Advertisement
Author: નોબત સમાચાર

આજથી એશિયા કપનો પ્રારંભઃ બીજી સપ્ટેમ્બરના ભારત-પાકિસ્તાન વચ્ચે થશે રોમાંચક મુકાબલો

ટુર્નામેન્ટમાં ભારત-પાક વચ્ચે ત્રણેક મુકાબલા થઈ શકે

નવી દિલ્હી તા. ૩૦ઃ આજથી એશિયાકપનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારા સંભવિત મુકાબલાઓ પર સૌ કોઈની નજર મંડાયેલી છે.

ભારત અને પાકિસ્તાન બંને ગ્રુપ-એનો હિસ્સો છે અને તેમાં ત્રીજી ટીમ નેપાળની છે. જો બંને ટીમો નેપાળને હરાવશે તો ૧૦ મી સપ્ટેમ્બરે સમર્થકોને ભારત અને પાકિસ્તાનનો વધુ એક મુકાબલો જોવા મળશે. ત્યારબાદ ફાઈનલમાં ટકરાશે તેવી સંભાવના કારણે ર૦ દિવસના ગાળામાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચો રમાઈ શકે છે. ૧૯૮૪ માં ભારત અને પાકિસ્તાન પ્રથમ વખત એશિયા કપમાં એકબીજા સામે રમી હતી. અત્યાર સુધી બંને વચ્ચે કુલ ૧૩ મુકાબલા થયા છે જેમાં સાત ભારતે અને પાંચ પાકિસ્તાને જીત્યા છે. મેદાનમાં બોલર્સ અને બેટ્સમેનોના જંગની વચ્ચે સ્લેજિંગ અને માઈન્ડગેમ પણ જોવા મળે તેવી પૂરી સંભાવના છે.

એશિયા કપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન અલગ અલગ ગ્રુપમાં છે પરંતુ સુપર-૪માં બંને ટીમો વચ્ચે મુકાબલો થાય તેવી પૂરી સંભાવના છે. સમર્થકોને બોલ અને બેટ વચ્ચેની હરીફાઈ ઉપરાંત તૂતૂ-મેંમેં પણ જોવા મળી શકે છે. છેલ્લા એશિયા કપમાં બંને ટીમો આમનેસામને થઈ હતી ત્યારે પરિસ્થિતિ મારામારી સુધી પહોંચી ગઈ હતી. ગયા વર્ષે સુપર-૪ના મુકાબલામાં પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીએ અફઘાનિસ્તાનના પેસ બોલર ફરીદ એહમદને મારવા માટે બેટ પણ ઉઠાવી લીધું હતું પરંતુ રાશિદ અને તેના સાથીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. તાજેતરમાં શ્રીલંકામાં બંને ટીમો વચ્ચે રમાયેલી વન-ડે શ્રેણીમાં પણ ઘણી વખત ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી.

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે પણ કેટલાક રોમાંચક મુકાબલા રમાયા છે. ક્રિકેટ પાછળ રહી ગયું હતુ અને ખેલાડીઓની હરકત વધારે ચર્ચાસ્પદ બની હતી. ક્રિકેટપ્રેમીઓને મેદાનમાં પ્લેયર્સે કરેલો નાગિન ડાન્સ હજુ પણ યાદ છે. ગયા વર્ષે એશિયા કપના ગ્રુપના છેલ્લા મુકાબલામાં શ્રીલંકાએ બાંગલાદેશને બે વિકેટ હરાવીને સુપર-૪ મા સ્થાન મેળવ્યું હતું અને બાંગ્લાદેશ બહાર થઈ ગયું હતું. શ્રીલંકાના વિજય બાદ ચમિકા કરૃણારત્ને નાગિન ડાન્સ કરવા લાગ્યો હતો જે સોશિયલ મીડિયામાં પણ છવાયેલો રહ્યો હતો. ર૦૧૮ ની નિદહાસ ટ્રોફીમાં પણ નાગિન ડાન્સ ચર્ચામાં રહ્યો હતો. શ્રીલંકાનો બાંગ્લાદેશ સામે પરાજય થયો હતો અને તે ટુર્નામેન્ટની બહાર થતાં બાંગ્લાદેશી ખેલાડીઓને નાગિન ડાન્સ કરીને ઉજવણી કરી હતી.

યજમાન પાકિસ્તાન અને નેપાળ વચ્ચે બુધવારે ૩૦ મી ઓગષ્ટે રમાનારા મુકાબલા સાથે આજથી એશિયા કપનો પ્રારંભ થશે. આ વખતે એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાવાનો છે. એશિયા કપમાં બીજી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રોમાંચક બનશે તેમાં કોઈ શંકા નથી. એશિયા કપમાં કેટલાક રોમાંચક મુકાબલા જોવા મળ્યા છે અને કેટલીક ઘટનાઓએ સમર્થકોને ભરપૂર મનોરંજન પણ પુરૃં પાડ્યું છે. એશિયા કપના તમામ મુકાબલા બપોરે ૩ વાગ્યાથી શરૃ થશે.

એશિયા કપમાં ભારત સૌથી મજબૂત દાવેદાર ટીમ રહેશે પરંતુ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પણ પોતાની ક્ષમતા મુજબનો દેખાવ કરવાનો પ્રયાસ કરશે. છ વખત એશિયા કપ જીતી ચૂકેલું શ્રીલંકા સામે અનેક સમસ્યાઓ છે. ચામીરા, હસરંગા, લાહિરૃ કુમારા તથા દિલશાન, મધુશનાકા ઈજાગ્રસ્ત છે. તેના મુખ્ય બોલર્સની ગેરહાજરી શ્રીલંકા માટે ચિંતાજનક છે કારણ કે આ તમામ ક્રિકેટથી લાંબો સમય દૂર રહેશે. બાંગ્લાદેશની તૈયારીઓને પણ ઈજાના કારણે ફટકો પડ્યો છે. તમીમ ઈકબાલ અને ઈબાદત હૂસૈન ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે. અન્ય ટીમોની મુશ્કેલીઓને જોતાં પાકિસ્તાન વધારે બેલેન્સ ટીમ લાગે છે અને તે ટ્રોફી જીતવાના તમામ પ્રયાસ કરશે. વર્લ્ડ કપ પાંચ ટીમો પાસે ખેલાડીઓ અંગેના કેટલાક પ્રશ્નોના ઉકેલ શોધવાની છેલ્લી તક પણ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh