નવરાત્રિ

( ગતાંકથી ચાલુ  )

નવરાત્રી અત્યારે પૂરબહારમાં ચાલી રહી છે. આ વર્ષે પણ સરકારે કોરોનાને કારણે પાર્ટીપ્લોટમાં  ગરબાની મંજૂરી ન આપી એટલે બધા જ પાર્ટી પ્લોટમાં કાગડા ઊડે છે. અને ગરબાના  રંગ-રસિયાઓની બધી જ ભીડ જુદી જુદી સોસાયટીઓમાં ઉમટી પડી છે.

ઉપરથી આવેલી સૂચના મુજબ રાજ્ય સરકારે સોસાયટીઓમાં ગરબા રમવાની છૂટ આપી છે --  કોવિડ પ્રોટોકોલનું સખ્તાઈથી પાલન કરવાની સૂચના સાથે. હવે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની  જવાબદારી સોસાયટીની, સરકારની ફરજ પુરી !

અને સોસાયટીના ગરબા સંચાલકોએ પણ પોતાની ફરજ બરાબર નિભાવી -- બિલકુલ આપણી કામ  કરતી સરકારની જેમ જ. સંચાલકોએ સોસાયટીમાં બધી બાજુ બેનર લગાવી દીધા, જેમાં લખ્યું હતું,  -- માસ્ક અચૂક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, વગેરે વગેરે.

હવે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની બધી જ જવાબદારી ગરબા રમનારાઓની, સરકારની જેમ જ  સોસાયટીના સંચાલકો પણ છૂટા !  પણ રમનારાઓનું ધ્યાન તો ક્યાંક બીજે જ ભટકતું હોય છે...  કોવિડ પ્રોટોકોલની ઐસી કી તૈસી.. !!

બસ હવે થોડાક દિવસોની જ વાર છે. નોરતા પુરા થાય, અને દશેરા જાય પછી થોડાક દિવસોમાં જ  આ બધી જ પપ્પાની પરીઓ ઘરમાં ઉડી - ઉડીને જાળા સાફ કરતી નજરે ચડશે !

નવરાત્રિની અસરો ઘણી જ વ્યાપક છે. સંસદમાં વિપક્ષોએ સંયુક્ત રીતે મોદી સરકાર પર આક્ષેપ  કર્યો કે વિકાસનું ગુજરાત મોડલ બક્વાસ છે, ભ્રામક છે. ગુજરાતમાં બિલકુલ શાંતિ નથી. વિપક્ષના  નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે, *મેં મારી સગી આંખે જોયું છે કે ગુજરાતમાં લોકો અંધારું થતાં જ નાની  નાની લાકડીઓ વડે લડવાનું શરૂ કરી દે છે..*

મોદી સાહેબે પોતાની જૂની અને જાણીતી સ્ટાઈલમાં જવાબ આપ્યો, *મિત્રો....!   એને નવરાત્રિ  કહેવાય.. એ લોકો લડતા નથી પરંતુ ગરબા રમે છે...!*

નવરાત્રિની અસર આજકાલ શાળાઓમાં પણ દેખાય છે. એક શાળામાં ગ્રામરના ટીચરે કર્તા, કર્મ  અને ક્રિયાપદ વિશે સમજાવ્યું, પછી બોર્ડમાં એક વાક્ય લખ્યું, *નટુ હવે શરાબ પીતો નથી.*   પછી  બંટી ને પૂછ્યું,  *બંટી, તું બતાવ કે અહીં 'નટુ' કોણ છે ?*

બંટી કહે, *નટુ  માતારાનીનો પરમ ભક્ત છે, અને તેણે અત્યારે નવરાત્રિનું વ્રત રાખેલું છે..!*

સાંભળ્યું છે કે તે ટીચરે ત્યારબાદ નવરાત્રિના બાકીના દિવસોની રજા લઇ લીધી છે !

આજકાલ ગ્લોબલ વોર્મિંગના કારણે આપણી ઋતુઓ આગળ-પાછળ થઈ ગઈ છે. ચોમાસું પણ તેના  કારણે નવરાત્રિ સુધી લંબાઈ ગયું છે. આથી જ એક વખત નવરાત્રિમાં આગાહી વગરનો વરસાદ  તૂટી પડ્યો. ગરમીથી પરેશાન ખેલૈયાઓને મજા પડી ગઈ અને તેઓ રેઈન ડાન્સની મોજ માણતા  હોય તે રીતે ગરબા રમવા લાગ્યા.

પરંતુ થોડી જ વારમાં આ આસમાની આફતે તેનું સાચું સ્વરૂપ દેખાડ્યું. મેદાનમાં પાણીની સાથે સાથે  મેકઅપની પણ નદીઓ વહેવા લાગી અને મેકઅપની પાછળ છુપાયેલા અસલી ચહેરાઓ સામે  આવ્યા... ગરબીનું મેદાન ફેશન શોના બદલે હોરર શોમાં બદલાઈ ગયું...

એ સાથે જ મેદાન પર નવી નવી બનેલી કેટલીયે જોડીઓ ખંડિત થઈ ગઈ... કંઈ યુવાન હૈયાઓના  અરમાનો વરસાદના પાણીમાં, ના.. ના.. મેકઅપના પૂરમાં તણાઈ ગયા.  અને મોટા ભાગના  ખેલૈયાઓ રણછોડરાયની જેમ રણ છોડીને, એટલે કે ગરબીનું મેદાન છોડીને અદ્રશ્ય થઈ ગયા.

વિદાય વેળાએ. નવરાત્રિ પૂરી થયા બાદ પણ જો કોઈ સિંગલ રહી જાય તો ચોક્કસ માનજો કે  નવરાત્રિમાં તે ખરેખર ગરબા જ રમ્યો છે...!

close
Ank Bandh
close
PPE Kit