Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક મંત્રીઓ દેશ છોડીને ભાગ્યાઃ એક પૂર્વ મંત્રીની ધરપકડઃ હિન્દુ મંદિરો તોડાયા
ઢાકા તા. ૭: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા હિંસક તોફાનમાં ર૦ થી વધુ અવામી લીગના નેતાઓના મૃતદેહો મળ્યા છે, જ્યારે પૂર્વ વિદેશમંત્રીની ઢાકા એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ છે, તો કેટલાક પૂર્વ મંત્રીઓ દેશ છોડીને ભાગી ગયા હોવાના અહેવાલો છે.
બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળાએ વડાપ્રધાન શેખ હસીનાની ખુરશી છીનવી લીધી. જોરદાર દેખાવો પછી બળવો થયો હતો. વડાપ્રધાન શેખ હસીનાએ ભાગીને ભારતમાં આશરો લેવો પડ્યો હતો. બાંગ્લાદેશ છોડતાની સાથે જ આખા દેશમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા થઈ રહ્યા છે, જ્યારે શેખ હસીના ભાગીને ભારત આવી ગયા છે. તેઓ સોમવારે ભારત પહોંચ્યા હતાં. તેઓ થોડા સમય માટે અહીં આશ્રય લઈ શકે છે.
અહેવાલો અનુસાર તેઓ હવે અહીંથી લંડન જઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બાંગ્લાદેશમાં સુરક્ષા અને સ્થિતિને લઈને બેઠક યોજી હતી.
યુએનના વડાએ લોકતાંત્રિક માધ્યમથી સત્તા પરિવર્તનની વાત કરી છે. બાંગ્લાદેશના અખબાર ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ હસીના સરકારમાં શિક્ષણ મંત્રી રહેલા મોહીબુલ હસન ચૌધરી અને સ્થાનિક સરકાર, ગ્રામીણ વિકાસ અને સહકાર મંત્રી મોહમ્મદ તાજુલ ઈસ્લામ દ્વારા દેશ છોડી ગયા છે. ભૂતપૂર્વ નાણાપ્રધાન અબુલ હસન મહમુદ અલી, રમતગમત પ્રધાન નઝમુલ હસન પાપોન અને ઢાકા દક્ષિણ સિટી કોર્પોરેશનના મેયર શેખ ફઝલે નૂર તાપોષે પણ રવિવારે એચએસઆઈએ દ્વારા દેશ છોડી દીધો હતો, તેવું અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું.
બાંગ્લાદેશના પૂર્વ વિદેશમંત્રી અને અવામી લીગના નેતા હસન મહમુહને મંગળવારે મોડી સાંજે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. તેઓ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.
ઢાકા એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર નાગરિક ઊડ્ડયન પ્રાધિકરણે બાંગ્લાદેશ છત્ર લીગના ઢાકા યુનિવર્સિટી યુનિટના જનરલ સેક્રેટરી તનબીર હસન શૈકત અને ઢાકા ઉત્તર એકમના પ્રમુખ રિયાઝ મહમુદની પણ અટકાયત કરી હતી. આ તમમને બાંગ્લાદેશની સેનાને સોંપવામાં આવ્યા છે.
અવામી લીગ અને તેની સંલગ્ન સંગઠનોના ઓછામાં ઓછા ર૦ નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના મૃતદેહો દેશભરમાંથી મળી આવ્યા છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને દેશ છોડ્યો ત્યારથી સતખીરામાં હુમલા અને હિંસામાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા છે.
અવામી લીગના નેતાઓ અને કાર્યકરોના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી હતી. કોમિલામાં ટોળાના હુમલામાં ઓછામાં ઓછા ૧૧ લોકો માર્યા ગયા હતાં. અશોકતલામાં પૂર્વ કાઉન્સિલર મોહમ્મદ શાહ આલમના ત્રણ માળના મકાનમાં બદમાશોએ આગ લગાડતા છ લોકોના મોત થયા હતાં. સોમવારે રાત્રે અને મંગળવારે સવારે તેમના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા હતાં. જેમાં પાંચ કિશોરોનો પણ સમાવેશ થાય છે.
બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ઈસાઈ એક્તા પરિષદે કહ્યું છે કે, સોમવારથી આજ સુધીમાં ર૦૦ થી ૩૦૦ હિન્દુઓના મકાનો અને દુકાનોમાં તોડફોડ થઈ છે. ૧પ થી ર૦ હિન્દુ મંદિરોને નુક્સાન પહોંચાડ્યું છે અને સંસ્થાના મહામંત્રી રાણા દાસગુપ્તાના કહેવા પ્રમાણે આ હિંસામાં ૪૦ થી વધુ હિન્દુઓ ઘાયલ થયા છે. ર૭ જિલ્લાઓમાં હિન્દુઓ ઉપર હુમલાઓ ચાલુ છે.
બાંગ્લાદેશના શુભ ખ્યાત ગાયક રાહુલ આનંદનું ઢાકા ખાતેનો દોઢસો વર્ષ જુનું મકાન લૂંટફાટ પછી સળગાવી દેવાયું છે. બાંગ્લાદેશની ૧૭ કરોડની વસતિમાં ૮ ટકા હિન્દુઓ છે. હિન્દુ એસોસિએશને કહ્યું કે હિન્દુઓના મકાનો, વ્યવસાયો, દુકાનો અને મંદિરોમાં ચારેકોર સતત તોડફોડ થઈ છે.
બાંગ્લાદેશની કેર ટેકર સરકારનું નેતૃત્વ સંભાળનાર નોબેલ વિજેતા મોહમ્મદ યુનસ અત્યારે પેરિસમાં છે અને તેમની સારવાર ચાલુ છે. તેઓ તરત જ બાંગ્લાદેશ પાછા ફરી રહ્યા છે. બાંગ્લાદેશમાં આગ બબુલા બનેલ લોકોના ટોળાઓએ એકસાથે અનેક આવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓના મકાનો અને દુકાનોમાં તોડફોડ કરી છે, સળગાવી દીધા છે. ઢાકામાં બંગ બંધુ એવન્યુમાં હવાની લીગની ઓફિસને નિશાન બનાવાયું છે.
બાંગ્લાદેશની બેંકો ખુલી ગઈ છે, પરંતુ સુરક્ષાની કમીને લીધે સેવાઓ મર્યાદિત ચાલુ થઈ છે. મોટાભાગની બેંક અને એટીએમને લૂંટફાટથી બચાવવા માટે બંધ રાખવામાં આવેલ છે. રોકડ રકમનું ટ્રાન્સપોર્ટેશન પણ કરવામાં આવતું નથી. બેંક કર્મચારીઓ ઓફિસમાં પાછા આવતા ડરી રહ્યા છે. તેર વર્ષ બંધ રહ્યા પછી પ્રતિબંધિત બંગલા દેશ જમાત એ ઈસ્લામી દ્વારા ઢાકામાં તેમનું કેન્દ્રિય કાર્યાલય ફરી ખોલી નાખવામાં આવ્યું છે.
સોમવારે મોડી રાત્રે ટોળાએ જોશોર જિલ્લામાં અવામી લીગના જનરલ સેક્રેટરી શાહીન ચક્કલદારની માલિકીની જબીર ઈન્ટરનેશનલ હોટલને આગ ચાંપી હતી, જેમાં ર૪ લોકો માર્યા ગયા હતાં. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના લોકો હોટલમાં રોકાયા હતાં. ઢાકાના એક સ્થાનિક પત્રકારે કહ્યું, 'મૃતકોમાં એક ઈન્ડોશેનિયાનો નાગરિક પણ સામેલ છે.' જોશોર જનરલ હોસ્પિટલના ડોક્ટરોએ પુષ્ટિ કરી છે કે ર૪ મૃતદેહો મળ્યા છે, જ્યારે બચી ગયેલા હોટલ સ્ટાફે ભય વ્યક્ત કર્યો છે કે, કાટમાળ નીચે વધુ મૃતદેહો હોઈ શકે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર અવામી લીગ સરકારનો વિરોધ કરતા રોષે ભરાયેલા ટોળાએ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લગાવી હતી જે ઉપરના માળ સુધી ફેલાઈ હતી.
બાંગ્લાદેશમાં આ હિંસક આંદોલનમાં અત્યાર સુધી ૪૦૦ થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં અવામી લીગના ર૦ થી વધુ નેતાઓની હત્યા કરવામાં આવી છે. વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા પછી દેશ છોડી જતા રહેતા બાંગ્લાદેશમાં અરાજક્તા ફેલાઈ છે. અત્યાર સુધી ૪૪૦ લોકોના મોત થયા છે. દેશમાં સેના આ સ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસ કરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial