Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની એસવીએમ સ્કૂલમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો-વિદ્યાર્થીઓનું સન્માનઃ પુરસ્કાર એનાયત

શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં

જામનગર તા. ૬ઃ જામનગરની એસ.વી.એમ. સ્કૂલમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં જામનગર જિલ્લા કક્ષાના બે અને તાલુકા કક્ષાના ત્રણ શિક્ષકોને રૃપિયા ૧પ,૦૦૦ ની રકમનો ચેક અને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતાં, તે ઉપરાંત જ્ઞાન સેતુ અને સેવા સાધનાના છ વિદ્યાર્થીઓને સન્માન પત્રકો એનાયત કરાયા હતાં.

આપણા દેશમાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણીના ભાગરૃપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ ર૦ર૩ શ્રી એસ.વી.એમ. સ્કૂલ લીમડાલાઈનમાં યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારીએ શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આપણા જીવનમાં શિક્ષકનું ખૂબજ મહત્ત્વ રહેલું છે. શિક્ષકો ન માત્ર વિદ્યાર્થીઓને પરંતુ સમગ્ર સમાજને ઉપયોગી થાય છે. વિદ્યાર્થીઓને સફળ બનાવવા પાછળ એક શ્રેષ્ઠ શિક્ષક દિવસ-રાત પરસેવો રેલી બાળકોને જ્ઞાન આપી જીવન સુધારે છે, જ્યારે બાળક સફળતા મેળવે ત્યારે સૌથી વધુ ખુશ તેના શિક્ષકો થાય છે. શિક્ષક વિનાના સમાજની કદાચ કલ્પના જ ન કરી શકાય. સમુદ્રના ઊંડાણમાં ઉતરવાથી કદાચ ડૂબી જવાય છે, પરંતુ શિક્ષકના ઊંડાણમાં ઉતરવાથી જીવન તરી જાય છે. રાજ્ય કક્ષાનો એવોર્ડ મેળવનાર શિક્ષકો પૈકી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શિક્ષક મમતાબેન જોષીનો પણ તેમાં સમાવેશ થાય છે. જે આપણા સૌ માટે ગર્વની બાબત કહેવાય. જામનગર જિલ્લા અને તાલુકાના જે શિક્ષકોએ શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મેળવ્યો છે તે અન્ય શિક્ષકો માટે પ્રેરણારૃપ છે.

આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કક્ષાના બે શિક્ષકો જેમાં કાલાવડ તાલુકાની શ્રી બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલયના માધ્યમિક આચાર્ય અમીપરા પાર્વતીબેન નાનજીભાઈ તથા જામનગર તાલુકાની શ્રી કાંકરિયા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક કટેશિયા ભગવાનજીભાઈ દેવજીભાઈનું તેમજ તાલુકા કક્ષાના ત્રણ શ્રેષ્ઠ શિક્ષકો જેમાં જામજોધપુર તાલુકા શાળાના મોકરિયા યોગેશકુમાર ભાણજીભાઈ, જામનગર તાલુકાની નાની ખાવડી પ્રાથમિક શાળાના શિક્ષક કરંગિયા ધર્મેશકુમાર મેરૃભાઈ તથા શ્રી કનસુમરા કન્યા શાળાના શિક્ષક ભેંસદડિયા સીમાબેન પોપટલાલને સન્માનિત કરી પ્રત્યેકને રૃા. ૧પ,૦૦૦ ની રકમનો ચેક તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. ત્યારપછી જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધનાના છ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમની શરૃઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સર્વે મહેમાનોને આવકારવા માટે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું પોષણ માસ અંતર્ગત કઠોળની કીટ આપીને અનેરૃ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, કલેક્ટર બી.એ. શાહ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજા, નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરિયા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, મહેશભાઈ મુંગરા, કનુભાઈ મકવાણા, આર્શભઈ મહેતા તેમજ શારદા મંદિર શાળાના પ્રિન્સિપાલ, આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓ, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પી.એન. પાલાભાઈએ આભાર વિધિ વ્યક્ત કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh