Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાજના કડવા વહેણ અને અસહ્ય રૂઢીઓનો સામનો કરીને
આજે આપણી આસપાસ જ્યારે કોઈ મહિલા ડોક્ટર દર્દીની સારવાર કરતા જોવા મળે છે, ત્યારે આપણને બહુ સામાન્ય લાગે છે. પરંતુ આજથી દોઢસો વર્ષ પહેલાંનો એ જમાનો યાદ કરો જ્યારે સ્ત્રીઓનું ઘરની બહાર નીકળવું પણ ગુનો ગણાતો હતો. એવા કઠિન સમયમાં તમામ સામાજિક બંધનો, અપમાન અને ગંભીર બીમારીનો સામનો કરીને વિદેશ જઈ તબીબી વિદ્યાની ડિગ્રી મેળવનાર ભારતના પ્રથમ મહિલા ડોક્ટર એટલે ડો. આનંદી ગોપાલ જોશી (આનંદીબાઈ જોશી).
જાનકી અમ્માલે જે રીતે વનસ્પતિશાસ્ત્રમાં અને અસીમા ચેટર્જીએ રસાયણશાસ્ત્રમાં ભારતનું નામ રોશન કર્યું, તે તમામ માટેનો રસ્તો વર્ષો પહેલાં આનંદીબાઈએ પોતાના લોહીનું પાણી કરીને સાફ કર્યો હતો. તેમનું જીવન વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર અને સ્ત્રી સશક્તિકરણની એક એવી મશાલ છે, જે આજે પણ કરોડો ભારતીય દીકરીઓના સપનાઓને અજવાળે છે.
આનંદીબાઈનો જન્મ ૩૧ માર્ચ, ૧૮૬૫ના મહારાષ્ટ્રના કલ્યાણમાં એક રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તે સમયની કુપ્રથા મુજબ, માત્ર ૯ વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન પોતાનાથી આશરે ૨૦ વર્ષ મોટા ગોપાલરાવ જોશી સાથે કરી દેવાયા હતા.
જ્યારે આનંદીબાઈ માત્ર ૧૪ વર્ષના હતા, ત્યારે તેમણે એક સુંદર બાળકને જન્મ આપ્યો. પરંતુ એ જમાનામાં ભારતમાં તબીબી સુવિધાઓનો ભારે અભાવ હતો અને ખાસ કરીને મહિલાઓની સારવાર માટે કોઈ મહિલા ડોક્ટર ઉપલબ્ધ નહોતી. યોગ્ય સારવાર અને દવાના અભાવે એ નવજાત બાળકે માત્ર ૧૦ જ દિવસમાં દમ તોડી દીધો. આ આઘાતે ૧૪ વર્ષની એ કિશોરીના હ્ય્દયને હચમચાવી મૂક્યું. તેમણે રડવાને બદલે સંકલ્પ કર્યો કે, *હું પોતે ભણીશ, ડોક્ટર બનીશ અને ભારતની બીજી કોઈ માતાને તબીબી સુવિધાના અભાવે પોતાનું બાળક ગુમાવવા નહીં દઉં.*
તેમના પતિ ગોપાલરાવ પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા અને તેમણે આનંદીબાઈને ભણાવવામાં મોટો ટેકો આપ્યો. પરંતુ સમાજ આ વાત પચાવી શકે તેમ નહોતો. જ્યારે આનંદીબાઈએ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવાનું નક્કી કર્યું, ત્યારે લોકોએ તેમના પર પથ્થરો ફેંક્યા, તેમને ધર્મભ્રષ્ટ કહીને અપમાનિત કર્યા અને સામાજિક બહિષ્કાર કર્યો.
પરંતુ આનંદીબાઈ હિમાલયની જેમ અડગ રહૃાા. તેઓ ૧૮૮૩માં એકલા અમેરિકા પહોંચ્યા અને પેન્સિલવેનિયાની વુમન્સ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. ત્યાંનું અતિશય ઠંડું વાતાવરણ અને બદલાયેલું ખાનપાન તેમના શરીરને માફક ન આવ્યું. તેમને ક્ષય (ટીબી) નો ગંભીર રોગ થઈ ગયો, છતાં તેમણે ખાંસી અને તાવની અસહૃા પીડા વચ્ચે પણ દિવસ-રાત એક કરીને અભ્યાસ ચાલુ રાખ્યો. માર્ચ ૧૮૮૬માં, માત્ર ૨૦ વર્ષની ઉંમરે, તેઓ 'ડોક્ટર ઓફ મેડિસિન' (એમડી) ની પદવી મેળવીને ભારતના પ્રથમ મહિલા ડોક્ટર બન્યા.
ઘણાંને પ્રશ્ન થાય કે આનંદીબાઈની આ વૈજ્ઞાનિક અને તબીબી સિદ્ધિ આજે આપણને કઈ રીતે સ્પર્શે છે? તેનો જવાબ ખૂબ સીધો અને સંવેદનશીલ છે.
આનંદીબાઈ એ સમયના ભારતીય પરિપ્રેક્ષ્યને બહુ સારી રીતે સમજતા હતા કે પરંપરાગત ભારતીય મહિલાઓ પુરૂષ ડોક્ટર પાસે પોતાની બીમારીઓ વિશે વાત કરતા શરમાતી હતી, જેના કારણે લાખો સ્ત્રીઓ અકાળે મૃત્યુ પામતી હતી. આનંદીબાઈએ મેડિકલ કોલેજમાં પોતાના થિસિસનો વિષય પણ *હિન્દુ આર્ય મહિલાઓમાં પ્રસૂતિશાસ્ત્ર* રાખ્યો હતો.
આજે ભારતમાં ગાયનેકોલોજી (સ્ત્રીરોગ વિજ્ઞાન) અને પ્રસૂતિશાસ્ત્ર જે આટલું આગળ વધ્યું છે, તેની પ્રથમ ઈંટ આનંદીબાઈએ મૂકી હતી. આજે દેશની કરોડો માતાઓ, બહેનો અને દીકરીઓ જે સુરક્ષિત હોસ્પિટલોમાં પ્રસૂતિ કરાવી શકે છે અને ગંભીર બીમારીઓ સામે સ્ત્રી ડોક્ટરોની નિઃસંકોચ સલાહ મેળવી શકે છે, તે આનંદીબાઈના એ જ ૧૫૦ વર્ષ જૂના સંકલ્પનું પરિણામ છે.
જ્યારે ડો. આનંદીબાઈ ભારત પાછા ફર્યા, ત્યારે આખા દેશે તેમનું ભવ્ય સ્વાગત કર્યું. કોલ્હાપુર રિયાસતના રાજાએ તેમને સ્થાનિક હોસ્પિટલના લેડી ડોક્ટર તરીકે નિયુક્ત કર્યા. પરંતુ અફસોસ, અમેરિકાની કાળી મજૂરી અને ટીબીના રોગે તેમના શરીરને જર્જરિત કરી નાખ્યું હતું. ભારત આવ્યાના થોડા જ મહિનાઓમાં, ૨૬ ફેબ્રુઆરી, ૧૮૮૭ના માત્ર ૨૧ વર્ષની નાની ઉંમરે આ મહાન જ્યોત બુઝાઈ ગઈ.
જામનગર જેને આપણે 'છોટાકાશી' કહીએ છીએ, ત્યાં સંસ્કારો અને પરંપરાઓનો આદર થાય છે. ડો. આનંદીબાઈ જોશીનું જીવન આપણને શીખવે છે કે સાચી દેશભક્તિ અને સાચું વિજ્ઞાન એ છે, જે સમાજની છેવાડાની વ્યક્તિના આંસુ લૂછવા માટે વપરાય. આનંદીબાઈએ ભલે બહુ ઓછો સમય પ્રેક્ટિસ કરી, પણ તેમણે ભારતની સ્ત્રીઓ માટે બંધ થઈ ગયેલા વિજ્ઞાન અને પ્રગતિના દ્વાર હંમેશ માટે ખોલી નાખ્યા. આજે જ્યારે પણ આપણે કોઈ દીકરીને સ્ટેથોસ્કોપ ગળામાં ભરાવીને દર્દીઓની સેવા કરતી જોઈએ, ત્યારે એ ચહેરામાં આપણને ડો. આનંદીબાઈ જોશીના સપના સાકાર થતા દેખાય છે.
આલેખનઃ- સોના શર્મા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો