| | |

અર્થતંત્ર લોકડાઉન પહેલા જ ખાડે ગયું હતું...જીડીપી તળિયે... મોદી સરકારની આર્થિક નીતિઓ જવાબદાર...

આજે મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ થયું. એક તરફ મોદી સરકરના મંત્રીઓ અને નેતા-પ્રવક્તાઓ મોદી સરકારની એક વર્ષની ઉપલબ્ધિઓના ગુણગાન ગાઈ રહ્યાં છે, તો વિપક્ષો અને અન્ય ટીકાકારો મોદી સરકારની વિવિધ ક્ષેત્રે સરેઆમ નિષ્ફળતાઓના દૃષ્ટાંતો આપીને ભાજપના નેતાઓના દાવાઓની હવા કાઢી રહ્યાં છે. આ દરમિયાન વર્ષ-ર૦૧૯-ર૦ ના અંતિમ ક્વાર્ટર એટલે કે જાન્યુઆરથી માર્ચ-ર૦ર૦ ના સમયગાળાનો જીડીપી ગ્રોથરેટ તળિયે બેસી જતા તેના પ્રત્યાઘાતો સામે આવી રહ્યાં છે, અને સરકારને આયનો દેખાડાઈ રહ્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ્એ દેશને આર્થિક બદહાલીમાં ધકેલવા માટે મોદી સરકારની ખોટી આર્થિક નીતિઓને જવાબદાર ગણાવી છે. તેમણે ટ્વીટ કર્યું કે, "અમારો એવો અંદાજ હતો કે પાછલા (વર્ષ-ર૦૧૯-ર૦) ના અંતિમ ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ-ર૦ર૦) નો જીડીપી વિકાસ દર ચાર ટકાથી નીચે રહેશે. આ એથી પણ વધુ ખરાબ સ્થિતિમાં વિકાસદર રહ્યો અને ૩.૧ ટકાના નીચલા સ્તર સુધી ગબડી ગયો.

ચિદરમ્બરમ્ દેશના પૂર્વ નાણામંત્રી અને જાણીતા અર્થશાસ્ત્રી છે. તેઓ અર્થતંત્રને લઈને તટસ્થ અભિપ્રાયો આપતા રહે છે. તેમણે કહ્યું કે, "એ યાદ રાખવું જોઈએ કે વર્ષ-ર૦૧૯-ર૦ ના અંતિમ ક્વાર્ટરનો વિકાસ દર લોકડાઉન પહેલાની સ્થિતિ દર્શાવે છે. કારણ કે, આ ક્વાર્ટરના ૯૧ દિવસોમાંથી માત્ર સાત દિવસ જ પ્રથમ લોકડાઉનના છે.

વર્ષ-ર૦૧૯-ર૦ થી માર્ચ-ર૦ર૦ સુધીનું નાણાંકીય વર્ષ ગણાય અને તેનું અંતિમ ક્વાર્ટર એટલે કે, ત્રિમાસિક ગાળો જાન્યુઆરી-ર૦ર૦ થી માર્ચ-ર૦ર૦ નો ગણાય. આ ત્રિમાસિક ગાળાનો જીડીપી તળિયે ગયો, તેના માટે કોરોનાની સ્થિતિ કે લોકડાઉનની અસર જવાબદાર નથી, કારણ કે, પ્રથમ લોકડાઉન તા. ર૪-માર્ચ-ર૦ર૦ ના દિવસે જાહેર થયું, ત્યારે વર્ષ-ર૦૧૯-ર૦ ના નાણાંકીય વર્ષનો છેલ્લો ત્રિમાસિક સમયગાળો પૂરો થવા આવ્યો હતો. આથી તળિયે બેસી ગયેલા વિકાસદર માટે લોકડાઉન કે કોરોનાની અસર બિલકુલ જવાબદાર નથી. આમ પણ વર્ષ-ર૦૧૯-ર૦ નો એકંદરે જીડીપી વિકાસ દર ૪.ર ટકા જ રહ્યો, જે વર્ષ-ર૦૧૮-૧૯ માં ૬.૧ ટકા હતો. વર્ષ-ર૦૧૭-૧૮ ના છેલ્લા ત્રિમાસિક ગાળાનો આર્થિક વિકાસદર પ.૭ ટકા હતો, જે વર્ષ-ર૦૧૯-ર૦ ના અંતિમ ક્વાર્ટર એટલે કે, જાન્યુઆરી-ર૦ર૦ થી માર્ચ-ર૦ર૦ માં ૩.૧ ટકા થઈ ગયો છે, કોરોનાના કારણે લોકડાઉન લાગુ થયું, તે પહેલાની આ સ્થિતિ સ્વયં સિદ્ધ કરે છે કે, મોદી સરકારની આર્થિક નીતિઓ નિષ્ફળ પુરવાર થઈ છે, અને લોકડાઉન પહેલા જ અર્થતંત્ર ખાડે ગયું છે.

હવે બે મહિના જેવા લોકડાઉન પછી દેશના ચાર-પાંચ કરોડ લોકોની નોકરી છૂટી ગઈ છે, શ્રમિકો વતનમાં જતા ત્યાં જઈને બેરોજગાર થઈ ગયા છે અને ગરીબ-મધ્યમવર્ગના તમામ પ્રકારના વ્યવસાયો અને કામ-ધંધા ભાંગી પડ્યા છે, ત્યારે હવે કોરોનાના વધારાના જંગી ખર્ચા, લોકડાઉનના કારણે અસર પામેલા લોકોને સહાય અને દેશના અર્થતંત્રને બેઠું કરવા નવા મૂડી રોકાણોની સાથે-સાથે નિર્ધારીત વિકાસ અને લોકકલ્યાણના કામો, યોજનાકીય ખર્ચ, લાખો કર્મચારીઓ અને પેન્શનરોના વેતન-ભથ્થા અને પેન્શનની સાથે સરહદે તંગદિલી જોતા રાષ્ટ્રીય સુરક્ષાના વધી રહેલા ખર્ચાનો પ્રબંધ કરવા છતાં રાજકોષિય ખાધ બેવડાઈ જશે, જે મજબૂત અર્થતંત્રની નિશાની નહીં હોય.

હવે જનતાએ વધુ માર સહન કરવો પડશે, કારણ કે, સરકારની કરવેરાની આવક પણ લોકડાઉનના કારણે નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે, અને જીએસટીની આવક ઘટી જતા તેની અસરો રાજ્યો અને કેન્દ્રને પણ થવાની છે. લોકડાઉનના કારણે રાજ્યો પણ રાહત પેકેજ માંગી રહ્યાં છે, સરકારે રૃપિયા વીસ લાખ કરોડનું ભ્રામક રાહત પેકેજ આપ્યું હોવાથી હજુ લાખો કરોડની રાહત વિવિધ ક્ષેત્રે આપવી પડવાની છે. આ સ્થિતિને પહોંચી વળવું સરકાર માટે મોટો પડકાર છે. આવી સ્થિતિ ઊભી થવા માટે સરકારની ખોટી અર્થનીતિ અને અણઆવડતને જવાબદાર ગણાવાઈ રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit