Advertisement
Author: નોબત સમાચાર

બેંગકોકની ૫બમાં ભીષણ આગઃ ૨૭ ભડથુઃ ૬૩ ઘાયલઃ ૨૨ ગંભીર

ગીત-સંગીત-ડાન્સના મસ્ત માહોલ વચ્ચે ગમખ્વાર ઘટના સર્જાતા અરેરાટીઃ મૃતાંક વધી શકે

                                                                                                                                                                                                      

બેંગકોક તા. ૧૩: થાઈલેન્ડના બેંગકોકની પબમાં આગ લાગતા ૨૭ જીવતા સળગી મર્યા હોવાના અહેવાલોથી અરેરાટી પ્રસરી છે. ડાન્સ-ગીત વચ્ચે મોતનું તાંડવ થયુ અને ખૂશી માતામમાં ફેરવાઈ ગઈ હતી. તે ઉપરાંત ૬૩ લોકો ઘાયલ થયા છે, અને ઘણાં ગંભીર સ્થિતિમાં છે.

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં નાચગાન વચ્ચે એક પબમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે  ક્ષણિકમાં શોક ફેરવાઈ ગયો હતો. રોંગ બીયર ના લાત ફ્રાઓ પબમાં મધ્યરાત્રિએ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા ૨૭ લોકો માર્યા ગયા હતા. લોકો પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરતા બાથરૂમમાં ફસાયા હતા. જયારે ૬૩ લોકો ઘાયલ થયા છે.

બેંગકોકના ગવર્નરે જણાવ્યું હતું કે ઘાયલ થયેલા ૬૩ લોકોમાંથી ૨૨ લોકોની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડી જ ક્ષણોમાં સમગ્ર ઇમારત આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

થાઈલેન્ડના વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે ઘટનાસ્થળની મુલાકાત લઈને મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨૭ લોકોના મોત થયા છે અને અનેક ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પબના મુખ્ય પ્રવેશદ્વારમાંથી આગની જ્વાળાઓ બહાર નીકળતી જોવા મળી હતી, જ્યારે અંદર હાજર લોકો જીવ બચાવવા માટે બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. અચાનક લાગેલી આગના કારણે અનેક લોકો ગભરાઈ ગયા હતા અને સુરક્ષિત સ્થળ શોધવા માટે દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં બચાવ ટીમોએ એક વ્યક્તિને ગંભીર રીતે દાઝેલી હાલતમાં બહાર કાઢ્યો હતો, પરંતુ ત્યારબાદ જાણવા મળ્યું કે અનેક લોકો હજુ પણ ઇમારતની અંદર ફસાયેલા હતા. અહેવાલો મુજબ આગથી બચવા માટે ઘણાં લોકો પબના શૌચાલયમાં છુપાઈ ગયા હતા.

જોકે, ધુમાડો અને આગ ઝડપથી ફેલાતા તેઓ બહાર આવી શક્યા નહોતા. મૃતકોમાં મોટાભાગના લોકોના મૃતદેહ શૌચાલયની અંદરથી મળી આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે

પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ફાયર વિભાગની અનેક ટીમોએ લગભગ ૩૦ મિનિટ સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ ઓલવાયા બાદ જાહેર કરાયેલા ફોટોગ્રાફસમાં પબનો આંતરિક ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હોવાનું જોવા મળ્યું હતું. અંદર રાખમાં ફેરવાયેલા ટેબલ, ખુરશીઓ અને અન્ય સામાન વચ્ચે બચાવ ટીમોએ લાંબા સમય સુધી શોધખોળ ચલાવી હતી જેથી કોઈ વ્યક્તિ અંદર ફસાયેલો ન રહે.

અહેવાલો મુજબ પોલીસ અને ફોરેન્સિક ટીમો આગ લાગવાના કારણોની તપાસ કરી રહી છે. અધિકારીઓ એ જાણવા પ્રયાસ કરી રહૃાા છે કે આગ આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ અને પબમાં અગ્નિ સલામતીના પૂરતા સાધનો અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.

આ ઘટનાએ થાઇલેન્ડમાં મનોરંજન સ્થળોની અગ્નિ સલામતી વ્યવસ્થા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. કારણ કે, થાઇલેન્ડમાં અગાઉ પણ આવી અનેક દુર્ઘટનાઓ બની ચૂકી છે. વર્ષ ૨૦૨૨માં પૂર્વી થાઇલેન્ડમાં આવેલા એક મ્યુઝિક પબમાં લાગેલી આગમાં ૧૪ લોકોના મોત થયા હતા. જ્યારે વર્ષ ૨૦૦૯માં બેંગકોકના સાંતિકા નાઈટક્લબમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ઇન્ડોર ફટાકડાના કારણે લાગેલી ભીષણ આગમાં ૬૬ લોકોના મોત થયા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. બેંગકોકની આ નવી દુર્ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ અગ્નિ સલામતીના કડક નિયમોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh