Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠેર-ઠેર મેગા કેમ્પઃ તમામ સ્થળે મહાનુભાવો-સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિતઃ
જામનગર તા. ૧૩: જામનગરમાં ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના જન્મદિને રકતદાનનો ઐતિહાસિક વિક્રમ સર્જયો હતો અને એક જ દિવસમાં ૯૬૬ બોટલ રકત એકત્રિત કરાયું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને સદ્જયોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૨ સ્થળોએ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. મહિલાઓ અને યુવાનોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૃં પાડયું હતું. તેમજ માનવતાની મહેક ફેલાવી નવો રેકોર્ડ સર્જયો હતો.
પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશભાઈ પટેલના જન્મદિવસની અનોખી અને સેવાકીય ઉજવણીના ભાગરૂપે જામનગરમાં એક ભવ્ય 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ અને સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ રક્તદાન મહાયજ્ઞમાં રક્તદાતાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારના ૯ વાગ્યાથી લઈને સાંજ સુધીમાં જામનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો મળીને કુલ ૨૨ જેટલા વિવિધ સ્થળોએ આ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહાન સેવાકાર્યમાં રક્તદાતાઓએ જાણે રક્તની નદીઓ વહાવી હોય તેમ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરિણામ સ્વરૂપ, માત્ર એક જ દિવસમાં વિક્રમજનક ૯૬૬ બોટલ રક્ત એકત્રિત કરીને શહેરના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. મેડિકલ ઇમરજન્સીમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનરક્ષક સમાન આ વિશાળ માત્રામાં રક્ત એકત્રિત થવા પાછળ આયોજકો અને રક્તદાતાઓ મા ખોડલની અસીમ કૃપા વરસી હોવાનો ભાવ વ્યક્ત કરી રહૃાા છે.
આ મેગા કેમ્પને વ્યાપક અને સફળ બનાવવા માટે જામનગરના વિવિધ વિસ્તારોમાં સુવ્યવસ્થિત કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે રણજીત સાગર રોડ સ્થિત શ્રી ખોડલધામ સમિતિના જિલ્લા કાર્યાલય (શ્રીજી કોમ્પલેક્ષ), રણજીતનગરના શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ, નારાયણ નગર-૧ ના શ્રી નારાયણ કચરા ગલાણી લેઉવા પટેલ સમાજ અને ખોડલ ગ્રીનના શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ (સમાજ વાડી) માં સવારે ૯ થી ૧ વાગ્યા સુધી રક્તદાન શિબિર યોજાઈ હતી. આ ઉપરાંત, જી.આઈ.ડી.સી. ફેસ-૨,૩ એસોસિએશન ઓફિસ (કૌશલ ભવન)માં પણ સવારે શિબિર યોજાઈ હતી, જ્યારે વિભાપર આરોગ્ય કેન્દ્રમાં સાંજે ૬ થી ૯ દરમિયાન કેમ્પ કાર્યરત રહૃાો હતો.
વિશેષ નોંધનીય અને ગર્વ લેવા જેવી બાબત એ રહી કે, મહિલાઓએ પણ આ રક્તદાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના માટે સરદાર પાર્ક કોમન પ્લોટ (કુદરત બંગલાની સામે) અને ઓશવાળ કોલોનીના શ્રીજી હોલમાં ખાસ મહિલાઓ માટે જ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. સમાજના દરેક વર્ગના લોકો, મહિલાઓ અને યુવાનોના આ સહિયારા પ્રયાસથી નરેશભાઈ પટેલનો જન્મદિવસ ખરા અર્થમાં સમાજસેવાના એક યાદગાર પર્વ તરીકે ઉજવાયો હતો.
આ રક્તદાન શિબિરોનું આયોજન માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાજ્ય બહારના વિસ્તારો સહિત દેશભરમાં ૭૦થી વધુ સ્થળોએ કરવામાં આવ્યું હતું. નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ અને કુદરતી આપત્તિઓમાં સહાય જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આ મેગા કેમ્પ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થશે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રક્તદાન પ્રવૃત્તિને વેગ આપવા વ્યાપક આયોજન કરાયું હતું. વિભાપર, ઠેબા, નંદપુર, મોડપર, સુમરા, હરીપર, ભાદરા, મજોઠ, લતીપુર, ધ્રોલ, નિકાવા, મોટા વડાળા, ખરેડી, પાતા મેઘપર અને પીપરટોડા સહિતના ગામોમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ મહા રક્તદાન કેમ્પને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જિલ્લા કન્વીનર, મહિલા સમિતિના સભ્યો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહૃાા હતા. તેમણે રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial