Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ૭૦૦થી વધુ શેર આખા વર્ષના તળિયે
મુંબઈ તા. ૧૭: આજે પ્રારંભથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત નવ દિવસ સુધી કડાકો બોલાતા રોકાણકારોએ રૂ. ૩૩ લાખ કરોડ ગુમાવ્યા છે, જયારે છેલ્લા સાડા ચાર મહિનામાં ઈન્વેસ્ટરોના રૂ. ૭૮ લાખ કરોડનું ધોવાણ થયું છે. આજે પણ પ્રારંભે ૬૪૦ પોઈન્ટનો સેન્સેકસમાં કડાકો નોંધાયા પછી ઈન્ટ્રા-ડે વધઘટ જોવા મળી રહી છે.
સ્થાનિક શેરબજારમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બીએસઈ સેન્સેક્સમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ ચાર ટ્રિલિયન ડોલર સુધી ઘટી ગયું છે, જે જૂન ૨૦૨૪ પછીનું સૌથી નીચું સ્તર છે.
સપ્ટેમ્બરમાં, આ આંકડો ૪૭૮ લાખ કરોડ રૂપિયાની નવી ટોચે પહોંચ્યો. આ રીતે, સાડા ચાર મહિનામાં રોકાણકારોના લગભગ ૭૮ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ૧૦ એપ્રિલે માર્કેટ કેપ પહેલી વાર ૪૦૦ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ હતી અને ૨૯ સપ્ટેમ્બરે ૪૭૭.૯૩ લાખ કરોડ રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. ૨૯ સપ્ટેમ્બરથી શેરબજારમાં તીવ્ર ઘટાડો ચાલુ છે. આ વર્ષે નિફ્ટી અત્યાર સુધીમાં ૨.૬% ઘટયો છે.
સેન્સેકસ આજે ૩૪૦ પોઈન્ટથી વધુના ઘટાડે ખૂલ્યા બાદ ૬૪૪.૪૫ પોઈન્ટ તૂટી ૭૫૨૯૪.૭૬ના લેવલે પહોંચ્યો હતો. જે ૧૦.૧૫ વાગ્યે ૫૪૨.૭૬ પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોને આજે વધુ રૂ. ૫ લાખ કરોડનું નુકસાન થયું છે. નિફટી પણ ૨૨૮૦૦નું લેવલ ફરી તોડી ૧૭૨.૧૫ પોઈન્ટના ઘટાડે ૨૨૭૫૭.૧૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે પછી ઈન્ટ્રા-ડે વધઘટ જોવા મળી રહી છે. સ્મોલકેપ શેરોમાં રોકાણકારોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. ઈન્ડેકસ ૭૦૦થી વધુ પોઈન્ટ તૂટયો છે. મીડકેપમાં ૪૫૨ પોઈન્ટનું ગાબડું નોંધાયું છે. સાર્વત્રીક ધોરણે માર્કેટમાં કડાકો નોંધાયો હતો.
ભારત પર અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફનો ભય, રૂપિયામાં કડાકો, તેમજ વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે શેરબજાર સતત ગગડી રહ્યા છે.
બીએસઈમાં આજે મોર્નિંગ સેશનમાં જ ૭૧૯ શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. જયારે ૩૭૮ શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. કુલ ટ્રેડેડ ૩૮૨૫ પૈકી માત્ર ૯૩૫ શેરમાં જ સુધારો થયો હતો. જયારે ૨૭૨૧માં ઘટાડો નોંધાયો હતો. ભારતીય શેરબજાર કોવિડ મહામારી પછી સતત આકર્ષક તેજી સાથે વધ્યા હતાં. છેલ્લા દોઢ વર્ષની તુલનાએ માર્કેટ હજી પણ ઓવરવેલ્યુડ છે. રેસિપ્રોકલ ટેરિફ વચ્ચે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ દૂર થવાની અંદાજ મળ્યા છે. યુક્રેન અને રશિયા યુદ્ધ સમાપ્ત કરવા જઈ રહ્યા છે, ક્રુડના ભાવો પણ ઘટયા છે. તેમજ ડોલર ઈન્ડેકસમાં પણ હવે કરેકશન જોવા મળ્યું છે.
બીજી તરફ સ્થાનિક સ્તરે ફુગાવો ઘટતાં આરબીઆઈ તેની એપ્રિલ મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરે તેવી શકયતાઓ જણાઈ રહી છે. આ પરિબળોને ધ્યાનમાં રાખતાં એપ્રિલના અંત સુધી માર્કેટમાં ફરી પાછી તેજી જોવા મળવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial