તંત્રી લેખ

ગુજરાત સરકારે ગઈકાલે એક મહત્ત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે, જેની જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ કરી હતી. આ યોજનાનો પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી તેના લાભાલાભોની ચર્ચા થઈ શકે, પરંતુ રાજય સરકારે જે-જે ગામોમાં ગૌચરની જમીન નથી, અથવા ઝુંટવાઈ કે વેંચાઈ ગઈ હોય તો તેની તલસ્પર્શી તપાસ કરીને તેવા ગામોને ગૌચર માટે પૂરતી જમીન ફાળવી કોઈ યોજના પણ બનાવવી જોઈએ, તેવી લાગણી વ્યક્ત થવા લાગી છે. જો કે, ગૌચરની જમીનો અંગે રાજય સરકારે વખતોવખત કેટલીક સ્પષ્ટતાઓ કરવાનો પ્રયાસ પણ કર્યો છે, છતાં વિપક્ષો દ્વારા સરકારની આ અંગે ટીકા પણ થતી રહે છે.
"મુખ્યમંત્રી બાગાયતી વિકાસ મિશનરી"ની જાહેરાત કરતા રૃપાણીએ વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડવાણની સરકારી પડતર જમીનોને ૩૦ વર્ષના લાંબાગાળાના લીઝ પર ફાળવી તેને ઉપજાઉ બનાવી અને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી કરીને વધુને વધુ આવક મેળવવા તેમજ આ ઉત્પાદનોની ગુણવત્તા સુધારીને તેની નિકાસ વધારવાની નેમ હોવાનો સંકેત પણ આપ્યો છે. આ કારણે ખેડૂતો, પશુપાલકો સહિતના લોકો માટે રોજગારી અને પુરક રોજગારીની તકો વધશે, તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.
જો કે, આ યોજના પાંચ એવા જિલ્લામાં લાગુ કરાશે, જ્યાં દરિયા કાંઠા નજીક હોવા અને રણ પ્રદેશ હોવા સહિતના કેટલાક કારણોસર બિન ઉપજાઉ જમીન વધુ છે. ખેતી ઉત્પાદનોનું વેલ્યુ એડિશન કરીને અને નિકાસ વધારીને ખેડૂતો તથા ખેત ઉત્પાદન અને નિકાસ સાથે સંકળાયેલા તમામ લોકોની આવક વધારવાનો હેતુ દર્શાવાયો છે.
આ યોજના જાહેર તો થઈ, પરંતુ જમીનો ભાડાપટ્ટાથી લેવાની પ્રગતિશીલ ખેડૂતો ઉપરાંત કોઈપણ સક્ષમ વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ અથવા ભાગીદારી પેઢીઓને પણ ફાળવી શકાશે, તેવી થયેલી જાહેરાતને લઈને પણ ચર્ચાઓ ઊભી થઈ છે, અને આ યોજના પણ કોઈ ચોક્કસ કંપનીઓ - પેઢીઓના લાભાર્થે તો જાહેર થઈ નથી ને...? તેવી ચર્ચાઓ થવા લાગી છે. જો કે, સરકારી વર્તુળો પણ હજુ આ યોજના અંગે બહુ પ્રતિભાવો આપી રહ્યાં નથી, પરંતુ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું છે કે, સરકાર તેના મળતિયાઓને જમીન ફાળવી દેશે.
રાજ્યમાં પ૦ હજાર એકર જમીનની આ યોજના હેઠળ ૩૦ વર્ષના ભાડાપટ્ટે જમીનની ફાળવણી થવાની છે, અને તેમાં સબસીડી અને પ્રોત્સાહનો પણ જાહેર કરાયા છે, પરંતુ તે માટે માત્ર બાગાયતી અને ઔષધિય ઉત્પાદનો જ થઈ શકશે તેવી શરત રાખવામાં આવી છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પણ સરકારે જાહેર કરી છે. આ યોજનાનો પૂરેપૂરો અભ્યાસ કરતા પહેલા તેની સબળી કે નબળી બાબતો અંગે ચર્ચા કરવી યોગ્ય નથી, પરંતુ લોકોને ઉઠતી આશંકાઓ દૂર કરવાની ફરજ સરકારની છે જ...
આ નવી યોજના અંગે કોઈ વખત ફરી વિગતવાર વાત કરીશું, પરંતુ સરકાર દ્વારા પ્રત્યેક ગામમાં પૂરતા પ્રમાણમાં ગૌચરની જમીન હોય અને શહેરોમાંથી માલિકીવાળા પશુઓ સહિતના રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા કોઈ યોજના પણ બને તેવી આશા લોકો રાખી રહ્યાં હશે.
આ યોજનાની એક ઉપયોગી બાજુ પણ છે. આ રીતે પડતર બિન ઉપજાઉ સરકારી જમીનો લીઝ પર અપાઈ જશે, તે પછી સરકારી જમીનો પર ગેરકાનૂની દબાણોની સમસ્યા ઘટી શકે છે, કારણ કે, બિન ઉપજાઉ અને પડતર જમીન પર જ ધીમે-ધીમે વિવિધ પ્રકારના દબાણો ઊભા થઈ જતા હોય છે, જો જમીન જ ફાલતુ બહું નહીં હોય, તો ગેરકાયદે દબાણ કરવાની સંભાવનાઓ જ ઘટી જશે.