહિતના માધ્યમો દ્વારા પણ ઉપલબ્ધ થયું છે, અને પ્રિન્ટેડ અખબાર તથા ઈન્ટરનેટના માધ્યમથી વંચાતુ, સંભળાતુ અને પળે-પળની ખબરોથી સતત સંકળાતુ "નોબત" હવે લોકોના જીવનનું અભિન્ન પાસું બની ગયું છે.

"નોબત"ની અદ્યતન આવૃત્તિ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વધેલી પ્રવૃત્તિઓ છતાં અમે અમારી મૂળભૂત સેવાઓ તથા અભિગમો યથાવત રાખ્યા છે. જામનગર અને હાલારની જનતાનાં અવાજને વાચા આપવા ઉપરાંત કુદરતી આફતો, યુદ્ધ જેવી પરિસ્થિતિ કે અસાધારણ સંજોગોમાં જનસેવાની સંગાથે ઊભું રહેતું આ અખબાર લોકોના હૃદયમાં વસી ગયું છે, તે નક્કર હકીકત છે.

"નોબત"ના તંત્રીલેખો જન-જન અને જન પ્રતિનિધિઓથી લઈને વિદ્યાનગૃહો સુધી પડઘાય છે, અને શાસન-પ્રશાસન તથા વિપક્ષોને પણ જરૃર પડ્યે ઢંઢોળે છે. તો વિવિધ સમસ્યાઓ અને જનફરિયાદોને તસ્વીરી અહેવાલો, આર્ટિકલ્સ અને ન્યુઝસ્ટોરીઓના સ્વરૃપમાં પણ પ્રકાશિત કરવામાં આવે છે. તે ઉપરાંત "નોબત"નો સંગત વિભાગ પણ અનેક પ્રકારની વિવિધાસભર આર્ટિકલ્સ, અભ્યાસલેખો, ઈન્ફોર્મેટીવ અને ંફિલોસોફિકલ સહિતની વૈવિદ્યપૂર્ણ વાચન સામગ્રી પીરસે છે. "નોબત"ના મન હોય તો માળવે જવાય, સંવેદના, એન્જિયોગ્રાફી, મિલનની મસ્તી, કટાક્ષકણિકા, ચૂડીચાંદલો, માર્કેટ સ્કેન, દૈનિક-સાપ્તાહિક ભવિષ્ય, ગોલીબારના લેખો, સાહિત્યગાથાઓ, વિશેષ દિવસોને સાંકળતા પ્રાસંગિક લેખો અને કાવ્યો, સોના-ચાંદીના ભાવો, શેરબજાર, પંચાંગ, શુભવિવાહ, ચિરવિદાય અને સોશ્યલ રિસર્ચ ઘણાં જ લોકપ્રિય થયા છે, અને તે અંગે વાચકોના સંખ્યાબંધ પ્રતિભાવો પણ સાંપડે છે, જેથી અમારી છાતી ગજ ગજ ફૂલે છે.

"નોબત"ની વાર્ષિક લવાજમ યોજનાઓ પણ ઘણી જ આકર્ષક બની છે, તો બ્રેકીંગ ન્યુઝની અવિરત સેવાઓ પણ ગ્રુપ મેમ્બરોનો વ્યાપ વધારી રહી છે. "નોબત"ના યુ-ટ્યુબ દ્વારા પ્રસારિત થતા દૈનિક સ્થાનિક સમાચારની તો લોકો રાહ જોઈને બેઠા હોય છે, અને તસ્વીરકથાઓ દ્વારા હાલારમાં યોજાયેલા તમામ પ્રકારના કાર્યક્રમો, ધાર્મિક પ્રસંગો, ઉપરાંત જનપ્રશ્નોને સંબંધિત ફોટોસ્ટોરીઓ પણ ઘણી જ લોકપ્રિય બની છે.

આજના આ ગરિમામય દિવસે "નોબત" પરિવાર અને માધવાણી પરિવાર નોબતના માનવંતા ગ્રાહકો, વાચકો, વિજ્ઞાપન દાતાઓ, સ્પોન્સર્સ, દર્શકો, ફોલોઅર્સ, બ્રેકીંગન્યુઝના ગ્રુપ મેમ્બર્સ, પત્રકારો, પ્રતિનિધિઓ, વિતરકો સહિત સમગ્ર હાલાર અને દેશ-વિદેશમાં ફેલાયેલા શુભેચ્છકો તથા સહયોગીઓને હૃદયપૂર્વક સાભાર, શુભકામના પાઠવે છે....


close
Ank Bandh