Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાનના હસ્તે તા. ર૮ મે ના નવા સાંસદ ભવનનું ઉદ્ઘાટનઃ ૬૦ હજાર શ્રમયોગીઓનું કરાશે સન્માન

વિપક્ષો દ્વારા બહિષ્કારના સંકેતો વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સઃ સિદ્ધિઓ પણ વર્ણવી

નવી દિલ્હી તા. ર૪ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ર૮ મે ના દિવસે નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરશે, તેમ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે. બીજી તરફ વિપક્ષો દ્વારા આ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર થાય, તેવા સંકેતો મળી રહ્યા છે.

કેન્દ્રમાં સત્તારૃઢ નરેન્દ્ર મોદી સરકાર ૯ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ ખાસ અવસર પર ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી અને જેમાં ૯ વર્ષમાં સરકારની ઉપલબ્ધિઓ જણાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, નવું સંસદભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીનો પુરાવો છે. તે રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી ર૮ મે ના નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ ૬૦ હજાર શ્રમ યોગીઓનું સન્માન પણ કરશે.

બીજી બાજુ વિપક્ષો તરફથી આ સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાના અહેવાલ આવી રહ્યા છે. જેમાં કોંગ્રેસ સહિત ટોચના વિપક્ષી દળો સામેલ છે. ગૃહમંત્રી અમિત શાહે આ દરમિયાન સેંગોલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, સેંગોલનું આપણા ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આપણા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૃએ પણ સેંગોલને સ્વીકાર્યું હતું. સેંગોલ અંગ્રેજોથી સત્તા મળવાનું પ્રતીક છે.

નવા સંસદભવનના ઉદ્ઘાટન માટેનું આમંત્રણ દેશના તમામ સાંસદો અને અગ્રણી નેતાઓને મોકલવામાં આવ્યું છે. તેમાં લોકસભા અને રાજ્યસભાના તમામ પૂર્વ સ્પીકર અને અધ્યક્ષો, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બન્ને ગૃહોના સાંસદોનો સમાવેશ થાય છે. આમંત્રણ પત્ર ભૌતિક અને ડિજિટલ બન્ને સ્વરૃપમાં મોકલવામાં આવ્યો છે. આ સિવાય ભારત સરકારના તમામ મંત્રાલયોના સચિવોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ કાર્યક્રમનો બહિષ્કાર કરી શકે છે તેવા અહેવાલોએ ચર્ચા જગાવી છે.

નવા સંસદભવનના ચીફ આર્કિટેક્ટ બિમલ પટેલ અને જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને પણ ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઐતિહાસિક અવસર માટે ફિલ્મ સ્ટાર્સ અને સ્પોર્ટસ પર્સન સહિત કેટલીક અગ્રણી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બન્ને ઉદ્ઘાટનના દિવસે અભિનંદન સંદેશ આપશે. વિપક્ષે તાજેતરમાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની મંજુરી ન આપીને ટોચના બંધારણીય પદોનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો.

તાજા અહેવાલો મુજબ તૃણમુલ કોંગ્રેસ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, આમ આદમી પાર્ટી અને સીપીએમએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી ન આપવાની જાહેરાત કરી છે. રાજ્યસભામાં ટીએમસીના નેતા ડેરેક ઓબ્રાયન, સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી. રાજા અને આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહે કહ્યું કે, તેઓ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમાન વિચારો ધરાવતા વિપક્ષી દળો સંયુક્ત રીતે ટૂંક સમયમાં ઉદ્ઘાટન સમારોહના બહિષ્કારની જાહેરાત કરી શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh