Advertisement
Author: નોબત સમાચાર

ધાર્મિક માન્યતા અને પરંપરા વિજ્ઞાન સાથે જોડાયેલ છે

ભારતના દરેક રાજ્યમાં પરંપરા અને પ્રણાલીઓમાં વિવિધતા જોવા મળે છે. આ પરંપરા અને પ્રણાલીઓ ઋષિમુનિઓના ઉત્કૃષ્ટ વિચારો છે, આ ઉત્કૃષ્ટ વિચારોનો આધાર વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે જોડાયેલો છે. પણ આપણા આધુનિક થવાના આંધળા અનુકુરણને કારણે આ પરંપરાઓને અંધશ્રદ્ધા અને વહેમનું લેબલ લાગી ગયું આપણે જ આપણી પરંપરાનો મજાક ઉડાવતા થઈ ગયા જ્યારે વિજ્ઞાને જગત સમક્ષ આ જ પરંપરાને સત્ય સાબિત કરી ત્યારે ફરી અપનાવવાની દોડાદોડ કરીએ છીએ, હવે આ બધી પરંપરાઓનું વ્યાપારીકરણ કરી આપણી સમક્ષ મૂકાય છે. જે સૂર્યનમસ્કાર અને યોગ-વ્યાયામ આપણા ઋષિમુનિઓએ મફતમાં આપ્યું હતું. તેના હવે નાણા ચુકવવા પડે છે.

આ જુની પરંપરા પાછળ વૈજ્ઞાનિક કારણો છે જ.. પણ માનવજાત અવળચંડાઈ કરે જ છે, સીધી રીતે સલાહ આપીએ તો તે કામ ન કરે એટલે બધી જ પરંપરાને ધર્મ સાથે જોડી દીધી. ધર્મના ડરને કારણ પણ આપણે એ પરંપરા પાળીએ એ જ હેતું હતો. ધર્મ માન્યતાને આધારે છે અને વિજ્ઞાન પુરાવાના આધારે છે, બન્ને એક જ રથના પૈડાં છે. પણ ધર્મના પૈડાંની ઉપેક્ષા થવા લાગી અને પરિણામે સ્વાસ્થ્ય પર અસર થઈ. આપણે નીતિ-નિયમોને નેવે મૂકીને મુકત જીવન જીવવાનું શરૂ કર્યું અને એટલે જ આપણા જીવન પર ખરાબ અસરો થઈ. ધર્મ અને વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અલગ અલગ છે, પણ બન્નેનો હેતુ માનવજાતની સુખાકારી જ છે. આપણે માનીએ કે ન માનીએ આપણી દરેક રીત અને પરંપરા વિજ્ઞાન સાથે જોડાયેલી છે.

આજે ફરીથી લોકો સૂર્યોદય પહેલા ઉઠવાના અને સૂર્ય નમસ્કારના ફાયદા સમજતા થયા છે. આપણામાં પરંપરા છે કે સવારે સૂર્યને જળ અર્પણ કરવું એ ફકત ધાર્મિક ક્રિયા નથી સૂર્યોદય સમયે સૂર્યમાંથી નીકળતા કિરણો જળની ધારામાંથી પસાર થઈને આંખોમાં આવે છે જે આંખને ઠંડક આપે છે અને આંખને તેજ મળે છે. સાથે સાથે એકાગ્રતાથી બોલાતા મંત્ર સ્ફુર્તિ આપે છે. મન-મગજ તરોતાજા થાય છે. જળ અર્પણ કર્યા પછી બે હાથ જોડવાની ક્રિયાથી બન્ને હાથની આંગળીઓ આપસમાં જોડાય છે તે એક એક્યુપ્રેશર જેવું કામ કરે છે. જેની સીધી અસર આંખ, કાન અને મગજ પર થાય છે.

વડીલો સવાર-સાંજ મંદિર જવાનો નિયમ રાખે છે. મંદિર જવું એ ધાર્મિક કાર્ય કે પુણ્ય પ્રાપ્ત કરવું એટલું જ નથી, મંદિર જવાથી સકારાત્મક ઉર્જા મળે છે. મંદિરનું વાતાવરણ શાંત અને દિવ્ય હોય છે, મંદિર ઉપરના ગુંબજોની સ્થાપનામાં પણ વૈજ્ઞાનિક કારણ છે જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય છે. વાસ્તુશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે. દેવી-દેવતાઓની સ્થાપના મંદિરમાં બરાબર ગુંબ જ નીચે કરાય છે. મંદિરોમાં થતાં ઘંટનાદ, શંખનાદ અને મંત્રોચ્ચારથી જે સ્વર ગુંજે છે તે આ ગુંબજોને કારણે મંદિરમાં આવેલા દરેક ભકતોને સ્પર્શે છે અને દરેકને સકારાત્મક ઉર્જા મળે છે. પ્રભુ સમક્ષ માથું નમાવી, બે હાથ જોડવાથી નમ્રતા આવે છે. અહંકાર ઓગળે છે અને ઉર્જાની શક્તિના આશીર્વાદ મળે છે.

સવાર-સાંજ ઘરમાં પૂજાપાઠ, દીવાબત્તીની પરંપરા હજી ઘણાં ઘરોમાં જળવાયેલી છે. ઘી ના દીવાથી ઓઝોન વાયુ ઉત્પન્ન થાય છે. કપૂરના ધૂપથી જીવજંતુઓનો નાશ થાય છે. મંદિરોમાં અને ઘરમાં શંખ વગાડવાનું પણ મહત્ત્વ છે. શંખના નાદના કંપનથી આસપાસના સૂક્ષ્મ બેકટેરિયા નાશ પામે છે. વાતાવરણમાં સત્ત્વ, રજ અને તમોગુણ હોય છે. શંખનાદથી સત્ત્વગુણની સકારાત્મકતા પ્રસરે છે શંખ શારીરિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

તિલક કરવું એ પણ આપણી પરંપરા છે. આજન યુગમાં તિલક કરવું હાસ્યાસ્પદ લાગે છે. પણ તિલક કરવું એટલે મસ્તકમાં રહેલી બુદ્ધિનું પૂજન કરવું. દરેક ધાર્મિક કાર્ય કરતી વખતે તિલક કરવામાં આવે છે. બુદ્ધિની માતા સરસ્વતી છે. પૂજાવિધિ એકાગ્ર થઈને કરવાની હોય છે. આપણી બે ભમ્મરની વચ્ચે આજ્ઞાચક્ર હોય છે. તિલક કરવાથી આ કેન્દ્ર કાર્યરત રહે છે. આપણા રોજીંદા કાર્યોમાં શારીરિક ઉર્જા બનવાનું કાર્ય સતત ચાલુ રહે છે જેથી મસ્તક પર ગરમી પ્રસરે છે. તેમાં ચંદન, હળદર અને કેસરનું તિલક શીતળતા બક્ષે છે.

આપણી જીવનશૈલી અને ખાનપાનની પદ્ધતિ બદલાઈ ગઈ છે. જંક ફૂડ, ઈન્સ્ટન્ટ ફૂડનો વપરાશ વધ્યો છે. આવા ફૂડ પેકેટની બોલબાલા છે. અત્યારની પેઢીને ઉપવાસ કરવાની વાતો અંધશ્રદ્ધા લાગે છે પરંતુ ઉપવાસ રાખવાનું ધાર્મિક મહત્ત્વની સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે. ઋતુચક્રમાં બદલાવ, ગરમી-ઠંડીનું વાતાવરણ, વરસાદી માહોલમાં પાચન ક્રિયામાં ફેરફાર થાય છે એટલે આહારમાં વિશેષ ધ્યાન આપવું પડે ઉપવાસ કરવાથી આંતરિક સફાઈ થાય છે અને નવી ઉર્જા ઉત્પન્ન થાય છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. અંધશ્રદ્ધા નથી પણ આંતરિક સફાઈ માટે જરૂરી છે એટલે જ માનવ સમાજના હિત માટે ધાર્મિક કારણો જોડી દીધા છે.

આજકાલ ઘરમાં ડાઈનીંગ ટેબલ ન હોય તો ગામડીયા કહેવાય છે મોટા જમણવારમાં તો ઊભાઊભા જમવાનું હોય છે. જુના સમયમાં આસન પર પલાંઠીવાળી બાજોટ પર થાળી મૂકીને જમવાનું પીરસાતું. ભોજન પહેલા પ્રાર્થના કરવામાં આવતી જે માનસિક શાંતિ આપે અને ભોજનનો આનંદ તથા પાચન શક્તિ વધારતી પલાંઠી વાળીને બેસીને બાજોટ તરફ ઝુકીને કોળીયો લેવાની સતત હીલચાલથી પેટના સ્નાયુઓ સક્રીય થાય છે જે પાચનમાં મદદ કરે છે. વળી ભોજનને આપણે અન્નદેવતાને ઊંચુ આસન આપી સન્માન કરવામાં આવતું આપણા વડીલો હંમેશાં હાથેથી જમતા પણ આજકાલ આવી રીતે ખાનારા અન્યને ગોબરા લાગે છે. આપણી દરેક આંગળીઓમાં પંચ તત્ત્વ હોય છે. અંગુઠામાં અંતરીક્ષ, તર્જનીમાં હવા, મધ્ય આંગળીમાં અગ્નિ, અનામિકામાં પાણી અને કનિષ્ઠિકામાં પૃથ્વી તત્ત્વ... વેદ મુજબ દરેક આંગળીઓ એક સાથે કરીને જમવાથી આ ચક્રો ગતિમાન થાય છે. પાંચ તત્ત્વો કાર્યરત બને છે. ઉર્જા પેદા થાય છે, ભોજનના સ્વાદનો અનુભવ થાય છે.

આ ઉપરાંત આપણી સંસ્કૃતિની એવી કેટલીય વાતો છે જે વિજ્ઞાન સાથે જોડાયેલી છે. આજે દરેક વ્યક્તિ સારૂ અને સ્વસ્થ જીવનની આશા રાખે છે, ત્યારે તેણે આપણી સંસ્કૃતિની ઉપેક્ષા કરવી ન જોઈએ..

- દિપા સોની : જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh