Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડબલ્યુ.એચ.ઓ.એ કોરોના પ્રતિબંધો હટાવ્યા, પણ દ્વારકાધીશ મંદિરમાં ચાલુ...!!
દ્વારકા તા. રરઃ દ્વારકાધીશ મંદિરમાં કોરોનાકાળ દરમ્યાન ઠાકોરજીના નિત્યક્રમના દર્શન સિવાય સોશ્યલ ડીસ્ટન્સ અને કોરોનાને કન્ટ્રોલમાં રાખવા માટે નિયમો લાગુ કરાયા હતા. તે પૈકી સવારના સાડા છ વાગ્યાની મંગળા આરતીના દર્શન પછી આઠ વાગ્યે ઠાકોરજીનો ગ્વાલ ભોગનો પડદો આવે છે અને સવારે ૯ વાગ્યાથી દ્વારકાધીશજીના દર્શન ભાવિકોને થાય છે. પરન્તુ હજારો વર્ષોની પરંપરા અનુસાર મંદિરના દ્વાર સવારે ૬ઃ૩૦ કલાકે ખૂલ્યા બાદ બપોરે ૧ વાગ્યે રાજભોગના દર્શન બાદ મંદિર બંધ કરાય છે. પરન્તુ વહીવટકર્તાઓએ સવારે ૮ થી ૯ વાગ્યા વચ્ચે મંદિરનો પ્રવેશ કોરોના કાળમાં બંધ કર્યા પછી હજુ આ નિયમ યથાવત રાખતા યાત્રીકો ભારે હતાશા અનુભવી રહયા છે.
ઉપરોકત પ્રશ્ને દ્વારકા શારદાપીઠ અને પૂજારી પરિવાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ આ નિયમ દૂર કરવા અને સવારના ૮ થી ૯ વાગ્યા વચ્ચે પણ મંદિર ખૂલ્લું રાખવા માંગ ઉઠી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે દ્વારકાધીશ મંદિર પરિસરમાં ભગવાન દ્વારકાધીશજીના મંદિર સિવાય અન્ય દેવી દેવતાઓના પૌરાણિક સોળ જેટલા મંદિરોમાંના મોટા ભાગના મંદિરોમાં દર્શન ખૂલ્લાં હોય છે તો આ નિયમ દૂર કરવામાં આવે તો દેશ વિદેશથી આવતાં પ્રવાસી યાત્રીકો આ મંદિરોમાં દર્શન કરી શકે. દાખલારૂપ કહી શકાય કે મંદિર પરિસરમાં ભગવાન દ્વારકાધીશના આરાધ્ય દેવ એવા કુશેશ્વર મહાદેવ મંદિર, કાશિવિશ્વનાથ મંદિર, ગાયત્રી માતાજી મંદિર, અંબાજી મંદિર, પુરૂષોત્તમરાયજી મંદિર, દત્તાત્રેય ભગવાનનું મંદિર જેવા મંદિરો સવારના આઠથી નવ વાગ્યા વચ્ચે પણ દર્શન માટે ખૂલ્લાં જ હોય છે. આઠ થી નવ વાગ્યા દરમ્યાન વહીવટીતંત્ર દ્વારા કોરોનાકાળથી શરૂ કરાયેલ નિયમને લીધે સદીઓ જૂની પરમ્પરાનું ઉલ્લંઘન થઈ રહયુ છે જેના કારણે ભાવિકો દેવદર્શનથી વંચિત રહી જાય છે.
આજ કારણે મંદિર પરિસરની બહારના ચોકમાં હાલમાં કારમા ઉનાળાની કાળજાળ ગરમીમાં ભાવિકોને નિયમોનો હવાલો આપી બિનજરૂરી રોકી રખાતા દર્શનાર્થીઓને ગરમીમાં ડીહાઇડ્રેશન સહિત અનેક તકલીફો વેંઠવી પડે છે. ત્યારે ભાવિકોની સગવડતા અને સલામતી માટે વહીવટી તંત્રએ કોરોના કાળમાં બનાવેલા નિયમો કોરોના હળવો થયા બાદ દુનિયાભરમાંથી નિયમો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ હટાવાયા હોવા છતાં દ્વારકાધીશ મંદિરના વહીવટી નિયમોમાં જરૂરી ફેરફાર ન થતાં સરવાળે યાત્રીકોને ભોગવવું પડી રહ્યું છે.
આ અંગે પ્રચંડ આક્રોશ સાથે એવા પ્રતિભાવો સાંપડે છે કે, જો સવારે ૮ થી ૯ દરમ્યાન વર્ષોની પરમ્પરા અનુસાર યાત્રીકોને પ્રવેશ આપવામાં આવે તો યાત્રીકો દ્વારકાધીશ મંદિરમાંથી રોકડ ભેટ લખાવીને દ્વારકાધીશજીનો પ્રસાદ મેળવી શકે અને ખાસ કરીને પ્રસાદ કેટલા રૂપિયાનો મેળવવો તેનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લઈ શકે. ઉપરાંત પ્રવાસી યાત્રીકો દેશ વિદેશથી આવતાં હોય તેમને દ્વારકાધીશજીની વર્તમાન શિખર મંદિર જેમાં શિલ્પકલા તથા સ્થાપત્યની અદ્ભુત કૃતિઓ વર્ણવેલી હોય જેને પણ બારિકાયથી નિહાળી શકે અને હજારો વર્ષ પૂરાણા મંદિરની પૌરાણિકતા અને ઈતિહાસથી વાકેફ થવા માટે મંદિર પરિસરમાં ગાઈડ તરીકે કામ કરતા ગુગળી જ્ઞાતિના પંડાઓ પાસેથી તેનો પરિચય સુવ્યવસ્થિત રીતે મેળવી શકે.
વર્ષોની ૫રંપરા પુનઃસ્થાપિત કરાયઃ ગુગળી જ્ઞાતિના મંત્રી
દ્વારકાની જગતમંદિરમાં ઠાકોરજીની સેવાપૂજા સાથે સંકળાયેલ ગુગળી જ્ઞાતિ ૫૦૫ ના મંત્રી કપિલભાઇ વાયડાએ પણ જણાવ્યું છે કે દ્વારકાધીશ મંદિર પરિસરને કોરોનાના નિયમોને લઈને જે રીતે વર્તમાનમાં સવારના ૮ થી ૯ વાગ્યા વચ્ચે યાત્રીકોનો પ્રવેશ નિષેધ કોરોના બાદ પણ યથાવત રખાયો છે તે પ્રકારના નિયમો દુનિયાભરમાંથી દૂર થયા હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા હાલમાં આ નિયમનો અમલ ચાલુ રાખતા યાત્રીકોને મંદિરમાં આ સમયમાં પ્રવેશ મળતો ન હોય જેથી મંદિરની પૌરાણિક પ્રાચીનતા અને ગરીમા સમાન દ્વારકાધીશ મંદિરનો પરિચય મેળવવાનો યાત્રીકો પાસે પૂરતો સમય રહેતો નથી. મંદિર પરિસરમાં ૮ થી ૯ વાગ્યા વચ્ચે યાત્રીકોને પ્રવેશ આપવો જોઈએ તેવી અમારી પણ નમ્રતાપૂર્વકની માંગ છે. જો મંદિરમાં યાત્રીકોને પ્રવેશ મળશે તો યાત્રીકોને સુવિધાની સાથે સાથે દ્વારકા ગુગળી જ્ઞાતિના પંડાઓ જેઓ મંદિર પરિસરમાં ગાઇડ તરીકે કામ કરે છે તેમને પણ આર્થિક રીતે મદદગારી થશે.
- કપિલભાઇ વાયડા
જગતમંદિરમાં સાનુકૂળતાથી દર્શન યાત્રીકોની પ્રાથમિકતા ઃ હોટલ એસો.
દ્વારકા હોટલ એસોસિએશનના પ્રમુખ નિર્મલભાઈ સામાણીએ પણ આ પ્રશ્ને જણાવતાં કહ્યું છે કે દ્વારકામાં આવેલી ર૦૦ જેટલી હોટલ, ધર્મશાળા, ભવન, અતિથિ ગૃહોમાં આવતાં પ્રવાસીઓ માત્ર દ્વારકાધીશ મંદિરમાં દર્શનાર્થે જ આવતાં હોય છે. જેઓને સવારના મોટા ભાગે દ્વારકાધીશના દર્શન અને મંદિરની શિલ્પકળાકૃતિઓ નિહાળવા અને મંદિરનો પ્રસાદ મેળવી વતન સુધી લઈ જવાનો આગ્રહ રહેતો હોય છે. આવા યાત્રીકોને સવારે ૮ થી ૯ વચ્ચે મંદિરો ખૂલ્લું રહે તો અન્ય મંદિરોના દર્શનો વ્યવસ્થિત રીતે કરી શકે અને મંદિરની વર્ષો જૂની પરમ્પરા પુનઃસ્થાપિત થાય તે ખૂબ જ જરૃરી છે.
- નિર્મલભાઈ સામાણી
પૂજારી પરિવારના અધ્યક્ષ દ્વારા વહીવટદારને પૂનઃ રજૂઆત કરાઈઃ હકારાત્મક અભિગમ
દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવારના અધ્યક્ષ મુરલીભાઈ ઠાકર એ પણ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના તેઓ સભ્ય પણ હોય જેથી તેમણે દ્વારકાધીશ મંદિરમાં કોરોનાકાળમાં દાખલ કરવામાં આવેલા નિર્ણયો દૂર કરવામાં આવે અને સવારે ૮ થી ૯ વચ્ચે મંદિરમાં યાત્રીકોને સામાન્યતઃપ્રવેશ આપવા રજૂઆત કરી છે. ઉપરોકત પ્રશ્ને મુરલીભાઈએ દેવસ્થાન સમિતિના વહીવટદાર તલસાણીયા પાસે પુનઃ રજૂઆત કરી વર્ષોની પરમ્પરા મુજબ મંદિરમાં પ્રવેશ માટે જણાવતાં તલસાણીયાએ આ પ્રશ્ન હાલમાં વિચારાધીન હોવાનો હકારાત્મક અભિગમ દાખવ્યો છે.
- મુરલીભાઈ ઠાકર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial