Advertisement
Author: નોબત સમાચાર

પ્રયાગરાજના મહાકુંભમાં ભાગદોડ થતા ૨૦થી વધુ શ્રદ્ધાળુઓના મૃત્યુઃ ૫૦થી વધુ ઘાયલ

મૌની અમાવસ્યા પૂર્વે મધરાત્રે કરૃણ દુર્ઘટનાઃ અફવાઓ ફેલાતા અફરાતફરીઃ સંગમઘાટ તરફ ધસારો વધતા કરૃણાંતિકાઃ તંત્રો ટૂંકા પડ્યાઃ ચીસાચીસ મચી ગઈ

પ્રયાગરાજ તા. ર૯: આજે મહાકુંભમાં મૌની અમાવસ્યાનું અમૃતસ્નાન છે તે પૂર્વે મધરાત્રે અફવાને કારણે ભાગદોડ મચી હતી, અને ચીસાચીસ સાથે કેટલાય કચડાયા હતાં. કેટલીક મહિલાઓ નાસભાગમાં જમીન ઉપર પડી ગઈ હતી. લોકો તેમને કચડીને ભાગ્યા હતાં. પ૦ થી વધુને ઈજા થતા હોસ્પિટલમાં છે, જ્યારે ર૦ થી વધુ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે.

મહાકુંભમાં મૌની અમાવસ્યા પર સ્નાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી ગઈ હતી. રાત્રે લગભગ ૧-૩૦ વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે જ્યારે મૌની અમાવસ્યા પર સ્નાન કરવા માટે અચાનક ભીડ વધવા લાગી હતી. લોકો મુખ્ય સંગમ પર જ સ્નાન કરવાનો આગ્રહ રાખવા લાગ્યા હતાં. અચાનક વધતી ભીડના દબાણને કારણે મેળામાં નાસભાગ મચી ગઈ હતી. ચારે બાજુ ચીસો પડી રહી હતી. આમાં ર૦ થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. પ૦ થી વધુ ઘાયલ થયા છે.

હોસ્પિટલમાં ર૦ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે, જો કે વહીવટી તંત્રે મૃત્યુ કે ઘાયલોની સંખ્યા અંગે કોઈ માહિતી આપી ન હતી.

પ્રત્યક્ષદર્શી દ્વારા મીડિયાના જણાવ્યા મુજબ જણાવ્યું હતું કે રાત્રે ૧ વાગ્યાની આસપાસ સંગમની આસપાસ અચાનક ભીડ વધી ગઈ હતી. મહાકુંભમાં સ્નાન માટે ૪પ ઘાટ બનવવામાં આવ્યા છે, પરંતુ લોકો મુખ્ય સંગમ પર જ સ્નાન કરવાનો આગ્રહ રાખવા લાગ્યા. જેના કારણે ભીડ એકબીજાને ધક્કો મારતા આગળ વધવા લાગી. જેના કારણે ભીડને કાબૂમાં લેવા માટે મૂકવામાં આવેલા બેરિકેડ તૂટવા લાગ્યા. થોડી વારમાં જ કેટલીક સ્ત્રીઓનો શ્વાસ રૃંધાવા લાગ્યો અને તેઓ નીચે પડવા લાગી. જેના કારણે નાસભાગ વધુ વધી ગઈ અને લોકો બૂમો પાડવા લાગ્યા. તે દૃશ્ય ખૂબ જ ડરામણું હતું. બાદમાં કોઈક રીતે વહીવટી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ. જેમણે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ઘાયલોને ડઝનબંધ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. અકસ્માત સ્થળ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. જ્યાં ભક્તોના ચપ્પલ અને સામાન વેરવિખેર પડ્યા હતાં.

પ્રયાગરાજથી મળતી માહિતી અનુસાર ભાગદોડ પછી વહીવટી તંત્રે મહાકુંભની વ્યવસ્થામાં ફેરફાર કર્યા હતાં. મહાકુંભમાં ભીડ ડાયવર્ઝન યોજના લાગુ કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભીડને શહેરની બહાર રોકી દેવામાં આવી હતી.

વહીવટી તંત્રની વિનંતી પર બધા ૧૩ અખાડાઓએ આજે મૌની અમાવસ્યાના અમૃતસ્નાનને હંગામી ધોરણે અટકાવી દીધું હતું. આ પછી અખાડાઓએ એક બેઠક યોજી એવું નક્કી કર્યું કે અમૃતસ્નાન છ વાગ્યા પછી કરવામાં આવશે.

પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ યોગી સાથે ઘટના વિશે પૂછપરછ કરી. હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભનું નિરીક્ષણ કરી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરો પર હાજર મીડિયાના જણાવ્યા અનુસાર અફવાને કારણે સંગમ ઘાટ પર નાસભાગ મચી ગઈ હતી. કેટલીક સ્ત્રીઓ જમીન પર પડી ગઈ અને લોકો તેમને કચડીને પસાર થઈ ગયા. અક્સ્માત પછી ૭૦ થી વધુ એમ્બ્યુલન્સ સંગમ કિનારા પર પહોંચી ગઈ અને ઘાયલો અને મૃતદેહોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં.

અહેવાલો મુજબ અકસ્માત પછી એનએસજી કમાન્ડોએ સંગમ કાંઠે ચાર્જ સંભાળ્યો. સંગમ નાકા વિસ્તારમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભીડ વધુ ન વધે તે માટે ભક્તોને પ્રયાગરાજ શહેરમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ માટે શહેરની સીમાને અડીને આવેલા જિલ્લાઓમાં વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

આજે મહાકુંભમાં મૌની અમાસ સ્નાન છે. જેના કારણે શહેરમાં લગભગ પ કરોડ ભક્તો હાજર રહે તેવો બંદોબસ્ત છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર આજે મોડી રાત સુધી સંગમ સહિત ૪૪ ઘાટ પર ૮ થી ૧૦ કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબી લગાવે તેવું અનુમાન છે. આના એક દિવસ પહેલા એટલે કે મંગળવારે પ.પ કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. સમગ્ર શહેરમાં સુરક્ષા માટે ૬૦ હજારથી વધુ જવાનો તૈનાત છે.

પ્રયાગરાજમાં નાસભાગ પછી એમ્બ્યુલન્સમાં લાગી આગ

પ્રયાગરાજ મહાકુંભ વિસ્તારમાં આજે સવારે (ર૯ જાન્યુઆરી) એક મોટી ઘટના બની હતી, જ્યારે મહાકુંભ વિસ્તારમાં એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે એમ્બ્યુલન્સ ઘાયલ ભક્તને હોસ્પિટલ લઈ જઈ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે એમ્બ્યુલન્સના એન્જિનમાંથી અચાનક ધૂમાડો નીકળવા લાગ્યો અને તે પછી આગએ આખી એમ્બ્યુલન્સને લપેટમાં લઈ લીધી. આગ લાગ્યા પછી આસપાસના લોકો તાત્કાલિક સક્રિય થઈ ગયા હતાં અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. એમ્બ્યુલન્સમાં આગ જોતા આસપાસના લોકોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કરીને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે આગ પર ઘણાં અંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જો કે આગ વધુ ફેલાય તે પહેલા ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. રાહતની વાત એ છે કે એમ્બ્યુલન્સમાં સવાર કોઈને પણ ગંભીર ઈજા થઈ નથી અને બધા સુરક્ષિત છે.

ઘટનાની માહિતી મળતા જ મહાકુંભ વિસ્તારમાં તૈનાત વહીવટી અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે એમ્બ્યુલન્સની પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તેની તપાસ કરવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સને નુક્સાન થયું છે, પરંતુ આ ઘટનામાં કોઈ વ્યક્તિને કોઈ ગંભીર ઈજા કે નુક્સાન થયું નથી.

અહીંના કોઈપણ ઘાટ પર સ્નાન થઈ શકેઃ સંતો

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. મૌની અમાવસ્યાના દિવસે કરોડો લોકો સંગમમાં સ્નાન કરવા માટે અહીં પહોંચ્યા છે. જેના કારણે મહાકુંભમાં ભાગદોડ પછી જગદ્ગુરુ સ્વામી રામભદ્રાયાચાર્ય સહિતના સંતોએ મહાકુંભમાં આવેલા ભક્તોને ખાસ અપીલ કરી છે. ફક્ત સંગમમાં સ્નાન કરવાનો આગ્રહ છોડી દો. જગદ્ગુરુ સ્વામી રામભદ્રાચાર્યજીએ કહ્યું, 'હું બધા ભક્તોને અપીલ કરૃ છું કે આજે પ્રયાગરાજમાં ભારે ભીડ હોવાથી તેઓએ ફક્ત સંગમ ઘાટ પર પવિત્ર ડૂબકી લગાવવાનો આગ્રહ ન રાખવો જોઈએ, અને જે નજીક હોય તે ઘાટ પર સ્નાન કરવું જોઈએ. સંતોના જણાવ્ય મુજબ અહીંના કોઈપણ ઘાટ પર સ્નાન કરી શકાય અને સંગમ સ્નાનનું પુણ્ય મેળવી શકાય છે.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh