Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં અભેદ્ય સુરક્ષા વચ્ચે જી-૨૦ની આજથી બેઠકઃ જવાનો તૈનાત

એન્ટી ડ્રોન ટેકનોલોજી સહિત ત્રિસ્તરીય બંદોબસ્તઃ મોકડ્રીલ યોજાઈ

શ્રીનગર તા. રરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં જી-ર૦ ની બેઠકને લઈને ખીણમાં ત્રિસ્તરીય સુરક્ષા તથા એન્ટી ડ્રોન સુરક્ષા ગોઠવાઈ છે.

જમ્મુ અને કાશ્મીરમાં આજથી જી-ર૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક યોજાવા જઈ રહી છે. ત્યાં વિદેશી મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જી-ર૦ ના પ્રતિનિધિઓ આજે સોમવારથી બુધવાર સુધી ખીણમાં રહેશે. કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય ઘટના છે.

જી-ર૦ દેશોના ૬૦ પ્રતિનિધિઓ સહિત ૧૮૦ થી વધુ પ્રતિનિધિઓ અહીં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રીનગરમાં દાલ સરોવરના કિનારે સ્થિત શેરે કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર પર જી-ર૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના એડીજી વિજય કુમારે જણાવ્યું કે, ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં શુક્રવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોએ પણ મોકડ્રીલ કરી હતી. અહીં એન્ટી ડ્રોન ટેકનોલોજી પણ તૈનાત કરવામાં આવી છે. તેની મદદ માટે એનએસજી અને સેનાના જવાનોને તૈનાત કરવામાં આવશે. એડીજીએ કહ્યું કે માર્કોસ ટીમને પણ તૈનાત કરવામાં આવશે.આ ઉપરાંત પોલીસ, બીએસએફ, સીઆરપીએફ અને એસએસબીના જવાનો પણ તૈનાત રહેશે.

આજે પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર સાથે પ્રવાસન કાર્યકારી જુથની બેઠક પછી બીજા સત્રમા જી-ર૦ પ્રવાસન પ્રધાનોનો મેનિફેસ્ટો રજૂ કરવામાં આવશે. અને પી પ્રતિનિધિઓ પાસેથી પ્રતિસાદ લેવામાં આવશે. આ સિવાય બીજા ઘણાં પ્રોગ્રામ શેડ્યુલ છે. બેઠકના બીજા દવસે સાઈડ ઈવેન્ટ તરીકે ભારતીય પ્રવાસન ઉદ્યોગની સ્થિતિ અંગે પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થશે. વિદેશી મહેમાનોને ફિલ્મ ટુરિઝમ દ્વારા ભારત બતાવવામાં આવશે.

બીજા દિવસે પણ અન્ય ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ ર૪ મી મે ના અંતિમ દિવસે અમે સ્થાનિક કક્ષાના પર્યટનની સમીક્ષા કરીશું. દરમિયાન રર મે એટલે કે આજે રાત્રે ગાલા ડિનર છે અને અંતિમ દિવસે ફેરવેલ ડિનરની વ્યવસ્થા કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી આ બેઠકથી ચીન સહિત ઘણાં દેશો દૂર રહ્યા છે. જમ્મુ-કાશ્મીરને વિવાદિત વિસ્તાર ગણાવતા ચીને બેઠકથી દૂર રહેવાની જાહેરાત કરી હતી.

કેન્દ્ર શાસિત પ્રદેશમાં બેઠકનો વિરોધ કરી રહેલા દેશોમાં તુર્કી પણ સામેલ છે. પાકિસ્તાનના અનુરોધ પર ચીન આ બેઠકનો વિરોધ કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે. તુર્કી અગાઉ પણ જમ્મુ-કાશ્મીર પર નિવેદનબાજી કરતું રહ્યું છે.

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh