Advertisement
Author: નોબત સમાચાર

રક્ષાબંધન, નાળિયેરી પૂર્ણિમાના પર્વે સૌ કોઈને શુભકામનાઓ...

                                                                                                                                                                                                      

આજે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન છે. આજે શ્રાવણી પૂર્ણિમા હોવાથી આ દિવસ અન્ય વિવિધ સંદર્ભે પણ પાવન અને મહત્ત્વપૂર્ણ છે. આજે બહેનો ભાઈને રાખડી બાંધીને તેમની સુરક્ષા અને સારા સ્વાસ્થ્ય, દિર્ઘાયુની પ્રાર્થના સાથે આશીર્વાદ આપે છે, તો ભાઈ પણ ભેટ-બક્ષીસ સાથે બહેનની આજીવન રક્ષા કરવાનું વચન આપે છે. ભૂદેવો પણ યજમાનોને રાખડી બાંધીને આશીર્વાદ આપે છે, વેપારીઓ વજનકાંટા, સિપાઈઓ શસ્ત્રો અને ઉદ્યોગપતિઓ-વ્યાપારી પેઢીઓ દ્વારા યંત્રો તથા લેપટોપ કે કોમ્પ્યુટર સમક્ષ રાખડી પધરાવીને ધંધા-રોજગાર-વ્યવસ્થા-ઉદ્યોગ માટે રક્ષા કવચની પ્રાર્થના કરે છે. આજે રંગબેરંગી અને વિવિધ ડિઝાઈનની રાખડીઓ બાંધીને ભાઈઓ એક અલગ જ પ્રકારની અનુભૂતિ કરતા હોય છે. આજે વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ તથા મંત્રી-મહોદ્યો સહિતના નેતાઓ પણ ભગિનિઓ તથા જનતામાંથી રાખડી બાંધવા આવતી બહેનો પાસે રાખડી બંધાવે છે. ધર્મગુરુઓ આજના પાવનપર્વે અનુયાયીઓ, ભાઈ-બહેનો તથા જનતા-જનાર્દનને આશીર્વાદ પાઠવે છે. પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયા તથા ટપાલ-કુરિયરથી શુભેચ્છા તથા આશીર્વાદના સંદેશાઓનો આજે જાણે ધોધ વહી રહ્યો છે.

જામનગર સહિત રાજ્યભરમાં યોજાયેલા રાખીમેળાઓ, હસ્તશિલ્પ સેવાઓ, સખીમંડળ-સખીમેળાઓ સહિતના કાર્યક્રમોના માધ્યમથી સ્થાનિક મહિલાઓએ બનાવેલી રાખડીઓ, ગૃહઉદ્યોગ હેઠળ બનાવાયેલા વ્યંજનો, ખાદ્યસામગ્રીઓ, પેઈન્ટીંગ અને અન્ય કલાકૃતિઓના લગાવાયેલા સ્ટોલ્સ પરથી બહોળા પ્રમાણમાં લોકો ખરીદી કરી રહ્યા છે, જેના કારણે લોકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ચીજવસ્તુઓ તથા રંગબેરંગી, કલાત્મક અને આકર્ષક હાથબનાવટની રાખડીઓ વાજબી ભાવે મળે છે, તો હજારો બહેનોને સ્વરોજગારીની વિપુલ તકો મળી રહી છે. આ કોન્સેપ્ટ હેઠળ ગુજરાતમાં દાયકાઓથી ચાલતી મહિલા સંસ્થાઓ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ભરપૂર સહયોગ મળે છે, જે આવકારદાયક છે.

જામનગરમાં આ વખતે સિટીબસોમાં રક્ષાબંધન સંદર્ભે બહેનોને આજે ફ્રી મુસાફરીનો લાભ અપાયો છે, તો ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, ભરૂચ, બોટાદ, મહેસાણા, પોરબંદર, જૂનાગઢ સહિતના અન્ય શહેરોમાં પણ સિટીબસ સેવા મહિલાઓ માટે નિઃશુલ્ક છે. રક્ષાબંધન પર્વે બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધન માટે આરામથી જઈને પરત આવી શકે તે માટે આ પ્રકારની સેવા પણ ભાઈ-બહેનોના પાવન પ્રેમના પ્રતીક સમા આ તહેવારની ઉજવણીને ઓર આભા આપે છે. ગુજરાત એસ.ટી. દ્વારા રક્ષાબંધન પર્વે મોટી સંખ્યામાં એકસ્ટ્રા બસો દોડાવી છે, છતાં આજે એસ.ટી. બસો ઉપરાંત ખાનગી ટ્રાવેલ્સની બસોમાં પણ ભરચક્ક ટ્રાફિક જોવા મળી રહ્યો છે. આ વર્ષે વરસાદ ખેંચાયો હોવાથી ચિંતાજનક અને દ્વિઘાજનક સ્થિતિ છતાં લોકો રક્ષાબંધન પર્વની જે રીતે ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે, તે આપણી પારંપરિક સંસ્કૃતિ તથા પડકારો વચ્ચે પણ પરંપરા નિભાવીને તહેવારોની ઉજવણી કરવાની આપણી ક્ષમતા દર્શાવે છે.

રક્ષાબંધન સાથે શ્રાવણી પૂર્ણિમાના દિવસે અન્ય કેટલાક મહાત્માઓ પણ સંકળાયેલા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે નાળિયેરી પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ચોમાસાના વેકેશન પછી દરિયો ખેડવાના પુનઃ પ્રારંભ પેલા સાગરખેડુઓ દરિયાદેવને નાળિયેર અર્પણ કરે છે. ઘણાં સ્થળે આ દિવસે ગાયત્રી પ્રાગટ્યોત્સવ પણ ઉજવાય છે. મધ્યભારતના કેટલાક રાજ્યોમાં આ દિવસે ખેડૂતો કાજરી પૂર્ણિમા પણ ઉજવે છે, અને ખેતી ઉત્પાદન સારૂ થાય તે માટે કાજરીમાતાજીની વિશેષ પૂજા-અર્ચના કરે છે.

રક્ષાબંધન પર્વે જનોઈધારી લોકો યજ્ઞોપવિત સંસ્કારો મુજબ વિધિવત રીતે જનોઈ બદલવાની વિધિ કરે છે. ગુજરાતમાં મોટાભાગે ગઈકાલે આ વિધિ સંપન્ન થઈ છે. ભૂદેવો, લોહાણા સમાજ તથા અન્ય જે જ્ઞાતિ, સમાજો યક્ષોપવિત સંસ્કાર હેઠળ જનોઈ ધારણ કરે છે તેઓએ ગઈકાલે આ વિધિ સંપન્ન કરી છે, જ્યારે કેટલાક જનોઈધારી લોકોએ આ વિધિ આજે સવારે સંપન્ન કરી છે.

દક્ષિણ ભારતમાં યજ્ઞોપવિત સંસ્કાર હેઠળ જનોઈ બદલવાના તહેવારને શ્રાવણી ઉપાકર્મ અથવા ઋષિતર્પણ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે તમિલાનાડુ, કેરળ જેવા રાજ્યોમાં આ તહેવારને અવણી અવિત્તમ્ તરીકે ઓળખવામાં આવે છે. એક કથા મુજબ મહાદાની બલિરાજાને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું હતું, ત્યારથી ભૂદેવો દ્વારા યજમાનોને રક્ષાસૂત્રના સ્વરૂપમાં રાખડી બાંધવાની પરંપરા શરૂ થઈ હતી. મહાભારતના યુદ્ધમાં કૂંતાજીએ અભિમન્યુને રક્ષાસૂત્ર (રાખડી) બાંધી હતી, તેથી ૬ કોઠા જીત્યો, પણ સાતમા ચક્રવ્યૂહ સમયે આ રક્ષાસૂત્ર છૂટી ગયું હોવાની પણ માન્યતા છે. મહાભારતની આ કથાના આધારે જ નવરાત્રિ દરમિયાન રાસ-ગરબા વચ્ચે 'કૂંતાજી, બાંધે અભિમન્યુ ને રાખડી રે...'નો ગરબો ગવાય છે અને શૌર્યરાસ પણ ગવાય છે. અભિમન્યુએ સાતમા કોઠાના યુદ્ધ સમયે પોતાના હાથ પર કૂંતાજીએ બાંધેલી રાખડીને તલવાર સાથે બાંધી અને તેને ઉંદરે તોડી હોવાની એક કૃષ્ણલીલા પણ પ્રચલિત છે.

આ બધા મહાત્માઓના કારણે રક્ષાબંધનનો તહેવાર બહુરંગી અને બહુહેતુક બની જાય છે, અને બીજી દૃષ્ટિએ આજથી જ શ્રાવણિયા મેળાઓ, જન્માષ્ટમીના તહેવારો તથા તે પછી ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળીના તહેવારોની શ્રેણીની શરૂઆત થઈ જાય છે.

આજે રક્ષાબંધનના પવિત્ર દિને બધી જ બહેનો સ્વસ્થ, સુરક્ષિત અને સર્વે પ્રકારની સુખ-સુવિધાઓથી સજ્જ રહે અને બધા જ ભાઈઓ પણ સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય સાથે બહેનોની જેમ જ દીર્ઘાયુ બને, તેવું ઈચ્છીએ...

'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર સર્વે પ્રિય વાચકો, વિજ્ઞાપનદાતાઓ, ગ્રાહકો, વિતરકો તથા તમામ ભાઈ-બહેનોને રક્ષાબંધન પર્વની હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh