Advertisement
Author: નોબત સમાચાર

૫ેરિસ ઓલમ્પિકમાંથી ૧૦૦ ગ્રામ વજન વધતા રેસલર વિનેશ ફોગાટ અયોગ્ય

રાકેશ ટિકૈત, અખિલેશ યાદવ સહિતના નેતાઓએ કરી તપાસની માંગણીઃ લોકસભામાં પડ્યા પડઘાઃ વડાપ્રધાન નોંધાવશે વિરોધઃ

નવી દિલ્હી તા. ૭: સ્ટાર રેસલર વિનેશ ફોગાટને માત્ર ૧૦૦ ગ્રામ વજન વધતા તે કુસ્તીની ફાઈનલમાં નહીં રમી શકે. આ નિર્ણય સામે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિરોધ નોંધાવશે. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પી.ટી. ઉષા સાથે વાતચીત કરી હોવાના અહેવાલો છે. તો બીજી તરફ લોકસભામાં આ મુદ્દે હોબાળો થયો છે. વિપક્ષના નેતાઓએ આ ષડયંત્રને લઈને તપાસની માંગણી કરી છે.

ભારતની આશાઓને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ર૦ર૪ પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસક્વોલીફાય જાહેર કરવામાં આવી છે. તે ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ હવે તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વિનેશ ફોગાટ આજે પ૦ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં ભાગ લઈ શકશે નહીં.

અહેવાલો અનુસાર વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત મર્યાદા કરતા ૧૦૦ ગ્રામ વધું હોવાનું જાણવા મળ્યું છે. નિયમો અનુસાર કોઈપણ કુસ્તીબાજને કોઈપણ કેટેગરીમાં માત્ર ૧૦૦ ગ્રામ વધારાનું વજનની છૂટ આપવામાં આવે છે, પરંતુ વિનેશનું વજન આનાથી વધુ હતું.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશએ કહ્યું કે ભારતીય દળ ફોગાટને મહિલા કુસ્તી પ૦ કિગ્રા વર્ગમાંથી ડિસકવોલીફાય કરવામાં આવી છે. ટીમ દ્વારા રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન પ૦ કિલો કરતા થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.

વિનેશ ફોગાટને ઓલિમ્પિક સ્પર્ધામાં ગેરલાયક ઠેરવવામાં આવી છે. આ કારણે તે માત્ર ફાઈનલમાંથી બહાર જ નથી રહી, પરંતુ મેડલથી પણ વંચિત રહી ગઈ હતી. આ અંગેની માહિતી ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જાહેર કરવામાં આવી છે.

એસોસિએશન સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર વિનેશ ફોગાટ બુધવારે સવારે ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ પહેલા પ૦ કિલો વજન જાળવી શકી ન હતી. વિનેશ ઓલિમ્પિકમાં આ વજન વર્ગમાં રમી રહી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, વિનેશનું વજન નિર્ધારિત ધોરણ કરતા ૧૦૦ ગ્રામ વધુ હતું. સ્પર્ધાના નિયમો અનુસાર, વિનેશ સિલ્વર મેડલ પણ લાયક રહેશે નહીં. આ પછી પ૦ કિગ્રા વર્ગમાં માત્ર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે.

બુધવારે સાંજ સુધીમાં ઓલિમ્પિક એસોસિએશન તરફથી આ અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. અગાઉ મંગળવારે વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત ધોરણ મુજબ હતું. જો કે, આ વખત સ્પર્ધા પહેલા દરરોજ જાળવી રાખવાનું હોય છે.

સુત્રો પાસેથી માહિતી મળી છે કે, વિનેશને મંગળવારે રાત્રે જ આ વાતની જાણ થઈ હતી. જે પછી તે આખી રાત ઊંઘી ન હતી અને પોતાનું વજન નિર્ધારિત કેટેગરીમાં લાવવા માટે શકય તમામ પ્રયાસ કર્યા હતાં. જેમાં જોગીંગ, સ્કીપીંગ અને સાયકલીંગનો સમાવેશ થાય છે.

જો કે આ પૂરતું પુરવાર થયું નથી. ભારતીય પ્રતિનિધિમંડળે વિનેશને થોડો વધુ સમય આપવાની માગ કરી હતી, પરંતુ તેમની માગ સાંભળવામાં આવી ન હતી. વિનેશે અગાઉ પ૩ કિગ્રા વજન વર્ગમાં લડત આપી હતી. આ પ્રથમ વખત છે જ્યારે તે પ૦ કિગ્રા સ્પર્ધામાં રમી રહી હતી. બુધવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યે વિનેશની ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારાહ અને હિલ્ડરબ્રાન્ડ સાથે ફાઈનલ મેચ થવાની હતી.

આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પી.ટી. ઉષા સાથે પણ વાતચિત કરી છે, જ્યારે સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિરોધ નોંધાવશે તેવા પણ અહેવાલો છે. તો વિપક્ષના નેતાઓએ આને ષડયંત્ર ગણાવીને ઉંડી તપાસની માંગણી કરી છે.

આ અંગે પૂર્વ ઓલિમ્પિયન અવનીત કૌર સિદ્ધુએ કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, જ્યારે તે ગોલ્ડ મેડલથી એક ડગલું દૂર હતી તે સમયે આવું થવું હૃદયદ્રાવક છે. આ ખૂબ જ નિરાશાજનક છે. હોકી ઓલિમ્પિયન પરગટ સિંહે કહ્યું, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મને લાગે છે કે વિનેશને યોગ્ય સમયે તક આપવી જોઈતી હતી. આ માટે અપીલ કરવી જોઈએ. મને લાગે છે કે આમાં ભારત વિરૂદ્ધ કંઈક છે.

દંગલ ફેમ દ્રોણાચાર્ય એવોર્ડી મહાવીર ફોગાટે કહ્યું કે વિનેશે ફાઈનલમાં પહોંચીને ઓલિમ્પિક ગોલ્ડ જીતવાની મારી ર૪ વર્ષની ઈચ્છા પૂરી કરી. હું તેને લેવા એરપોર્ટ જાતે જ જઈશ. વિનેશના સસરા રાજપાલ રાઠીએ કહ્યું કે વહુ ચોક્કસપણે ગોલ્ડ મેડલ જીતશે. રવિવારે વિનેશ સાથે વાત કરી. તેણે કહ્યું હતું કે, તે ગોલ્ડ મેડલ જીતવા માટે પોતાનું બધું આપી દેશે. પતિ સોમબીર રાઠીએ કહ્યું કે છેલ્લા દોઢ વર્ષમાં એવા ઘણાં પ્રસંગો આવ્યા, જ્યારે લાગ્યું કે હવે કુસ્તી શક્ય નહીં બને, પણ વિનેશે હાર ન માની. વજન ઘટાડવું અને ફાઈનલમાં પહોંચવું. ફક્ત વિનેશ જ ખરેખર કરી શકે છે.

વિનેશ ફોગાટની તબિયત બગડીઃ હોસ્પિટલમાં દાખલ

વિનેશ ફોગાટની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હોવાના અહેવાલો આવી રહ્યા છે.

વિનેશ, તમે ચેમ્પિયનના પણ ચેમ્પિયન છોઃ પીએમનું ટ્વિટ

વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં અયોગ્ય ઠેરવવાનો મામલો સામે આવ્યા પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પણ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું કે, 'વિનેશ, તમે ચેમ્પિયનની ચેમ્પિયન છો! તમે ભારતું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આ આંચકો પીડાદાયક છે. હું ઈચ્છું છું કે હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકું. અમે આશા રાખીએ છીએ કે તમે મજબૂત રીતે પાછા આવશો. અમે બધા તમારી સાથે છીએ.'

વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવતા ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભારતીય ઓલિમ્પિક સંઘએ કહ્યું કે આ આઘાતજનક છે કે ભારતીય ટીમ મહિલા કુસ્તી પ૦ કિગ્રા કેટેગરીથી વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થઈ છે. રાતભર ટીમ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી રહી નથી.

રિપોર્ટ અનુસાર ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ મેચમાં ડિસ્કવોલિફાઈ જાહેર કરવા બદલ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. આઈઓએ આ મામલે વધુ કોઈ નિવેદનો આપશે નહીં. તેણે પ્રાઈવસી જાળવી રાખવા અપીલ કરી છે.

સેમિ ફાયનલમાં શાનદાર વિજય પછી ફાયનલમાં ફતેહની આશા રોળાઈ

વિનેશ ફોગાટે મંગળવારે રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી ૧-૦ થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં કયુબાની રેસલર પર ડબલ લેગ એટેક કર્યો અને ૪ પોઈન્ટ મેળવ્યા હતાં. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાયનલમાં જગ્યા મેળવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાયનલ પહેલા, વિનેશે કવાર્ટર ફાઈનલમાં યુક્રેનની લિવાચ ઉકસાનાને ૮-પ થી હરાવી હતી, અને ફાયનલમાં અમેરિકન રેસલર સારાહ એન હિલ્ડે બ્રાન્ડ સાથે ટક્કર થવાની હતી સેમિફાઈનલમાં શાનદાર વિજય પછી ફાયનલમાં ફતેહની આખા દેશની આશા પર પાણી ફરી વળ્યું હતું.

ષડયંત્ર કે અન્યાય ? કારકીર્દિ પર પ્રહાર

વિનેશ ફોગાટના નામે મેડલ અને રેડકોર્સ : ઝળહળતી સિદ્ધિઓ

ર૦૧૮ એશિયન ગેમ્સ, જકાર્તા - ગોલ્ડમેડલ

ર૦૧૮ કોમનવેલ્થ ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ - ગોલ્ડ મેડલ

ર૦૧૪ કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો - ગોલ્ડ મેડલ

ર૦૧૮ એશિયન ચેમ્પિયનશિપ, બિશ્કેક - સિલ્વર મેડલ

ર૦૧૩ કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, જોહાનિસબર્ગ-સિલ્વર મેડલ

ર૦ર૦ એશિયન ચેમ્પિયનશીપ, નવી દિલ્હી - બ્રોન્ઝ મેડલ

ર૦૧૯ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ, કઝાકિસ્તાન -બ્રોન્ઝ મેડલ

ર૦૧૯ એશિયન ચેમ્પિયનશિપ, ઝિઆન - બ્રોન્ઝ મેડલ

ર૦૧૬ એશિયન ચેમ્પિયનશિ, બેંગકોક - બ્રોન્ઝ મેડલ

ર૦૧૪ એશિયન ગેમ્સ, ઈંચિયોન - બ્રોન્ઝ મેડલ

ર૦૧૩ એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી - બ્રોન્ઝ મેડલ

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh