Advertisement
Author: નોબત સમાચાર

ધ્રાંગડા પાટિયા પાસે ટ્રક પાછળ બાઈક ટકરાતા રણજીતપરના યુવાનનું મૃત્યુ

ધ્રોલ નજીક રાત્રિના સમયે ચાલ્યા જતાં યુવકને એસટી બસે મારી ટક્કરઃ બાઈક સાથે કારનો અકસ્માતઃ

જામનગર તા.૨૪ ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રાંગડા ગામના પાટિયા પાસે ગઈકાલે સાંજે એક હોટલ નજીક રોડ પર ટ્રક અચાનક ઉભો રહી જતાં પાછળ આવતું બાઈક ટકરાઈ પડ્યંુ હતું. ધ્રોલથી બિયારણ ખરીદીને રણજીતપર જતાં બાઈકચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યંુ છે. ધ્રોલ પાસે સોમવારે રાત્રે ચાલ્યા જતાં એક અજાણ્યા યુવકને એસટી બસે ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં આ યુવાન મોતને ભેટ્યા છે. ઉપરાંત પરીક્ષા આપવા જેતપુરથી બાઈકમાં આવતા બે યુવકને કાલાવડના રીનારી ગામ પાસે નડેલા અકસ્માતમાં ઈજા થઈ હતી.

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ધ્રોલ નજીકના ધ્રાંગડા પાટિયા પાસેથી ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે રણજીતપર ગામના કેશુભાઈ પરસોત્તમભાઈ પરમાર નામના સતવારા યુવાન જીજે-૧૦-એ ૪૩૪૨ નંબરના હીરો મોટરસાયકલ માં જતાં હતા ત્યારે ધ્રાંગડા પાટિયા નજીક એક હોટલ પાસે જીજે-૧૦-ટીએક્સ ૭૭૮૯ નંબરનો એક ટ્રક રોડ વચ્ચે ઉભો રહી જતાં કેશુભાઈ બાઈક સાથે તે ટ્રકના ઠાઠામાં ટકરાઈ પડ્યા હતા. કપાળ તથા પગમાં ગંભીર ઈજા પામેલા કેશુભાઈને સારવાર માટે ૧૦૮માં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનને ફરજ પરના તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મૃતકના ભાઈ જામનગરના લાલવાડી વિસ્તાર નજીક પટેલ સમાજ પાસે રહેતા જગદીશભાઈ પરસોત્તમભાઈ પરમારે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ રણજીતપરમાં રહેતા તેમના નાનાભાઈ ગઈકાલે બિયારણ તથા ખેતીવાડીનો અન્ય સામાન ખરીદવા ધ્રોલ આવ્યા હતા. સામાન ખરીદ્યા પછી કેશુભાઈ પોતાના ગામ પરત જવા માટે નીકળ્યા ત્યારે ધ્રાંગડા પાટિયા પાસેની હોટલે ઉપરોક્ત ટ્રક ઈન્ડીકેટર કે અન્ય કોઈ સિગ્નલ આપ્યા વગર જ અચાનક જ ઉભો રહી જતાં કેશુભાઈ પાછળ અથડાઈ પડ્યા હતા અને ગંભીર ઈજા થવાથી મોતને શરણ થયા હતા. પોલીસે તે ફરિયાદ પરથી ટ્રકચાલક સામે આઈપીસી ૩૦૪ (અ), ૨૭૯, ૨૮૩, એમ.વી. એક્ટની કલમ ૧૭૭ હેઠળ ગુન્હો નોંધાયો છે.

ધ્રોલથી રાજકોટ વચ્ચેના હાઈવે પર અને ધ્રોલથી ત્રણેક કિ.મી. દૂર આવેલા આહિર કન્યા છાત્રાલય પાસે સોમવારે રાત્રે દસેક વાગ્યે પાંત્રીસેક વર્ષના એક અજાણ્યા યુવાન રોડની સાઈડમાં ચાલ્યા જતાં હતા ત્યારે રાજકોટ તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૧૮-ઝેડ ૮૭૯૪ નંબરની એસટી બસના ચાલક ધ્રોલના વિજય ભીખુભાઈ ભરાડે આ યુવાનને હડફેટે લીધા હતા. ગંભીર ઈજા પામેલા અજાણ્યા યુવકને સારવાર માટે ધ્રોલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું ધ્રોલના જમાદાર ધર્મેન્દ્ર ટી. વઘોરાએ જાહેર કર્યું છે. તેઓની ફરિયાદ પરથી એસટી બસના ચાલક વિજય ભરાડ સામે આઈપીસી ૩૦૪ (અ), ૨૭૯, એમ.વી. એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુન્હો નોંધાયો છે.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ચાંપરાજ પુર ગામના રાજેશ બચુભાઈ જાદવ નામના પ્રૌઢના પુત્ર તથા તેમના મિત્ર ગઈ તા.૯ એપ્રિલના દિને જીજે-૩-એમક્યુ ૬૦૮ નંબરના બાઈકમાં જેતપુરથી કાલાવડ તથા જામનગર જવા માટે નીકળ્યા હતા.

આ યુવાનોને રીનારી ગામના પાટિયા પાસે જીજે-૧૦-સીએન ૯૮૨૯ નંબરની વેગનઆર મોટરે હડફેટે લીધા હતા. ઈજા પામેલા બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. રાજેશભાઈ જાદવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ યુવાનો કાલાવડ તથા જામનગરમાં યોજાયેલી જુનિયર કલાર્કની પરીક્ષા આપવા જતાં હતા ત્યારે માર્ગમાં અકસ્માત નડ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh