Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની મેઈન પોષ્ટ ઓફિસમાં ૬૮ લાખની શંકાસ્પદ લેવડ દેવડ અંગે સાઈબર ક્રાઈમની તપાસનો ધમધમાટ

બેંગલોર પોલીસમાં એક વર્ષ પહેલા ફ્રોડના ગૂન્હામાં જામનગરની ટપાલ કચેરીએ કુલડીમાં ગોળ ભાંગ્યો ?

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૮: જામનગરની મુખ્ય ટપાલ કચેરીમાં લાખો રૂપિયાનો સાયબર ફ્રોડ થયો હોવાનું બહાર આવ્યું છે. દસ જેટલા ખાતાઓમાં રૂા. ૬૮ લાખ કરતાં વધુ રકમની લેવડ-દેવડ મામલે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હોવાનું જાણવા મળે છે.

જામનગરની મુખ્ય ટપાલ કચેરીમાં લાખો રૂપિયાના સાયબર ફોડ મામલે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતાં સંબંધીઓમાં ફફડાટ મચી ગયો છે. આ ટપાલ કચેરીના ૧૦ જેટલા ખાતાધારકોના ખાતામાં સાયબર ફ્રોડથી આવેલી રકમ બીજા જ દિવસે ઉપાડી લેવામાં આવી હોવાનું જણાઈ રહૃાું છે. આ લાખો રૂપિયાના છેતરપિંડી કાંડમાં ટપાલ કચેરીના જ એક કર્મીની સંડોવણી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ માનવામાં આવે છે.

ટપાલ વિભાગના જામનગર સર્કલમાં ચકચાર જગાવનારા આ લાખો રૂપિયાના કૌભાંડની મળતી વિગતો મુજબ શહેરમાં જૈન દેરાસર સામે આવેલી મુખ્ય ટપાલ કચેરીમાં ખાતા ખોલવામાં આવેલા ૧૦ જેટલા ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કૌભાંડનો કુલ આંકડો આ એક જ ટપાલ કચેરીમાં રૂા. ૬૮ લાખથી વધુનો છે. અન્ય ટપાલ કચેરીઓમાં તપાસ થાય તો ત્યાં આવું કાંઈ કારસ્તાન આચરાયું છે કે નહીં? તેની વિગતો ખબર પડશે.

આ આખા કૌભાંડનો મામલો સેન પોલીસ સ્ટેશન (વ્હાઈટ ફિલ્ડ- બેંગ્લોર) દ્વારા લખાયેલા તા. ૫.૪.૨૫ ના પત્રના પગલે ખૂલવા પામી રહૃાો છે. જામનગરની ટપાલ કચેરીને આ પત્ર દ્વારા જણાવાયું હતું કે, આ કચેરીના ખાતા નં. ૦૧૦૦૫૦૦૪૬૪૬૧માં રૂ. ૪,૮૪,૮૦૦ની શંકાસ્પદ લેવડ-દેવડ થઈ છે. તેની વિગતો તપાસના કામ માટે બેંગ્લોર પોલીસે જામનગર ટપાલ કચેરી પાસેથી માંગી હતી. આ વિગતો આપવામાં જામનગર કચેરીએ વિલંબ કરતાં બેંગ્લોરના સંબંધીત પોલીસ સ્ટેશને તા. ૨૧.૪.૨૫ના રિમાઈન્ડર પણ જામનગર ટપાલ કચેરીના પોસ્ટ માસ્ટરને કર્યો હતો.

હવે આ મામલે તપાસમાં વિગતો આપવામાં આવે તો આખું કૌભાંડ બહાર આવે તેવો ભય લાગતાં ખાતાકિય તપાસના નામે ટપાલ તંત્રના જવાબદારોએ કુલડીમાં ગોળ ભાંગવા' જેવો ખેલ કરી નાંખ્યો અને બેંગ્લોર પોલીસે જે ખાતા નંબર લખ્યા હતાં તે ખાતાધારક (યાશ્મીન પીઠડીયા)નું મૃત્યુનું પ્રમાણપત્ર રજૂ કરી દીધું હોવાનું જાણકારોનું કહેવું છે. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે' તે મુજબ જામનગર સાયબર ક્રાઈમ પોલીસને એક અરજદારે વિસ્તૃત માહિતી સાથેની ચોંકાવનારી વિગતો મોકલી છે. જેમાં જામનગરની મુખ્યટપાલ કચેરીના ૧૦ જેટલા ખાતાધારકોના ખાતામાંથી રૂા. ૩૦.૧.૨૦૨પ થી તા. ૨૦.૨.૨૦૫ સુધીમાં કુલ રા. ૬૮,૨૯,૮૦૦ ની રકમની શંકાસ્પદ લેવડ-દેવડ સાયબર ફ્રોડ હોવાનું જણાવાયું છે.

જે ખાતાઓમાંથી આ લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમના ખાતા નંબર અને નામ પણ અરજદારે આપ્યા છે. જે મુજબ એ ખાતાધારકોના નામ યાશ્મીન પીઠડીયા, ફરહાન પીઠડીયા, જમીર ઠાસરીયા, અમીન બ્લોચ, જુહેર ઓડિયા, અબ્બાસ ઓડિયા, અલ્તાફ ઓડિયા, સાજીદ માડકીયા અને નસરીન માડકીયા છે. આ તમામ ખાતાઓમાં રૂા. ૩,૩૬,૦૦૦ થી માંડીને રૂા. ૫,૧૫,૦૦૦ સુધીની શંકાસ્પદ લેવડ-દેવડ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ તમામ ખાતાઓમાં મોટી રકમ જમા થઈ એ રકમ એ દિવસે અથવા તો બીજા દિવસે જ ઉપાડી લેવામાં આવી છે. અને આ રકમ ઉપાડનાર ટપાલ કચેરીના કર્મચારી આફતાબ માડકીયા અને તેમના સગા આતિક માડકીયાના નામ જોવા મળે છે.

ટપાલ વિભાગના નિયમ મુજબ ખાતા ખોલવા માટે તેના કર્મચારી ખાતાધારકનું ફોર્મ ભરી શકે નહીં પણ આ કૌભાંડમાં તો ટપાલ કચેરીના કર્મી આફતાબ માડકીયા પોતાનો મોબાઈલ નંબર આપેલો છે. આ રીતે રેકર્ડ ઉપર નિયમ વિરૂદ્ધ ટપાલ કચેરીના જ કર્મચારી આફતાબ માડકીયાએ લાખોની દેવડ-દેવડ કરી હોવા છતાં ટપાલ કચેરીના જવાબદાર અધિકારીઓએ તેમની સામે કોઈ જ પગલાં લીધા નથી, માત્ર તેમની બદલી કરી તપાસનું નાટક રચી સમગ્ર કૌભાંડ પર લીંપાપોતી કરી હોવાની શંકા ઉભી થઈ છે.

જામનગર સાયબર ક્રાઈમ પોલીસે લાખો રૂપિયાના સાઈબર ફ્રોડ મામલે જામનગરની ટપાલ કચેરી પાસેથી જરૂરી વિગતો અને દફતર લેખિતમાં મંગાવ્યો છે એ જોતા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

જામનગર ટપાલ કચેરીના સાઈબર ફ્રોડના નાણાં કાશ્મીર મોકલાયા હોવાનું અને તેનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં થયો હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. આ બાબતે સંબંધિત વર્તમાન અધિકારીઓ રહસ્યમય રીતે ચૂપ છે.

જામનગર ટપાલ કચેરીના એક ખાતાધારક યાશ્મીન પીઠડીયાના ખાતામાં રૂા. ૨૬.૨.૨૦૨૫ના  ઉપાડવામાં આવેલી રૂ. ૪,૮૪,૦૦૦ જેટલી રકમ અંગે બેંગ્લોર પોલીસે જામનગર ટપાલ કચેરીને પત્ર લખી વિસ્તૃત વિગતો માંગતો પત્ર લખ્યા પછી આ મામલે તપાસનું ફીંડલુંવાળી દેવા માટે ખાતાધારક મહિલાનું મૃત્યુ પ્રમાણપત્ર રજૂ કરાયું હોવાનું અને તે મહિલા જીવીત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે આ વિગતો કેટલી સત્ય છે તે તો જામનગર સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં ખૂલશે. પરંતુ આ મામલે જામનગર ટપાલ કચેરીના સંબંધિત અધિકારીઓ ભેદી મૌન સેવી રહ્યા છે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh