Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ દાયકા પહેલા શોધાયેલ દરિયામાં ડૂબેલી દ્વારકાના પ્રાચીન અવશેષો દિલ્હીમાં શા માટે ?

 

હેરિટેજ વીકના પ્રારંભે જ દ્વારકાવાસીઓ તથા ભાવિકો-અભ્યાસુઓનો સણસણતો સવાલઃ

દ્વારકા તા. ૧૮ઃ આજથી શરૃ થયેલ હેરિટેજ વીકના પ્રારંભે જ સવાલ ઊઠી રહ્યો છે કે દ્વારકાના સમુદ્રમાંથી મળી આવેલ પ્રાચીન ધરોહરના અવશેષો ભક્ત પ્રવાસીઓ ક્યારે નિહાળી શકશે? ત્રણ દાયકા પૂર્વે શોધાયેલ સુવર્ણનગરીની હેરિટેજ સ્મૃતિઓ દિલ્હીમાં શા માટે? તદુપરાંત દ્વારકામાં નિર્મિત મ્યુઝિયમ ક્યારે શરૃ થશે, તે અંગે સવાલો ઊઠી રહ્યા છે.

આજથી હેરિટેજ વીકની શરૃઆત સમગ્ર ભારતમાં થઈ રહી છે, અને ભારતભરમાં દેશની ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરવા હેરિટેજ વીકના કાર્યક્રમો યોજાવવા જઈ રહ્યા છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની નગરીમાં પશ્ચિમ કિનારાના સમુદ્રમાંથી ૧૯૮૪ થી ૧૯૯૦ દરમિયાન ભારતીય આર્કોલોજી ખાતાએ કરેલ સંશોધન દરમિયાન મળી આવેલા પ્રાચીન અવશેષો શા માટે દિલ્હીમાં રાખવામાં આવ્યા છે અને દ્વારકામાં આવતા લાખો પ્રવાસીઓ માટે આ અવશેષો માટે દ્વારકામાં ક્યારે મ્યુઝિયમ બનશે અને કોણ આ અવશેષો દ્વારકા લાવશે તેવો હેરિટેજ સવાલ આજે દ્વારકાના નગરવાસીઓમાં હેરિટેજ વીકના પ્રારંભે પૂછાઈ રહ્યો છે.

કૃષ્ણની આ નગરીને નવા સ્વરૃપ અને નવા રૃપરંગ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર આપવા જઈ રહી છે ત્યારે દ્વારકા આવતા યાત્રિક પ્રવાસીઓ માટે દ્વારકાના જ સમુદ્રમાંથી મળી આવેલા પ્રાચીન અવશેષો દ્વારકામાં જ નિહાળી શકાય તેવું ક્યારે થશે અને દ્વારકામાં મ્યઝિયમ બનાવવા અનેકવિધ રજૂઆતો છતાં શા માટે મ્યુઝિયમ શરૃ કરાતું નથી અને મળી આવેલ અવશેષો દ્વારકા ન લાવી દિલ્હીમાં શા માટે રાખવામાં આવ્યા છે તેવા તીખા સવાલો ઊઠી રહ્યા છે. એટલું જ નહીં, દ્વારકાની આવી ઉપેક્ષાઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીકા થઈ રહી છે.

કૃષ્ણનગરી દ્વારકા વિશેષ સંશોધન કરનાર જાણકારો અને અભ્યાસુઓ પાસેથી મળતી માહિતી મુજબ સને ૧૯૮૪ થી ૧૯૯૦ સુધીમાં ભારતીય પુરાતત્ત્વ વિભાગના વડા ડો. એસ.આર. રાવ અને તેમની ટીમ દ્વારા સમયાંતરે અનેક વખત દ્વારકાના સમુદ્રમાં ગરકાવ થયેલી સુવર્ણ નગરીના અવશેષોને શોધી કાઢવામાં આવ્યા હતાં અને સંશોધન દરમિયાન દ્વારકા એક પૌરાણિક બંદર પણ હતું તેવા પુરાવા પણ મળ્યા હતાં. તેમની સાથે જ બંદરના લંગરો તથા લાંબી દીવાલના પથ્થરો, માટલાઓ તથા અનેક પ્રકારના પૌરાણિક અવશેષો મળી આવ્યા હતાં અને તેમની ડોક્યુમેન્ટરી પણ કરવામાં આવી હતી તેના મળી આવેલા અવશેષો ઝીણવટભરી રીતે સંશોધન પણ કરાયું હતું અને ભારત સરકાર દ્વારા જ જાહેર કરાયું હતું કે, આ ભગવાન શ્રીકૃષ્ણની સમુદ્રમાં ગરકાવ થયેલ દ્વારકા નગરીના પૌરાણિક અવશેષો છે.

તે પછી આ અવશેષો ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા દિલ્હી લઈ જવાયા હતાં તે વખતે પણ આ અવશેષોનું મ્યુઝિયમ દ્વારકામાં બનાવાશે તેવી જાહેરાત કરાઈ હતી.

આજે જ્યારે આ સંશોધનને ૩પ વર્ષ જેટલા સમયના વહાણાં વીતી ગયા તથા હજુ ઠોસ પરિણામ આવતું નથી તે ખૂબ જ દુઃખદ બાબત છે. દ્વારકા હાઈ-વે માર્ગ ઉપર શહેરની મધ્યમાં કાનદાસ બાપુ આશ્રમ પાસે ચરકલા રોડ પર ગુજરાત રાજ્યના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજથી દસ વર્ષ આસપાસના સમયગાળાથી બનાવવામાં આવેલું વિશાળ મ્યુઝિયમ સંકુલ હાલમાં ઘા ખાઈ રહ્યું છે અને જર્જરિત થઈ રહ્યું છે. શા માટે આ મ્યુઝિયમ શરૃ કરવામાં આવતું નથી તે પણ એક સવાલ છે.

જો આ મ્યુઝિયમમાં દ્વારકાના સમુદ્રમાંથી મળેલ અમૂલ્ય દ્વારકાની ધરોહર સમાન અવશેષોને રાખવામાં આવે અને યાત્રિકોને નિહાળવા માટે આ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવે તો દેશ-વિદેશથી આવતા યાત્રિકો-સહેલાણીઓને દ્વારકાની પૌરાણિક ધરોહરને અલગ રીતે નિહાળવાની મહાત્વાકાંક્ષા યાત્રિકો પૂરી કરી શકે તેમ હોય, આ મ્યુઝિયમને શરૃ કરવા પણ માંગ ઊઠી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh