Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ખોડલધામ મહિલા સમિતિનું પ્રેરક કાર્યઃ
છેલ્લા એક દાયકાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. અને તેનો મૃત્યુઆંક સૌથી ઉંચો છે એટલેકે મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર સૌથી વધુ જીવલેણ સાબિત થઇ રહ્યું છે. એનું એક મોટું કારણ છે કે સમયસર નિદાનનાં અભાવે મોડી સારવાર શરૃ થવી જેને કારણે ત્રીજા - ચોથા સ્ટેજમાં પહોંચી ગયેલા કેન્સરને પરાસ્ત કરી શકાતું નથી. મહિલાઓમાં આ મુદ્દે જાગૃતિ આવે અને ૩૫ થી વધુ વયનાં બહેનો બ્રેસ્ટ કેન્સરનાં નિદાન માટે સમયાંતરે મેમોગ્રાફી ટેસ્ટ કરાવે એ જરૃરી છે.
જામનગરનાં જી.જી. હોસ્પિટલમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રેડિયોલોજીસ્ટ ડો.શિલ્પાબેન ચુડાસમા મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ આવે એ માટે સતત પ્રયાસરત રહે છે. તેઓ સ્વયં પણ આ રોગને પરાસ્ત કરી પોતાનો અનુભવ સમાજને માર્ગદર્શક બને એ માટે કાર્ય કરી રહ્યા છે. દરમ્યાન તેમનો સંપર્ક ખોડલધામ મહિલા સમિતિ જામનગરનાં આગેવાન તથા ગુજરાત કન્વીનર આશાબેન પટેલ સાથે થાય છે અને પાટીદાર સમાજનાં બહેનોનાં મેમોગ્રાફી ટેસ્ટ કરાવવાનું અભિયાન આરંભ થાય છે.
આશાબેનનાં જણાવ્યાનુસાર સમાજનાં એક ધર્મકાર્ય દરમ્યાન આ વિચાર આવ્યો હતો જે પછી ડો.શિલ્પાબેનનાં સહયોગથી અભિયાન આરંભ કરવામાં આવ્યું.
આશાબેન પટેલ સાથે સમિતિનાં પુષ્પાબેન મુંગરા, અનસૂયાબેન સંઘાણી,મમતાબેન અમીપરા, લલિતાબેન ગઢીયા, વિલાસબેન સાવલીયા, વર્ષાબેન નારીયા, નીતાબેન તાળા વગેરે મહિલાઓએ ટીમ બનાવી સમાજનાં બહેનોને બ્રેસ્ટ કેન્સરનાં જોખમ અંગે જાગૃત કરી મેમોગ્રાફી ટેસ્ટ કરાવવા માટે પ્રેરીત કર્યા અને તેમને સહાયરૃપ થયા.
બ્રેસ્ટ કેન્સરનાં નિદાન માટે મેમોગ્રાફી તથા સોનોગ્રાફી કરવામાં આવે છે જેને સોનો મેમોગ્રાફી કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે એમ.પી.શાહ મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વિદેશમાં સ્થાયી થઇ તબીબી સેવાઓ આપતા ડોક્ટરોએ જી.જી.હોસ્પિટલનાં રેડિયોલોજી વિભાગને મેમોગ્રાફી માટેનું રૃ. ૮૦ લાખ કિંમતનું અત્યાધુનિક મશીન દાન આપ્યું છે. જેનો સદુપયોગ કરી અહીં નજીવા દરે મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં આવે છે.
ખાનગી હોસ્પિટલમાં મેમોગ્રાફી ટેસ્ટ કરાવવા લઘુતમ ૩ હજાર જેટલો ખર્ચ થાય છે જ્યારે જી.જી. હોસ્પિટલમાં સરકાર માન્ય દરે માત્ર ૩૦૦ રૃપિયામાં આ ટેસ્ટ કરી આપવામાં આવે છે.
આશાબેનનાં જણાવ્યાનુસાર તેમની ટીમનાં પુષ્પાબેન મુંગરા તથા અન્ય બહેનોએ પરીશ્રમ કરી જે બહેનો ટેસ્ટ કરાવવા સહમત થાય તેમને જી.જી. હોસ્પિટલ લઇ આવવાનું અને ટેસ્ટ કરાવવાનું બીડું ઝડપ્યું હતું. એટલેકે એક મોટા બહેનની જેમ બહેનોને હિંમત અને માર્ગદર્શન પૂરૃ પાડ્યું. નિયમિત સવારે ૧૫-૨૦ બહેનો તથા સાંજે ૧૦-૧૫ બહેનોનાં ટેસ્ટ થયા. અત્યાર સુધીમાં જામનગર શહેર તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પાટીદાર સમાજનાં કુલ ૧૫૦૦ બહેનોનાં ટેસ્ટ થઇ ચૂક્યા છે. જે પૈકી ૨-૩ બહેનોને કેન્સરનું નિદાન સ્ટેજ - ૧ માં જ થઇ જતા સમયસર સારવાર આરંભ થઇ જતા નાની સર્જરીથી જ બહેનો સ્વસ્થ થઇ ગયા.
આશાબેને હજુ પણ આ અભિયાન અવિરત ચાલુ રાખવાનો અને અન્ય શહેરોમાં પણ સ્થાનિક સમિતિઓ દ્વારા આ અંગે કાર્ય હાથ ધરવાનો સંકલ્પ કર્યો છે. આ અભિયાનમાં માર્ગદર્શક બનનાર ડો. શિલ્પાબેન ચુડાસમાનો સમિતિનાં બહેનો ઋણ સ્વીકાર કરે છે.
ડો. શિલ્પાબેન ચુડાસમાનાં મતે ૩૫ વર્ષની વય પછી દર વર્ષે બહેનોએ મેમોગ્રાફી કરાવવી જોઇએ. પ્રારંભિક તબક્કામાં જ કેન્સરની સારવાર કરી દેવામાં આવે તો જીવનું જોખમ ટળી જાય છે. બ્રેસ્ટ કેન્સરમાં દુઃખાવો નથી થતો એટલે મહિલાઓ તપાસ નથી કરાવતી પરિણામે કેન્સર ઘાતક તબક્કામાં પહોંચી જાય ત્યાં સુધી નિદાન થતું નથી અને પછી મોડેથી શરૃ થયેલ સારવાર પૂરતી કારગત નીવડતી નથી એટલે જ બ્રેસ્ટ કેન્સરનો મૃત્યુ દર ઉંચો છે. એટલા માટે સમયાંતરે ટેસ્ટ કરાવવાની સાવધાની જ શ્રેષ્ઠ ઉપાય છે.
આ મુદ્દે સમગ્ર સમાજે જાગૃત થવાની જરૃર છે. જી.જી.હોસ્પિટલ (૦૨૮૮-૨૫૫૪૧૯૩)નો ટેલિફોનિક સંપર્ક સાધી એપોઇન્ટમેન્ટ લઇ સરળતાથી નજીવા ખર્ચે મેમોગ્રાફી કરાવી શકાય છે. સંકોચ રાખ્યા વગર મહિલાઓએ પોતાનાં સ્વાસ્થ્યની સુરક્ષા માટે સજાગ થવું જોઇએ.અને વિવિધ મહિલા આગેવાનો તથા વિવિધ સમાજનાં લોકોએ પણ આ મુદ્દે અભિયાન હાથ ધરવા જોઈએ એ માટે ખોડલધામ મહિલા સમિતિ દ્વારા પ્રેરક ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial