Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજસ્થાન હાઈકોર્ટે આપેલા ચૂકાદાને બહાલી
નવી દિલ્હી તા. ૫૮: મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ એસસી/એસટી/ઓબીસીનો હક હોવાનો દુરગામી ચૂકાદો સુપ્રિમકોર્ટે આપ્યો છે.
સુપ્રિમકોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના એક મહત્ત્વપૂર્ણ ચૂકાદાને માન્ય રાખતા સ્પષ્ટ કર્યું છે કે, અનામત વર્ગના જે ઉમેદવારો જનરલ (ઓપન) કેટેગરીના કટ-ઓફ કરતા વધુ માર્કસ મેળવે છે, તેમને શોર્ટલિસ્ટિંગના તબક્કે જ જનરલ કેટેગરીમાં ગણવા જોઈએ.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે રાજસ્થાન હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. આ વિવાદ ૨૦૨૨મા રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આયોજિત જુનિયર જ્યુડિશિયલ આસિસ્ટન્ટ અને કલાર્ક ગ્રેડ-૨ ની ૨૭૫૬ જગ્યાઓની ભરતી પ્રક્રિયાથી શરૂ થયો હતો. લેખિત પરીક્ષા બાદ એવું જોવા મળ્યું હતું કે એસસી, ઓબીસી, એમબીસી અને ઈડબલ્યુએસ જેવી ઘણી અનામત કેટેગરીનું કટ-ઓફ જનરલ કેટેગરી કરતા પણ ઊંચુ ગયું હતું જેના કારણે વધુ માર્કસ લાવનારા અનામત વર્ગના ઉમેદવારોને ટાઈપીંગ ટેસ્ટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા નહોતા. અદાલતે આ મામલે ભારપૂર્વક જણાવ્યું છે કે 'ઓપન કેટેગરી' એ કોઈ ખાસ વર્ગ માટે અનામત રાખવામાં આવેલો ક્વોટા નથી. પરંતુ તે સંપૂર્ણપણે યોગ્યતા (મેરિટ) પર આધારિત છે.
જો કોઈ અનામત વર્ગનો ઉમેદવાર કોઈપણ વધારાની છૂટછાટ લીધા વગર જનરલ કેટેગરીના ઉમેદવાર કરતા પણ વધુ માર્કસ મેળવે છે, તો તે ઓપન પોસ્ટ માટે સ્પર્ધા કરવા પાત્ર બને છે. સુપ્રિમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના એ ચૂકાદા સાથે સહમતી દર્શાવી કે ભરતી કરનાર સંસ્થાએ પહેલા મેરિટના આધારે જનરલ લિસ્ટ તૈયાર કરવું જોઈએ અને ત્યાર બાદ જ અનામત વર્ગની યાદી બનાવવી જોઈએ.
અદાલતે કહ્યું કે માત્ર ફોર્મમાં પોતાની કેટેગરી દર્શાવવાથી ઉમેદવાર ઓપન કેટેગરીમાં નોકરી મેળવવાનો હક ગુમાવતો નથી. જસ્ટિસ દીપાંકર દત્તાએ ચૂકાદામાં કહ્યું કે 'ડ્રોક્ટિન ઓફ એસ્ટોપેલ' (એટલે કે પ્રક્રિયા સ્વીકાર્યા પછી તેને પડકારી ન શકાય તેવો સિદ્ધાંત) અહીં લાગુ પડતો નથી, કારણ કે ભરતી પ્રક્રિયામાં જ ગેરકાયદેસરતા હતી. ઉમેદવારો એવી અપેક્ષા ન રાખી શકે કે જનરલ કેટેગરી કરતા વધુ માર્કસ લાવવા છતાં તેમને અન્યાય થશે.
કોર્ટે 'ઈન્દ્ર સાહની' અને 'આર.કે.સભરવાલ'ના કેસના જૂના કાયદાઓને ટાંકીને કહ્યું કે જે ઉમેદવાર મેરિટમાં આગળ છે, તેને તેની જ્ઞાતિ કે સમુદાયના આધારે સમાનતાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 'ઓપન' એટલે 'ઓપન', જેમાં કોઈપણ જાતિ, જ્ઞાતિ કે લિંગના ભેદભાવ વગર દરેક યોગ્ય ઉમેદવારને સ્થાન મળવું જોઈએ. જો કોઈ ઉમેદવાર ટાઈપીંગ ટેસ્ટ જેવા બીજા તબક્કે પણ શ્રેષ્ઠતા જાળવી રાખે, તો તેની અનામત કેટેગરીને બદલે ઓપન કેટેગરીમાં જ નિમણૂક મળવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial