Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગર્ભ સંસ્કાર-ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહઃ રાજ્યપાલશ્રીનું પ્રેરણાત્મક પથદર્શન

રાષ્ટ્રીય સંગોષ્ઠિ સહિતના કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજાનું પ્રવચનઃ કીટ વિમોચનઃ પ્રમાણપત્ર વિતરણ

                                                                                                                                                                                                      

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં જામનગરના ચેમ્બર ઓફ કોમર્સમાં ગર્ભ સંસ્કાર-ગર્ભવિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિ-મુનિઓનું સંશોધન અને પ્રાચીન શાસ્ત્રો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્ય વારસો છે. વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત તેમજ અન્ય ગ્રંથોમાં સમાયેલ જ્ઞાન આજે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પ્રાસંગિક અને માર્ગદર્શક છે. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો સમન્વય કરીને સંશોધન કરવામાં આવે તો સમગ્ર વિશ્વને નવી દિશા મળી શકે તેમ છે.

રાજ્યપાલે ઉમેર્યું હતું કે, ભારતના ઋષિ-મુનિઓએ હજારો વર્ષો પહેલાં માનવજીવનને સુખી, સંસ્કારી અને સંતુલિત બનાવવા માટે વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત જીવનપદ્ધતિ વિકસાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર ભૌતિક વિકાસ જ પૂરતો નથી, પરંતુ સારા સંસ્કારો ધરાવતા, ચારિત્ર્યવાન અને જવાબદાર માનવનું નિર્માણ એ જ સાચો વિકાસ છે. ભારતીય સંસ્કૃતિમાં દર્શાવવામાં આવેલા સોળ સંસ્કારોનું મહત્ત્વ સમજાવતાં તેમણે કહૃાું હતું કે રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે આધુનિક પ્રગતિની સાથે મૂલ્યઆધારિત શિક્ષણ અને સંસ્કારનું સંવર્ધન અનિવાર્ય છે.

ગર્ભાધાન સંસ્કાર એ એક પવિત્ર સંસ્કાર છે, ભારતીય ઋષિ-મુનિઓએ ગર્ભસંસ્કારને રાષ્ટ્ર નિર્માણનો પાયો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સંસ્કારી, ચારિત્ર્યવાન અને જવાબદાર સંતાનના ઘડતર માટે ગર્ભાધાનથી જ યોગ્ય વિચાર, સંસ્કાર અને મૂલ્યઆધારિત જીવનદૃષ્ટિનું સિંચન જરૂરી છે. ભારતીય સંસ્કૃતિમાં વર્ણવાયેલા ગર્ભાધાન, પુંસવન અને સીમંત સંસ્કાર જેવા સંસ્કારોનો હેતુ માત્ર સંતાનનો જન્મ નહીં, પરંતુ રાષ્ટ્રસેવા માટે સમર્પિત, સંસ્કારી અને સશક્ત નાગરિકનું નિર્માણ કરવાનો છે.

કૃષિ, પશુપાલન અને ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વભરમાં થઈ રહેલા સતત સંશોધનો અંગે જણાવી રાજ્યપાલે માનવના સર્વાંગી વિકાસ અને ઉત્તમ ચરિત્રના ઘડતર પર પણ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવા પર ભાર મુક્યો હતો. તેમણે ઉમેર્યું કે માતા માત્ર પરિવાર માટે નહીં, પરંતુ રાષ્ટ્રના ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણ માટે જવાબદાર પેઢીનું ઘડતર કરે છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન સકારાત્મક વિચાર, સારા સંસ્કાર અને મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અપનાવવી, એ રાષ્ટ્ર નિર્માણનું મહત્ત્વપૂર્ણ સાધન છે.

ઉત્તમ સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે માત્ર ભૌતિક વિકાસ પૂરતો નથી, પરંતુ સંસ્કારી, ચારિત્ર્યવાન અને મૂલ્યનિષ્ઠ માનવનું ઘડતર અનિવાર્ય છે, તેમ જણાવતા રાજ્યપાલે ઉમેર્યું હતું કે બાળક ઉપદેશ કરતાં વધુ પોતાના પરિવાર, શિક્ષકો અને સમાજના વર્તનમાંથી શીખે છે. તેથી શિક્ષણની સાથે જીવનમૂલ્યો અને સંસ્કારોનું સિંચન પણ ખૂબ જ જરૂરી છે. ભારતીય ઋષિ-મુનિઓએ ગર્ભ સંસ્કારથી લઈને અંતિમ સંસ્કાર સુધીના સોળ સંસ્કારો દ્વારા માનવ જીવનને શ્રેષ્ઠ બનાવવાની વૈજ્ઞાનિક અને મૂલ્યઆધારિત વ્યવસ્થા વિકસાવી હતી, જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે.

રાજ્યપાલે જણાવ્યું કે ભૌતિકવાદી જીવનશૈલીના કારણે સમાજમાં તણાવ, અસંતોષ અને મૂલ્યોનું અધઃપતન જોવા મળી રહૃાું છે. આવી પરિસ્થિતિમાં ભારતીય સંસ્કૃતિ, પ્રાકૃતિક જીવનશૈલી અને સંસ્કાર આધારિત શિક્ષણને જનઆંદોલનના સ્વરૂપે આગળ વધારવાની જરૂર છે. તેમણે ગર્ભ સંસ્કાર અને આયુર્વેદના ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ, સંશોધકો અને તાલીમ પૂર્ણ કરનાર વૈદ્યોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે તેઓ આ જ્ઞાનનો વ્યાપક પ્રસાર કરી વધુમાં વધુ પરિવારો સુધી પહોંચાડવા પ્રયત્નશીલ રહે, જેથી સંસ્કારી, સ્વસ્થ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનારી નવી પેઢીનું ઘડતર થઈ શકે.

આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે,રાજ્યપાલશ્રીનું સમગ્ર જીવન પ્રાકૃતિક કૃષિ, પર્યાવરણ સંરક્ષણ, સ્વસ્થ જીવનશૈલી અને મૂલ્યઆધારિત સમાજના નિર્માણ માટે સમર્પિત રહૃાું છે. તેમના જીવનમૂલ્યો, કાર્યપદ્ધતિ અને લોકકલ્યાણ માટેની અવિરત સેવાઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત અને અનુસરવા યોગ્ય આદર્શ છે.

ભારતીય સંસ્કૃતિ, આયુર્વેદ, યોગ, ઉપનિષદ અને ગર્ભ સંસ્કાર જેવી પ્રાચીન જ્ઞાન પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવી એ સમયની માંગ છે. તેમણે જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં પણ દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક પરંપરાને જાળવી રાખવી જરૂરી છે. તેમણે મહિલાઓની સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં રહેલી મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કરતાં કહૃાું કે સંસ્કારી અને સ્વસ્થ પેઢીના ઘડતરમાં માતાની ભૂમિકા સર્વોપરી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાતી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની સાથે સમાજમાં સ્વજાગૃતિ પણ એટલી જ આવશ્યક છે. યોગ, આયુર્વેદ, પંચકર્મ અને ગર્ભ સંસ્કાર જેવી ભારતીય પરંપરાગત પદ્ધતિઓ વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત અને સમગ્ર વિશ્વમાં સ્વીકાર્ય બની રહી છે. જામનગરમાં વિકસિત થઈ રહેલું વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર તથા ભગવાન ધન્વન્તરિની પાવન ભૂમિ તરીકેની શહેરની ઓળખ ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી રહી છે. તેમણે આવા આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય, યોગ, આયુર્વેદ અને ગર્ભ સંસ્કાર પ્રત્યે જાગૃતિ વધશે તેમજ રાષ્ટ્રના ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળશે.

કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વેદ સૂતિકા કીટ અને પ્રસૂતા કીટનું વિમોચન કરવામાં આવ્યું હતું તથા ગર્ભવિજ્ઞાન અને ગર્ભ સંસ્કારની ટ્રેનિંગ લીધેલા ડોક્ટર્સને રાજ્યપાલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મેયર મોનિકા વ્યાસ, આઈટીઆરએ નિયામક પ્રોફેસર તનુજા નેસારી, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ટી.એસ.જોષી, ગૌ વિશ્વ વિદ્યાપીઠના કુલપતિ ડો.હિતેશ જાની, આયુર્વેદ વ્યાસપીઠના રાષ્ટ્રીય અધ્યક્ષ વૈદ્ય મલ્હાર જોશી, આયુર્વેદ યુનિવર્સિટીના વૈદ્યો તથા આયુર્વેદ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh