Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાં કથાના સ્થળે થયેલી સોનાના ચેનની ચીલઝડપના ગુન્હામાં ગેંગની કરાઈ અટક

ચાર શખ્સ, અગિયાર મહિલાને સાડા સત્તર લાખના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલસીબીઃ

જામનગર તા.૩ ઃ જામજોધપુરમાં બુધવારે સપ્તાહના એક સ્થળે થયેલી ધૂક્કામૂક્કીમાં પાંચેક મહિલાના ગળામાંથી સોનાના ચેન કપાઈ ગયા હતા. તેની ફરિયાદ પછી એલસીબી તથા સ્થાનિક પોલીસે હરકતમાં આવી આદરેલી તપાસમાં રાજસ્થાનના ચાર શખ્સ અને અગિયાર મહિલાની ટોળકી ઝડપાઈ ગઈ છે. આ ગેંગે ઉપરોક્ત ચીલઝડપની કબૂલાત આપી રૃા.૧૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કાઢી આપ્યો છે. કથા જેવા સ્થળે આ ટોળકી પોતાનો કરતબ આચરતી હતી.

જામજોધ૫ુર શહેરમાં પિયુષ મનસુખભાઈ વૈષ્નાણી નામના આસામીએ યોજેલી ભાગવત સપ્તાહના સ્થળે બુધવારે બપોરે પ્રસાદ વિતરણ વેળાએ ધક્કામૂક્કી મચતા તેનો લાભ લઈ પાંચેક મહિલાએ પિયુષભાઈના માતા સવિતાબેન તથા અન્ય ચાર મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરી લીધી હતી. તેની તરત જ જાણ થઈ જતાં ત્યાં હાજર લોકોએ સુનિતા સતિષ ચમાર નામની મહિલાને પકડી પાડી હતી. આ મામલો પોલીસ મથકે પહોંચ્યા પછી કુલ રૃપિયા સવા ત્રણેક લાખના પાંચ ચેન ઝૂટવી જવા અંગે ગુન્હો નોંધાયો હતો.

આ ગુન્હાની શરૃ કરાયેલી તપાસમાં જામનગર એલસીબીએ ઝૂકાવ્યું હતું. પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા જામજોધપુર પોલીસના સ્ટાફની જુદી જુદી ટીમોને તપાસમાં લગાડવામાં આવી હતી. જેમાં એલસીબીના વનરાજ મકવાણા, ધાનાભાઈ મોરી, રાકેશ ચૌહાણ વગેરેએ સ્થળ પર જઈ હાથ ધરેલી તપાસમાં એક અર્ટીગા મોટરનો નંબર મળવા પામ્યો હતો. તે નંબર અંગે ઈ-ગુજકોપ એપમાં સર્ચ કરાતા તે મોટર રાજસ્થાનના જયપુર તરફની એક ગેંગની હોવાનું અને મોટર રાજકોટ તરફ ગઈ હોવાનું ખૂલ્યું હતું.

તે પછી એલસીબીની ટીમ આ મોટરનો પીછો કરી રહી હતી. ત્યારે એક આરોપીનો મોબાઈલ નંબર મળતા અને તેનું લોકેશન ચોટીલા હોવાનું ખૂલતા તે ટોળકીને ચોટીલા નજીક આંતરી લેવામાં આવી હતી. બે મોટરમાં રહેલા ચાર શખ્સ અને અગિયાર મહિલાને જામનગર એલસીબી કચેરીએ ખસેડી પૂછપરછ કરાતા જામજોધપુરના ગુન્હાની કબૂલાત મળવા પામી છે.

મૂળ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના સુનિલ સુરજપાલ બાવરીયા, સન્ની બચુભાઈ બાવરીયા, સોનુ નરેશભાઈ બાવરીયા, જીતેન્દ્ર બહાદુર બાવરીયા નામના ચાર શખ્સ તેમજ સોનીયા સન્ની બાવરીયા, મોની દીપક, સુરેશનીબેન સુનિલ, મોના જસમત, સરફી નરેશ, ભૂરી પપ્પુભાઈ, ગુડીયા રાકેશભાઈ સમોતા મહાવીર, બીમલેશબેન અનિલ, આશા રાજેશ, કોમલ બચુભાઈ નામની અગિયાર મહિલાની પૂછપરછ કરાતા તેઓએ જામજોધપુરના ગુન્હાની કબૂલાત કરી સોનાના છ ચેન, મંગળસૂત્ર, ચાંદીના સાંકળા, અગિયાર મોબાઈલ, રૃા.૧૮ હજાર રોકડા કાઢી આપ્યા છે. એલસીબીએ રૃા.૭, ૫૫,૫૦૦નો મુદ્દામાલ અને રૃા.૧૦ લાખની બે મોટર મળી કુલ રૃા.૧૭,૫૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

ઉપરોક્ત ટોળકી રાજસ્થાનથી ગુજરાતમાં આવ્યા પછી જે કોઈ શહેર અથવા ગામમાં કથા કે કોઈ મેળાવડો યોજાયો હોય તે સ્થળને ટાર્ગેટ કરતા હતા. ત્યાં અગાઉથી નક્કી કર્યા મુજબ ટોળકીની બે-ત્રણ મહિલાઓ લોકોમાં ઘૂસી જતી હતી અને ધક્કામૂક્કી શરૃ કર્યા પછી એક મહિલા નજીકમાં રહેલી સ્ત્રીઓના ગળામાંથી ચેન કાપી લેતી હતી. આ ટોળકીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ કાર્યવાહી એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીની સુચનાથી પીએસઆઈ એસ.પી. ગોહિલના વડપણ હેઠળ સ્ટાફના  સંજયસિંહ વાળા,  હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, શરદ પરમાર, દિલીપ તલાવડીયા,  વનરાજ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, અશોકભાઈ સોલંકી,  ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા,   ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશ ચૌહાણ, હરદીપ ધાધલ,  કિશોર પરમાર, બળવંતસિંહ પરમાર, સુરેશ માલકીયા, દયારામ ત્રિવેદી, અજયસિંહ ઝાલા, બિજલભાઈ બાલસરા, ભારતીબેન ડાંગર તેમજ જામજોધપુરના ઈન્ચાર્જ પીઆઈ એન.જી. વસાવા, પ્રજ્ઞરાજસિંહ, માનસંગ ઝાપડીયા, અશોક ગાગીયા, દિલીપ જાડેજા, ઋષિરાજસિંહ વાળા  સાથે રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh