Advertisement
Author: નોબત સમાચાર

આઈએમએફના રિ૫ોર્ટમાં ભારતને 'સી' ગ્રેડ કેમ અપાયો ? ટોપ ફાઈવના દાવા ખોટા ?

                                                                                                                                                                                                      

થોડા સમય પહેલા ભારતના અર્થતંત્રને લઈને ઘણાં જ પ્રોસ્તાહક અને પોઝિટીવ અહેવાલો આવ્યા હતા અને ભારત વિશ્વની ઈકોનોમિકમાં ચોથા સ્થાનથી આગળ વધીને ત્રીજા સ્થાન તરફ ગતિશીલ છે અથવા ટોપ ફાઈવમાં મજબૂતીથી સ્થાન મેળવ્યું છે, તેવા અહેવાલો આવ્યા છે, તો ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજા સ્થાને પહોંચી ગયું હોવાનો દાવો પણ થયો હતો, અને પીપીપી અથવા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના આધારે આ દાવાઓને પુષ્ટિ આપવામાં આવી હોય તેમ જણાતુ હતું. જો કે, જીડીપીની દૃષ્ટિએ ભારત ચોથા સ્થાને હતું, અને ટોપ ફાઈવમાં હતું, તેનો જોરશોરથી પ્રચાર-પ્રસાર પણ થયો હતો.

જો કે, ઈન્ટરનેશનલ મની મોનીટરી ફંડ (આઈએમએફ) ના વર્ષ ૨૦૨૫-૨૬ના દ્વિતીય ક્વાર્ટરના આંકડા પ્રસિદ્ધ થયા તેમાં, પણ ૮.૨ ટકાના દરે જીડીપી વધ્યો હતો, જે ગત વર્ષે ત્રિમાસિક ગાળામાં ૫.૬ ટકા હતો, અને તેને ટાંકીને ભારતની વિકસતી અર્થવ્યવસ્થાનો દાવો ભારત સરકારે કર્યો હતો. ભારતે તેનું કુલ ઘરેલુ ઉત્પાદન-જેડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન ૭.૩ ટ્રિલિયન ડોલર હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ આઈએમએફના તાજેતરના રિપોર્ટમાં 'સી' રેટિંગ આપ્યું હોવાથી ભારતની ઈકોનોમી તથા જીડીપીના માપદંડોને લઈને એક રાષ્ટ્રીય કક્ષાની ચર્ચા છેડાઈ ગઈ છે, અને વિપક્ષોને ભારત સરકારના દાવાઓ સામે જ સવાલો ઉઠાવતા એક પ્રકારે વૈશ્વિક ફજેતી થાય, તેવો પડકાર પણ સરકાર સામે ઊભો થયો છે.

આ મુદ્દો સૌથી પહેલા દેશના પૂર્વ નાણામંત્રી અને કોંગી નેતા પી. ચિદમ્બરમે ઉઠાવ્યો હતો, અને મોદી સરકારને પ્રશ્ન પૂછયો હતો કે આઈએમએફ દ્વારા વાર્ષિક સમીક્ષામાં ભારતના નેશનલ એકાઉન્ટન્ટ અને 'સી' ગ્રેડમાં કેમ રાખ્યા છે ?

કોંગ્રેસ નેતા જયરામ રમેશના પ્રત્યાઘાત મુજબ દેશમાં ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન વધ્યનું નથી કે ઈન્વેસ્ટમેન્ટમાં ખાસ પ્રોગ્રેસ જણાતી નથી, તેથી એવું કહી શકાય કે જીડીપી દર સસ્ટેનેબલ નથી, તો મહિલા કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત કહે છે કે "આઈએમએફના રિપોર્ટ મુજબ ભારતના નેશનલ એકાઉન્ટસ અને મોંઘવારીના ફિગર્સમાં લોકોની ખર્ચ કરવાની ક્ષમતા કે અનૌપચારિક ક્ષેત્ર જેવી ઈન્પોર્ટન્ટ પેટર્ન પ્રતિબંધિત થતી નથી. ગત વર્ષે પણ ભારતને આઈએમએફ દ્વારા 'સી' ગ્રેડ જ અપાયો હતો, તેથી થતાં દાવાઓ મુજબ જો ભારતની ઈકોનોમીએ જમ્પ માર્યો હોય તો તેની અસર આઈએમએફના રિપોર્ટમાં પ્રતિબંધિત થતી જ ન હોય, તો એવું કહી શકાય કે હકીકતમાં કાંઈ બદલાયું જ નથી."

આઈએમએફ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ભારત અંગેના એકાદ અઠવાડિયા પહેલાના રિપોર્ટનો ઊંડો અભ્યાસ કર્યા પછી કેટલાક પ્રખર અર્થશાસ્ત્રીઓ તથા વિશ્લેષકોએ પણ મિશ્ર પ્રત્યાઘાતો આપ્યા છે. કેટલાક તજજ્ઞોના જણાવ્યા અનુસાર આઈએમએફના તારણો તેની પાસે ઉપલબ્ધ ડેટા મુજબ જ હોય છે, અને જે ડેટા મળે, તેનું ચાર શ્રેણીમાં વર્ગીકરણ કરીને તારણો કાઢવામાં આવતા હોય છે. આ ચાર શ્રેણીમાં ડેટાની ઉપલબ્ધીની સ્થિતિ દર્શાવીને ગ્રેડ અપાતા હોય છે, તેથી ગ્રેડ ઈકોનોમીની વાસ્તવિકતા નહીં, પરંતુ ડેટાની ઉપલબ્ધી દર્શાવે છે.

અહેવાલો મુજબ વિવિધ દેશો દ્વારા અપાતા ડેટા જો પૂરેપૂરા મળ્યા હોય, તો તેને "એ" ગ્રેડમાં મુકવામાં આવે છે, પરંતુ સંપૂર્ણ અને સર્વાંગી સમીક્ષા કરવા માટે પૂરતો ડેટા હોય તો પણ થોડી-ઘણી ખામી હોવાથી તેને "બી" ગ્રેડ મળે છે. જો ડેટાની ખામીઓ સમીક્ષાની પ્રક્રિયાને આંશિક રીતે પ્રભાવિત કરે તેવી હોય ત્યારે તેને "સી" ગ્રેડ મળે છે, જયારે ડેટાની ખામી કે અનુપલબ્ધિ આખી સમસ્યાની પૂરેપૂરી પ્રક્રિયાને જ પ્રભાવિત કરે તેમ હોય, ત્યારે તેને "ડી" ગ્રેડ આપવામાં આવે છે. ભારત અંગેના રિપોર્ટ મુજબ ઉપલબ્ધ ડેટામાં નેશનલ એકાઉન્ટ્સના ફિગર્સની ફ્રિકવન્સી પણ ઉપલબ્ધ છે તથા બારિક માહિતી (માઈક્રો ઈન્ફર્મેશન) પણ પૂરી પાડવામાં આવી છે, પરંતુ કેટલીક પદ્ધતિલક્ષી ખામીઓના કારણે સંપૂર્ણ અને સર્વાંગી સમીક્ષામાં બાધા ઊભી થાય છે આ કારણે ભારતને "સી" ગ્રેડ મળ્યો હોવાના અંતિમ તારણો નીકળી રહ્યા છે.

વિશ્વસનિય આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસિઝ તથા પ્રતિષ્ઠિત અખબારોમાં પણ ભારતને મળેલ "સી" ગ્રેડ પ્રક્રિયાત્મક ખામીઓ તથા ડેટા ઉપલબ્ધી પદ્ધતિલક્ષી ક્ષતિઓના કારણે "સી" ગ્રેડ મળ્યો હોય તો તેને ટેકનિકલ કે સિસ્ટોમેટિક એરર ગણી શકાય કે કેમ ? તે અંગેની અલગથી ચર્ચા થઈ રહી છે.

ભારતના ડેટાની ત્રુટિઓની ચર્ચા પણ થઈ રહી છે. ભારત સરકાર વર્ષ ૨૦૧૧-૧૨ ને આાધારવર્ષ ગણે છે, તે પણ પ્રાસંગિક જણાતુ નથી, તથા ભારત પીપીઆઈ (પ્રોડયુસર પ્રાઈસ ઈન્ડેકસ)ના સ્થાને જથ્થાબંધ ભાવાંક એટલે કે હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસનો ઉપયોગ કરે છે, તેથી ડેટામાં જણાતી ખામીઓના કારણે ભારતને "સી" ગ્રેડ અપાયો હોઈ શકે છે. સિસ્ટોમેટિક ફાયનાન્સિયલ ઈન્ટર કનેકટેડનેસ તથા એનબીએફસી અંગે ખૂબ જ મર્યાદીત ડેટા ઉપલબ્ધ હોવાનો આ જ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે, તે પણ ભારતને "સી" ગ્રેડ મળ્યો હોવાના મહત્ત્વપૂર્ણ કારણો પૈકીનું એક હોઈ શકે છે.

ભારતીય જનતાપક્ષના નેતાઓ અને પ્રવક્તાઓ તો આ પ્રકારની ચર્ચાને જ નિરર્થક ગણાવે છે. અને આઈએમએફની કાર્યપદ્ધતિ અંગે કેટલાક લોકોને પૂરી સમજ જ પડતી નહીં હોવાનું જણાવીને આ મુદ્દે થતી આલોચના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની ઈકોનોમિની થતી પ્રગતિકૂચ પર કોઈપણ કારણ વિના આશંકાઓ ઊભી કરતી હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે, જ્યારે વિપક્ષના નેતાઓ તેનો પ્રતિકાર કરતા કહી રહ્યા છે કે, ફરેબી આંકડાની માયાજાળ ઊભી કરીને દેશને ગૂમરાહ કરાઈ રહ્યો છે, ભાજપ આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ કહ્યું છે કે કોંગ્રેસે સત્તા છોડી, ત્યારે ભારત "ફ્રેઝાઈલ ફાઈવ ઈકોનોમી" માંથી એક હતી. વર્ષ ૨૦૧૩માં મોર્ગન સ્ટેનબીએ બ્રાઝીલ, ઈન્ડોનેશિયા, તૂર્કી, દ.આફ્રિકા અને ભારતને ફ્રેઝાઈલી ફાઈવ ઈકોનોમી ગણાવી હતી, જેનો અર્થ "ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પર અવલંબિત અસુરક્ષિત અર્થવ્યવસ્થાઓ" એવો કરાયો હતો, અને તે પછી અન્ય દેશોનો ઉમેરો થયો હતો.

માલવિયેના દાવા મુજબ આજે ભારત ફ્રેઝાઈલ ફાઈવ ઈકોનોમીમાંથી તો બહાર નીકળી જ ગયું છે, પરંતુ વિશ્વની ટોપ ફાઈવ ઈકોનોમીમાં હાઈજમ્પ માર્યો છે, તે હકીકત કોંગ્રેસ પચાવી શકતી નથી અને પૂર્વ નાણામંત્રી જુઠાણું ફેલાવીને દેશની જનતાને ગૂમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દેશના અર્થશાસ્ત્રીઓ તથા તટસ્થ વિચારકોના સંખ્યાબંધ પ્રત્યાઘાતોનું તારણ એવું નીકળે છે કે વર્ષ ૨૦૧૧-૧૨ના આંકડા જે-તે સમયની સરકારોના જ છે. નોટબંધી વખતે પણ ત્રણ લાખ જેટલી રજિસ્ટર્ડ કંપનીઓને શેલ કંપની ગણાવીને બંધ કરી દેવાઈ હતી. સર્વિસ સેકટરમાં ૩૫ ટકા કંપનીઓ કાર્યરત જણાઈ નહોતી, તેથી તેના ડેટામાં કચાશ ગણાય. જ્યારે બેરોજગારીનો દર વધી રહ્યો હોય અને વાસ્તવિક વસતિ ગણતરી ન થઈ હોય ત્યારે મહામારી પછીની સ્થિતિમાં વિવિધ આંકડાઓ પર સવાલ ઉઠે એ સ્વાભાવિક છે. ઘી વાયર ને ટાંકીને કહેવાયું છે કે જીડીપીની ગણતરી કરવાની પદ્ધતિની ત્રુટિઓના કારણે ભારતનો ઝડપથી વિકસતા અર્થતંત્ર ના દાવાને ઝાંખપ લાગે છે, જે ચંદ્રમાના ડાઘ જેવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh