Advertisement
Author: નોબત સમાચાર

આખુ લદ્દાખ જાણે છે કે, ચીને આપણી જમીન હડપી છે, તે વિશે પીએમ ચૂપ કેમ? રાહુલ ગાંધી

લદ્દાખથી મૈસુર જતા દિલ્હી એરપોર્ટ પર કોંગી નેતાએ કર્યો પૂનરોચ્ચારઃ 'મોદી જૂઠ્ઠા છે'

નવી દિલ્હી તા. ૩૦ઃ ચીન અક્સાઈ ચીનમાં સુરંગ બનાવી રહ્યું છે અને સેટેલાઈટ ઈમેજમાં ૧૧ સ્ટ્રક્ચર્સ સામે આવ્યા છે, તે સંદર્ભે કોંગી નેતા રાહુલ ગાંધીએ કહ્યું, 'આખું લદ્દાખ જાણે છે કે જમીન પચાવી પાડી છે., તે મુદ્દે વડાપ્રધાન કેમ કંઈ બોલતા નથી?'

ચીન વિવાદાસ્પદ અક્સાઈ ચીન વિસ્તારમાં સુરંગ બનાવી રહ્યું છે. મેક્સરની સેટેલાઈટ તસ્વીરોમાં આ વાત સામે આવી છે. ડેપસાંગથી ૬૦ કિ.મી. દૂર નદીની ખીણની સાથે ટેકરી પર ટનલ હોવાનો દાવો કરવામાં આવે છે. આનો ઉપયોગ સૈનિકો અને શસ્ત્રોનો સંગ્રહ કરવા માટે થઈ શકે છે. ઈન્ટેલિજન્સ એક્સપર્ટે તસ્વીરોના આધારે જણાવ્યું છે કે, નદીની બન્ને બાજુએ આવા ૧૧ સ્ટ્રક્ચર્સ છે, જ્યાં બંકર બનાવવામાં આવી રહ્યા છે.

મીડિયાએ મેક્સરના ફોટોગ્રાફ્સને ટાંકીને કહ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનામાં આ સ્થાનો ર બાંધકામ ઝડપથી વધ્યું છે. ચીન તેના મોટા હથિયારો અને સૈનિકોને ભારતના હવાઈ હુમલાથી બચાવવા માંગે છે. આ કારણોસર તે ટનલ બનાવી રહ્યું છે.

ચીનના નક્શામાં ભારતનો હિસ્સો પોતાનો હોવાનો દાવો કરવા પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે સવારે કહ્યું, 'હું વર્ષોથી કહેતો આવ્યો છું કે વડાપ્રધાને કહ્યું છે કે એક ઈંચ પણ જમીન ગુમાવી નથી. એ ખોટું છે. હું લદ્દાખથી આવ્યો છું. પીએમ મોદીએ કહ્યું હતું કે, લદ્દાખમાં એક ઈંચ પણ જમીન ગુમાવી નથી. આ સંપૂર્ણ જ્ઠાણું છે.' આખું લદ્દાખ જાણે છે કે ચીને આપણી જમીન હડપ કરી છે. આ નક્શાનો મુદ્દો ખૂબ જ ગંભીર છે, પરંતુ તેણે જમીન લઈ લીધી છે. એના વિશે પણ વડાપ્રધાને કંઈક કહેવું જોઈએ, પરંતુ તેઓ ચૂપ છે.

ઉલ્લેખનિય છે કે, ૧૮ ઓગસ્ટની સેટેલાઈટ તસ્વીરો ખીણમાં ચાર નવા બંકરોનું નિર્માણ સૂચવે છે. ત્રણ ટનલ વિસ્તારો ઉપરાંત દરેક સાઈટ પર બેથી પાંચ પોર્ટલ અથવા ટનલ છે, જે ટેકરીમાં બનાવવામાં આવી રહી છે. ઘણી જગ્યાએ ભારે મશીનરી પણ જોવા મળી રહી છે. ખીણની વચ્ચેનો એક રસ્તો પણ પહોળો કરવામાં આવ્યો છે.

તસ્વીરોમાં એ પણ જોવા મળે છે કે સીધા હુમલાઓથી બચાવવા માટે બંકરોની આસપાસ માટી ઊભી કરવામાં આવી છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર કાંટા જેવું માળખું બનાવવામાં આવ્યું છે, જેનાથી બોમ્બ ધડાકાની અસર ઓછી થશે.

સેટેલાઈટ ઈમેજરી એકસપર્ટ ડેમિયન સિમોને કહ્યું સરહદની આટલી નજીક અંડરગ્રાઉન્ડ ફેસિલિટી બનાવીને ચીન અકસાઈ ચીનમાં ભારતીય વાયુસેનાની વર્તમાન હાજરી ઘટાડવા માગે છે.

ભારતીય ડ્રોન સ્ટાર્ટ-અપ ન્યૂસ્પેસ રિસર્ચ એન્ડ ટેકનોલોજીના સીઈઓ સમીર જોશીએ જણાવ્યું - ગલવાન સંઘર્ષથી ભારતીય સેનાએ તેના આક્રમક ફાયર વેકટર અને ખાસ કરીને લાંબા અંતરની ટયૂબ અને રોકેટ આર્ટિલરીમાં વધારો કર્યો છે. પહાડીઓમાં બાંધકામ વધારવાનો ચીનનો નિર્ણય ભારતની વધતી ક્ષમતા સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં ભારત તરફથી ખતરો ઘટાડવા માટે ડ્રેગન બંકરો, ટનલ અને રસ્તાઓને પહોળા કરવાનું કામ કરી રહ્યું છે.

ફોર્સ એનાલિસિસના મુખ્ય સૈન્ય વિશ્લેષક સેમ ટાકે કહ્યું - એ વાત સાચી છે કે ભારત તરફથી વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને ચીન લદાખમાં પોતાની સૈન્ય હાજરી વધારી રહ્યું છે. ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે સોશિયલ મીડિયા પર નકશો જાહેર કર્યો છે. આમાં ચીને ભારતનો કેટલોક ભાગ પોતાનો હિસ્સો બતાવ્યો હતો.

આ પહેલાં સોમવારે ચીને એક નકશો જાહેર કરીને અરૃણાચલ પ્રદેશ અને અકસાઈ ચીનને પોતાનો હિસ્સો જાહેર કર્યો હતો. આ સિવાય તેણે પોતાના વિસ્તારમાં તાઈવાન અને દક્ષિણ ચીનનો સમુદ્ર પણ બતાવ્યો. ચીનના સરકારી અખબારે ૩.૪૭ વાગ્યે (અગાઉનું ટ્વિટર) પર નવો નકશો પોસ્ટ કર્યો.

ચીનના નકશા પર ભારતના વિદેશમંત્રી જયશંકરે કહ્યું હતું કે એ ચીનની જૂની આદત છે. તેમનામ દાવાઓથી કંઈ થતું નથી. એનડીટીવીને આપેલા એક ઈન્ટરવ્યુમાં વિદેશમંત્રી જયશંકરે ભારતીય વિસ્તારોને પોતાનો હોવાના ચીનના દાવાને ફાવી દીધો હતો, અને કહ્યું હતું કે, ચીને જે વિસ્તારોને નકશા પર પોતાના તરીકે જાહેર કર્યા છે એ તેમના નથી આવું કરવું ચીનની જૂની આદત છે. અકસાઈ ચીન અને લદાખ ભારતના અભિન્ન અંગ છે. અગાઉ પણ ચીન ભારતના ભાગોના નકશા બનાવતું રહ્યું છે. એના દાવાઓથી કંઈ થતું નથી. અમારી સરકારનું વલણ સ્પષ્ટ છે. નકામા દાવા કરવાનો અર્થ એ નથી કે કોઈ બીજાના વિસ્તારો તમારા બની જશે.

આ પહેલાં એપ્રિલ ર૦ર૩ માં ચીને પોતાના નકશામાં અરૃણાચલ પ્રદેશના ૧૧ સ્થળના નામ બદલ્યા હતાં. ચીને છેલ્લા પ વર્ષમાં ત્રીજી વખત આવું કર્યું હતું. આ પહેલાં ચીને ર૦ર૧ માં ૧પ અને ર૦૧૭ માં ૬ સ્થળોના નામ બદલ્યા હતાં.

અરૃણાચલ અને અકસાઈ ચીન પર પણ વિવાદ છે બંને દેશ વચ્ચે ૩૪૮૮ કિલોમીટર લાંબી એલએસી (લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ)ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જો કે ચીન અરૃણાચલ પ્રદેશના ભાગને પણ વિવાદાસ્પદ માને છે. અરૃણાચલ પ્રદેશ ચીન સાથે ૧૧ર૬ કિલોમીટર લાંબી સરહદ અને ચીન સાથે પર૦ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. ચીન દાવો કરે છે કે  અરૃણાચલ પરંપરાગત રીતે દક્ષિણ તિબેટનો એક ભાગ છે, જ્યારે ભારત અકસાઈ ચીન વિસ્તારને પોતાનો દાવો કરે છે. ૧૯૬ર ના યુદ્ધમાં ચીને અકસાઈ ચીન વિસ્તાર પર કબ્જો કરી લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh