Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોદી તો વંચિત રહી ગયેલી મહિલાઓને ધૂમાડાનો ચુલો છોડાવવા માંગે છે, પણ તંત્રોની તિક્કડમબાજી નડે છે!: પ્રતિભાવો
રાવલ તા. ૩: રાવલ પંથકની સેંકડો બહેનો છેલ્લા ચાર-પાંચ દિવસથી પી.એમ. ઉજ્જવલા યોજના હેઠળ કનેક્શન મેળવવાની પ્રક્રિયા માટે ગામડેથી તાલુકે જુદી જુદી કચેરીઓ તથા બેંકો વચ્ચે અટવાતી હોવાની રાવ ઊઠી છે.
કેન્દ્ર સરકારની પી.એમ. ઉજ્જવલા યોજના હેઠળ ફરીથી કનેક્શનો આપવાનું શરૂ થયું હોવાથી ગરીબ બહેનો આ કનેક્શન મેળવવાની પ્રક્રિયા શરૂ કરે તો નવા નિયમો મુજબ વાર્ષિક રૂ. ૧,ર૦,૦૦૦ ની મર્યાદામાં આવક હોવાનો દાખલો કઢાવવો પડે. આ દાખલો કઢાવતા પહેલા તો એફિડેવીટ કરાવવું પડે, તેથી વકીલ કે પીટીશન રાઈટર કે જાણકાર પાસે નિયત એફિડેવીટ કરાવીને મામલતદાર કચેરીમાં અરજદાર જાય, ત્યારે ત્યાંથી અરજદારના રાશનકાર્ડમાં જેટલા નામ હોય, તેના બેંક ખાતાના સ્ટેટમેન્ટ કઢાવવાનું કહેવામાં આવે.
આથી ગામડેથી તાલુકે ગયેલી અરજદાર મહિલા તાલુકાથી ગામડે પાછી આવે અને પોતાનું ખાતું હોય અને પરિવારજનોનું બેંકમાં ખાતું હોય કે જનધન ખાતું હોય તો તેના સ્ટેટમેન્ટ કઢાવા જાય, એ સ્ટેટમેન્ટનો અભ્યાસ કર્યા પછી મામલતદાર કચેરી દ્વારા (યોગ્ય વિગતો) આવકનો દાખલો કાઢી આપવામાં આવે તેવી પ્રોસિઝર છે.
હવે થાય છે એવું કે પહેલા તો એફિડેવીટ કઢાવવામાં અડધો દિવસ નીકળી જાય, તે પછી મામલતદાર કચેરીમાં બહુ લાઈનો ન હોય તો પણ બીજો અડધો દિવસ નીકળી જાય, ત્યાંથી બેંકમાં સ્ટેટમેન્ટ લેવા જાય અને તરત જ સ્ટેટમેન્ટ મળી જાય તો પણ બીજા કે ત્રીજા દિવસે માંડ એફિડેવીટ, અન્ય પુરાવા, પરમીટ, બેંકના સ્ટેટમેન્ટ વિગેરે લઈને મામલતદારમાં જાય, અને ત્યાં લાઈનો ન હોય અને તરત વારો આવી જાય તો પણ આ દાખલો મેળવવામાં જ ચાર-પાંચ દિ' નીકળી જાય. તે પછી આ અરજદાર મહિલા પી.એમ. ઉજ્જવલા યોજના હેઠળ જ્યાંથી કનેક્શન મેળવવાનું હોય તે ગેસ એજન્સીના ધક્કા ખાય, ત્યારે તેનું રજિસ્ટ્રેશન થાય. તે પછી કનેક્શન મંજુર થાય તેની રાહ જોવી પડે. આ પ્રક્રિયા જો સમયસર થતી જાય, તો પણ રોજેરોજનું કમાઈ ખાતા શ્રમિક ગરીબ મહિલાઓને ચાર-પાંચ દિવસની રોજગારી ગુમાવી પડે. એટલું જ નહીં, ગામડેથી તાલુક જવા-આવવાના ખર્ચા, પેટ્રોલ, એફિડેવીટ વિગેરેના વધારાના ખર્ચાઓનો પણ મેળ કરવો પડે.
હવે રાવલની દોઢસો જેટલી મહિલા અરજદારોનું દૃષ્ટાંત જ એવું છે કે એફિડેવીટ કરાવીને મામલતદાર કચેરીમાંથી સૂચના થયા પછી અરજદાર મહિલાઓ પરમીટ (રાશન કાર્ડ) મુજબના નામોના બેંક ખાતાના સ્ટેટમેન્ટ લેવા ગઈ, તો રાવલની બેંકોમાં સર્વર ડાઉન હોવાથી બે-ચાર દિવસોથી સ્ટેટમેન્ટ જ નીકળતા નથી અને અરજદાર મહિલાઓ ધક્કા ખાઈ રહી છે. આવી જ અવદશા રાવલ પંથક સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સર્જાઈ જ હશે.
હકીકતે ભૂતકાળમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પ્રમાણપત્રોના આધારે મામલતદાર કચેરીમાંથી આવકનો દાખલો નીકળી જતો હતો, પરંતુ તેમાં કદાચ ભૂતકાળમાં સંભવિત ગેરરીતિ થઈ હોય, તો તેની સજા નવી ગરીબ મહિલા અરજદારોને થાય તે તો જરાયે વાજબી નથી ને?
આ પ્રક્રિયામાં અટવાયેલી મહિલાઓ એવું કહેતી સંભળાય છે કે (૫ીએમ.) મોદીએ તો વંચિત રહી ગયેલી મહિલાઓને આ યોજના હેઠળ આવરી લેવા પુનઃ તક આપી છે, પરંતુ તંત્રોની તિક્કડમ્બાજી તથા સરકારી બાબુઓની સંવેદનહીનતા ઉપરાંત સિસ્ટમ અને સર્વરની ખામીઓનો ભોગ ગરીબ મહિલાઓ બની રહી છે.
એવો સવાલ ઊઠી રહ્યો છે કે, બેંકના સ્ટેટમેન્ટ (આખા પરિવારના) લેવાનો સરકારે કોઈ નિયમ કર્યો છે? શું ભૂતકાળમાં જન પ્રતિનિધિઓને પ્રમાણપત્ર આપતા તેમાં કોઈ ગરબડ ગોટાળા થયા હતાં કે બીજું કોઈ કારણ છે?
બેંકના સ્ટેટમેન્ટો જેવા કોઈ કારણોસર કલ્યાણપુરની મામલતદાર કચેરી દ્વારા છેલ્લા પાંચ-સાત દિવસથી જો પી.એમ. ઉજ્જવલા યોજનાના ફોર્મ જ સ્વીકારાઈ રહ્યા ન હોય તો તેની તપાસ કરીને અથવા કોઈ વ્યવહારૂ માર્ગ કાઢીને અત્યંત ગરીબ મહિલા અરજદારોની પરેશાની અટકાવવી જોઈએ. એટલું જ નહીં, આ યોજના અત્યંત ગરીબ મહિલાઓને ચૂલો ફૂંકતી બંધ કરીને સ્વાસ્થ્યની સુરક્ષા માટેની હોઈ, આ પ્રકારની હેરાનગતિ બંધ પણ થઈ જાય અને કોઈ ખોટા કે વધુ આવક ધરાવતા લોકો આ યોજનાનો ગેરલાભ પણ લઈ શકે નહીં, તેવો કોઈને કોઈ રસ્તો તો કાઢવો જ પડે તેમ છે, અન્યથા આ યોજનાનો મૂળ ઉદ્દેશ્ય જ માર્યો જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ફ્લેગશીપ યોજનાને પણ કલંક લાગશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial