Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરત તથા ઘોઘાના શખ્સોએ છેલ્લા દોઢ વર્ષમાં સોળ વેપારી સાથે કરી છેતરપિંડીઃ
જામનગર તા. ૩૦ઃ કલ્યાણપુરના એક વેપારીને દસેક દિવસ પહેલા એક શખ્સે કોલ કરી પોતાની કંપનીની એજન્સી આપવાની છે તેમ કહી રૃા.૭૧ હજાર ઉપરાંતની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ સામાન નહીં મોકલાવ્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તેની તપાસ દ્વારકા સાયબર ક્રાઈમ સેલે શરૃ કર્યા પછી સુરત તથા ભાવનગરના ઘોઘામાંથી બે શખ્સને પકડી લેવાયા છે. આ શખ્સોએ દોઢ વર્ષમાં આવી રીતે સોળ વેપારીને ચૂનો ચોપડી દીધાનું કબૂલ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં રહેતા અને મુખ્ય બજારમાં દુકાન ચલાવતા સંદીપ ગુણવંતરાય અત્રી ગઈ તા.૧૭ના દિને સાંજે પોતાની દુકાને હતા ત્યારે તેમને મોબાઈલ પર એક શખ્સે કોલ કરી પોતાની ઓળખ સેલ્સ ઓફિસર અંકિત મોદી તરીકેની આપી પોતાની કંપનીની કલ્યાણપુરમાં એજન્સી આપવાની છે તેમ વાત કરી હતી. જેમાં આ શખ્સે તે વેપારીને પોતાની પ્રોડક્ટનું કોઈ માર્કેટીંગ કરવાનું નથી, કંપનીનો માણસ આવશે અને માર્કેટીંગ કરી રોકડ રકમ લઈ આવશે તથા ઓનલાઈન ટ્રાન્જેક્શન તમારા બેંક એકાઉન્ટમાં થશે તેમ કહ્યું હતું.
આ શખ્સની વાતમાં આવી ગયેલા સંદીપભાઈએ એજન્સી રાખવા માટે સહમતી આપ્યા પછી અંકિત મોદીએ બીજા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ મોકલાવી કેટલોગ મોકલાવી આપ્યું હતું જેમાં શ્રી માર્કેટીંગ નામની પેઢીનો જીએસટી નંબરવાળા બીલનો ફોટો હતો. તે બીલ મુજબ પેમેન્ટ કરવા સંંદીપભાઈને કહેવાતા તેઓએ ત્રણ ટ્રાન્જેક્શનમાં રૃા.૭૧,૧૬૧ ટ્રાન્સફર કર્યા હતા.
ત્યારપછી વધુ માલનો ઓર્ડર આપવાનું કહી વધારે રકમની માંગણી કરાતા વેપારીએ ખરાઈ કરી હતી જેમાં પોતાની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું જણાઈ આવતા કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી જેની તપાસ સાયબર ક્રાઈમ સેલને સોંપાઈ હતી.
આવી જ રીતે ઓખામાં પણ મેડિકલ સ્ટોરના સંચાલકો સાથે છેતરપિંડી કરાઈ હોવાનું પણ બહાર આવતા સાયબર સેલના પીઆઈ કે.વાય. બ્લોચે પોતાની ટીમને તપાસ માટે સુચના આપી હતી. જેમાં એક શખ્સ ભાવનગર જિલ્લાના ઘોઘામાં તેમજ બીજો શખ્સ સુરતમાં રહી આ રીતે છેતરપિંડી કરતો હોવાનું જણાઈ આવ્યું હતું. તે વિગતોના આધારે ધસી ગયેલી સાયબર ક્રાઈમ સેલની ટૂકડીએ ભાવનગરના ઘોઘામાંથી હિતેશ શાંતિલાલ ગોહિલ અને મૂળ ઘોઘાના અને હાલમાં સુરતમાં કાપોદરા વિસ્તારમાં રામકૃષ્ણ કોલોનીમાં રહેતા ઉમંગ કિશોરભાઈ ગોહિલ નામના બે શખ્સને પકડી પાડ્યા હતા. બંનેને ખંભાળિયા ખસેડ્યા પછી પૂછપરછ કરાતા આ શખ્સોએ આવી જ રીતે જુદા જુદા ૧૬ વેપારીઓને છેલ્લા દોઢ વર્ષમાં એજન્સી આપવાના નામે છેતરી લીધાનું કબૂલ્યું છે.
આ શખ્સોએ દોઢેક વર્ષ પહેલા મહુવાથી છેતરપિંડી શરૃ કર્યા પછી તળાજા, ઉના, બોટાદ, પાલીતાણા, વિજાપુર, વલ્લભીપુર, કોડીનાર, વિસાવદરમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરવા ઉપરાંત છ મહિના પહેલા ખંભાળિયામાં એક વેપારી સાથે રૃા.૫૩ હજારની ઠગાઈ કર્યાનું અને નવ મહિના પહેલા ધ્રોલના વેપારી પાસેથી રૃા.૩૭ હજાર મેળવી લેવા ઉપરાંત ચારેક મહિના પહેલા ઓખામાં એક વેપારી પાસેથી રૃા.૪૭,૬૭૫ ઠગાઈથી પડાવી લીધાનું કબૂલ્યું છે.
ઝડપાયેલા બંને આરોપી પૈકીનો હિતેશ (ઉ.વ.૨૮) છ વર્ષ પહેલા એક કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. નોકરી છોડ્યા પછી ક્રિકેટના સટ્ટાના રવાડે ચઢી તેણે મોટી રકમ ગૂમાવી હતી. તે પછી ગૂગલ સર્ચમાંથી મેડિકલ સંચાલકો, સેલ્સ એજન્સીઓ, નોવેલ્ટીની દુકાનોના માલિકોના નંબર મેળવી પોતે જે કંપનીમાં કામ કરતો હતો તે કંપનીના જ નામનો ઉપયોગ કરી તેની ડિલરશીપ આપવાની વાત કરી છેતરપિંડી કરતો હતો. આ શખ્સ જે તે વેપારી પાસેથી બીલની રકમ મેળવવા એક વેબસાઈટ પર બનાવેલી આઈડીમાં મહાદેવ બુકી નામના શખ્સે બનાવી આપવામાં આવેલા એકાઉન્ટમાં પેમેન્ટ કરાવતો હતો અને તે રકમમાંથી ક્રિકેટનો સટ્ટો ખેલતો અને કેટલીક રકમ વિથ-ડ્રો કરી લેતો હતો. તેનો સાગરિત ઉમંગ સુરતમાં રહી જે તે વેપારીને ફોન કરીને કહેતો હતો કે, તમારો નંબર અંકિત કરાવી આપ્યો છે, આજે ક્લોઝીંગ ડે છે, મારો ઓર્ડર લઈ લો, હું સાંજે પાછો આવી પેમેન્ટ કરી આપુ છું. તેમ કહી આયોજનબદ્ધ રીતે છેતર પિંડીમાં મદદગારી કરતો હતો.
આ શખ્સો સામે વર્ષ ૨૦૨૧માં સુરતના ચોકબજાર પોલીસ મથકમાં અને ચાલુ વર્ષમાં ઘોઘા પોલીસ મથક તથા ઓખા મરીન પોલીસ મથકમાં ગુન્હા નોંધાયેલા છે. આરોપીઓની પૂછપરછ શરૃ કરાઈ છે. આ કાર્યવાહીમાં સાયબર સેલના મનવીર ચાવડા, ધરણાંતભાઈ, મુકેશ કેસરીયા, હેમંત કરમુર, રાજુભાઈ, હેભાભાઈ, પબુભાઈ ગઢવી, મુકેશ નંદાણીયા, જનકભાઈ વગેરે સાથે રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial