Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાતનું ૧૧ જાન્યુઆરીના ઉદ્ઘાટનઃ બિઝનેસ મિટિંગ્સઃ અમદાવાદ-સોમનાથના કાર્યક્રમોની ચર્ચા

વડાપ્રધાનનો ગુજરાતનો સંભવિત કાર્યક્રમઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. પઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના સંભવિત કાર્યક્રમ મુજબ ૧ર મીએ તેઓ અમદાવાદમાં ફ્લાવર-શો અને પતંગ મહોત્સવ પછી ગાંધી આશ્રમ જશે. રિવરફ્રન્ટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું પીએમ મોદી ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજન ઈન્વેસ્ટર્સ કોન્ફરન્સને ખૂલ્લી મૂક્યા પછી અનેક બિઝનેસ મિટિંગ્સ યોજી વડાપ્રધાન અમદાવાદ આવી પહોંચશે. બીજી તરફ આ મુલાકાત દરમિયાન જ સોમનાથના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે કે વર્ચ્યુલ હાજરી આપે, તેવી પણ સંભાવના દર્શાવાઈ રહી છે.

વડાપ્રધાન મોદી આગામી સપ્તાહે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના આ પ્રવાસને પગલે રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજન ઈન્વેસ્ટર્સ કોન્ફરન્સના કાર્યક્રમમાં ફેરફાર થયો છે અને હવે ૧૧ મીએ તેને ખુદ વડાપ્રધાન મોદી ખુલ્લી મૂકનાર છે.

આ કોન્ફરન્સને ખુલ્લી મૂક્યા પછી અનેક બિઝનેસ મિટિંગ્સ યોજી વડાપ્રધાન અમદાવાદ પહોંચશે. અહીં મહાત્મા મંદિરમાં યોજાનારી ઈન્ડો-ઈયુ સમિટનું ઉદ્ઘાટન કરશે. આની સાથોસાથ તેઓ વડાપ્રધાન તરીકે પહેલી વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરે તેવી પણ શક્યતાઓ છે.

રિવરફ્રન્ટના પશ્ચિમી છેડે વલ્લભસદન પાસેના ભાગમાં હાલમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે અને સમગ્ર રોડને રિસર્ફેસ કરવાની કામગીરી પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાઈ છે.

આ ઉપરાંત આ જ ભાગમાં પાલડી નજીક ઈવેન્ટ સેન્ટર પાસે શરૂ થયેલા ફ્લાવર શોની પણ મુલાકાત વડાપ્રધાન લઈ શકે એમ હોવાથી એ દિશામાં સુરક્ષા સહિતની એજન્સીએ તૈયારીઓ શરૂ કરી છે. આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ ગાંધીનગરમાં યોજવાના બદલે ચાર રિજનમાં તેના આયોજનની રૂપરેખા નક્કી કરાઈ હતી. ઓક્ટોબર માસમાં મહેસાણામાં ઉત્તર ગુજરા કેન્દ્રિત કોન્ફરન્સ યોજાઈ અને હવે કચ્છ-સૌરાષ્ટ્ર કેન્દ્રિત રિજન કોન્ફરન્સ ૧૧ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન રાજકોટમાં યોજાઈ રહી છે. આ કોન્ફરન્સને વડાપ્રધાન મોદી ખુલ્લી મૂકશે.

આ દરમિયાન ઈન્ડો-ઈયુ (ભારત-યુરોપિયન યુનિયન) સમિટ મહાત્મા મંદિરમાં યોજાય તેવી શક્યતા છે અને આ સમિટમાં હાજરી આપવા માટે જર્મનીના ચાન્સેલર ફેડ્રીય મર્ઝ ગુજરાત આવનાર છે. આથી વડાપ્રધાન મોદી તેમના સ્વાગત માટે સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખુદ હાજર રહે તેવી શક્યતા છે.

હાલ વડાપ્રધાનના કાર્યાલય, વિદેશ મંત્રાલય અને મુખ્યમંત્રી કાર્યાલય એમ ત્રણેય વચ્ચે સંકલન સાથે જેમ જેમ આયોજનોને આખરી ઓપ અપાતો જાય તેમ તેમ તૈયારીઓની સૂચનાઓ આપવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, વડાપ્રધાનના અમદાવાદમાં રિવરફ્રન્ટ તેમજ સાબરમતી આશ્રમની મુલાકાત અંગે સુરક્ષાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. જર્મન ચાન્સેલર સાથે વડાપ્રધાન રિવરફ્રન્ટ આવી પહોંચે તેવી શક્યતા છે અને ત્યાંથી ફ્લાવર શોની મુલાકાત લઈ બન્ને મહાનુભાવો એસપી સ્ટેડિયમથી મેટ્રો ટ્રેનમાં બેસી મહાત્મા મંદિર પહોંચશે. હાલ મેટ્રો ટ્રેન સચિવાલય સુધીના સ્ટેશને જાય છે અને ત્યાંથી મહાત્મા મંદિર સુધીના બાકીના સ્ટેશનો તૈયાર થઈ ગયા છે, જેને વિધિવત્ રીતે વડાપ્રધાન મારફતે ખુલ્લા મૂકાય તે દિશામાં તૈયારીઓ શરૂ થઈ છે.

જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી ૧ર મીએ પોતાની મુલાકાત સંપન્ન કરીને નવી દિલ્હી જવા રવાના થશે. એના બીજા દિવસે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ બે દિવસના પ્રવાસે આવી પહોંચશે. ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ ઉત્તરાયણ પર્વને પોતાના પરિવારજનો, શુભેચ્છકો, મતદારો, કાર્યકરો સાથે ઉજવતા આવ્યા છે. આથી ૧૩ મીએ તેઓ મોડી સાંજે અમદાવાદ આવી પહોંચશે. ૧૪ મીએ અમિતભાઈ પોતાના મતવિસ્તારના ચારથી પાંચ સ્થાનો પર પતંગની મજા માણવા પહોંચશે.

બીજી તરફ સોમનાથ મંદિરે હુમલાને ૧૦૦૦ વર્ષ પૂરા થવાના પ્રસંગ સંદર્ભે બ્લોગ લખ્યો છે અને સરદાર પટેલને યાદ કરી નહેરૂ સામે પ્રહાર કર્યા છે, તે જોતા તેઓ સોમનાથના કાર્યક્રમોમાં પણ જોડાય કે વર્ચ્યુલ હાજરી આપી તેવી સંભાવના જણાવાઈ રહી છે.

ઉલ્લેખનિય છે કે, હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર પર ઈ.સ. ૧૦ર૬ માં મહેમુદ ગઝનવીએ કરેલા આક્રમણને ૧૦૦૦ વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક મંદિરની એક હજાર વર્ષની સફર અને તેના પુનઃર્નિમાણ અંગે પીએમ મોદીએ એક વિશેષ બ્લોગ લખ્યો છે. આ લેખમાં તેમણે મંદિરના પુનઃનિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે. તો બીજી તરફ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પર નિશાન પણ સાધ્યું છે.

પીએમ મોદીએ તેમના બ્લોગમાં કહ્યું કે, 'ભારતની આઝાદી પછી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું પવિત્ર કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ શરૂ થયું. ૧૯૪૭ માં દિવાળી દરમિયાન સોમનાથની મુલાકાતે ગયેલા સરદાર પટેલ ત્યાંની સ્થિતિ જોઈ વ્યથિત થયા હતાં અને તે જ ક્ષણે તેમણે મંદિરના પુનઃનિર્માણનો મક્કમ નિર્ણય કર્યો હતો. તેમના આ સંકલ્પના પરિણામે ૧૧ મે, ૧૯પ૧ ના તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતાં.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh