Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરે ધ્વજાજી રોહણ માટે નકલી પહોંચ બનાવી એક શખ્સે રૂા. એક લાખ બે હજારની છેતરપીંડી આચરી

એક શખ્સની અટકાયતઃ નકલીઓની ભરમાર વચ્ચે હવે નકલી પહોંચનું પ્રકરણ !

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: દ્વારકામાં આવેલા જગતમંદિરે ધ્વજા ચઢાવવા માટે કચ્છના ભુજના એક આસામીએ જુદા-જુદા સમયે બે બુકિંગ કરાવ્યા હતા તે બુકિંગ અંગે આ વ્યક્તિએ કન્ફર્મેશન મેળવવા ધ્વજાજીના રોહણની કામગીરી સંભાળતી સમસ્ત ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ની ઓફિસને પત્ર લખ્યા પછી તેઓની પાસેથી બે ધ્વજાજીના રોહણ માટે રૂા. ૫૧-૫૧ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ દ્વારકાના જ એક શખ્સે છેતરપીંડી આચરી આવ્યાનું જણાઈ આવતા સંસ્થાના એક કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ શખ્સે નકલી પહોંચ પધરાવી છેતરપીંડી આચર્યાની વિગતો પ્રાથમિક તબક્કે બહાર આવતા નકલીઓની ભરમાર વચ્ચે ધ્વજાજીના રોહણની નકલી પહોંચનું પ્રકરણ ખુલ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દ્વારકા શહેરમાં વિશ્વ પ્રખ્યાત જગતમંદિરે ધ્વજાજી રોહણ માટે એકાદ મહિના પહેલા કચ્છના ભૂજથી તિર્થરાજસિંહ રાજેન્દ્રસિંહ નામના આસામીએ સમસ્ત ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સંસ્થાને પત્ર લખી પુછાવ્યું હતું કે તેઓએ ધ્વજાજીના રોહણ માટે બુક કરાવેલી તારીખ કન્ફર્મ છે કે કેમ ?

આ પત્ર સાથે તે આસામીએ ધ્વજાજી અંંગેની બે પહોંચ તેમજ બેંક ખાતામાં ટ્રાન્સફર કરેલી રકમ અંગે વિગતો આપી હતી. તે વિગત સંસ્થાના કર્મચારી ધવલ વિનોદભાઈ દેવમુરારીએ ચેક કરતા આપવામાં આવેલી બંને પહોંચ નકલી હોવાનું જણાઈ આવ્યું હતું તેથી વધુ ચકાસણી કરાતા પુજાબેન મેવાડા નામના મહિલાના નામે આપવામાં આવેલી રૂા. ૫૧ હજારની પહોંચ તથા દીપ જનકકુમાર મેરના નામની રૂા. ૧૦૨ની રૂા. ૫૧ હજારની પહોંચમાં ધવલ દેવમુરારીની સહિ નહોતી તેમજ ભૂજના આસામીએ ઓનલાઈન ચૂકવેલી રકમ અંગેના સ્ક્રીન શોટમાં પણ બરાબર ન લાગતા ધવલ દેવમુરારીએ સંસ્થાના અન્ય સદસ્યો સાથે વાતચીત કરતા ધ્વજાજીના રોહણ અંંગેની ખોટી પહોંચ બનાવી, ધવલ દેવમુરારીની ખોટી સહી કરી રૂા. ૧ લાખ ૨ હજારની છેતરપીંડી કરાઈ હોવાનું જણાઈ આવતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

વધુમાં જાણવામાં આવ્યા મુજબ શીવમ દિપકભાઈ ઠાકર નામના ટીવી સ્ટેશન રોડ પર રહેતા શખ્સે પૂજાબેનને ધ્વજાજી ચઢાવવાના નામે વિશ્વાસમાં લીધા પછી સમસ્ત ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ નામની સંસ્થાની બનાવટી પહોંચ આપી છેતરપીંડી કરી છે. પોલીસે શીવમ ઠાકરની અટકાયત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh