Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છાસવારે થતી દબાણ હટાવની કાર્યવાહી કાયમ માટે હાસ્યાસ્પદ અને ટીકાપાત્ર ફારસ જ બની રહી છે
જામનગર તા. ર૯: જામનગર શહેરમાં રેંકડી-પાથરણાવાળાઓના ત્રાસને દૂર કરવામાં મહાનગરપાલિકાનું તંત્ર તેમજ પોલીસ વિભાગ સદંત અને કાયમ માટે નિષ્ફળ પૂરવાર થયા છે. રેંકડીવાળા-પાથરણાવાળાઓ બિન્દાસ્ત રસ્તા વચ્ચોવચ્ચ પિતાશ્રીની જગ્યા હોય તેમ દબાણો કરી સમગ્ર નગરજનોને રીતસર બાનમાં રાખી રહ્યા છે.
થોડા દિવસો પહેલા જ જામનગરમાં સૌથી ગંભીર સમસ્યા જ્યાં છે અને સવારથી રાત સુધી સતત અતિ વ્યસ્ત રહેતા દરબારગઢ, બર્ધનચોક, માંડવી ટાવર વિસ્તારમાં મહાનગરપાલિકા તંત્ર અને પોલીસ વિભાગે સતત બે-ત્રણ દિવસ રેંકડી-૫ાથરણાવાળાને દૂર કરવા કામગીરી કરી... ફોટા છપાયા, એસ્ટેટ વિભાગના અધિકારીઓની બહાદુરીની પ્રશંસા થઈ...અરે... ખુદ એસ.પી. અને મ્યુ. કમિશનર સ્ટાફના કાફલા સાથે આ વિસ્તારમાં ઘૂમ્યા...
આ વિસ્તારમાં ટ્રાફિક જામ, અસામાજિક તત્ત્વોના અડીંગા, નાની-મોટી બબાલ, આ વિસ્તારના દુકાનધારકોના ધંધાને વિપરીત અસર, પાર્કિંગની સમસ્યા વગેરેમાં કાયમ માટે રાહત મળશે તેવી આશા નગરજનોમાં જાગી હતી.
પણ... નગરજનોના મનમાં આશંકા હતી કે આવી કામગીરી હરહંમેશની માફક નાટક જ પૂરવાર થશે, અને આ આશંકા સાચી ઠરી છે... આ વિસ્તાર આખો ફરીથી રેંકડી-પાથરણાવાળાઓથી ઉભરાય ગયો છે.
પોલીસ વિભાગ કે મ્યુનિ. તંત્ર શા માટે કડક કાયદેસરની કાર્યવાહી કરતા નથી? શા માટે ત્યાં દરરોજ સવારથી સાંજ સુધી પોલીસ ફોર્સને સાથે રાખીને દબાણો થાય જ નહીં, તેવી બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવતી નથી?
આ વિસ્તારના દબાણકર્તાઓ કાં તો માથાભારે છે, કાં તો સંબંધિત વિભાગના અધિકારીચારીઓને મોટી રકમના દૈનિક હપ્તા ચૂકવાય છે અન્યથા આવી હિંમત શક્ય જ નથી.
આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ આવા ગણ્યાગાંઠ્યા દબાણકર્તાઓ જે સમગ્ર નગરજનો માટે કાયમ માટે ત્રાસરૃપ બની રહ્યા છે. તેમના તરફ શંકાસ્પદ કુણું વલણ દર્શાવી રહ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની મોટા જનસમુદાયના હિતને ધ્યાને લેવાના બદલે દબાણકર્તાઓને પંપાળવાની નીતિ-રીતિ પ્રત્યે પણ સમગ્ર શહેરમાં ભારે રોષની લાગણી ફેલાયેલી રહે છે.
દરબારગઢ, શાકમાર્કેટ વિસ્તાર, બર્ધનચોક, માંડવી ટાવર તો દબાણકર્તાઓએ જાણે કબજે કરી લીધા હોય તેવી સ્થિતિ છે, તો આવી જ ગંભીર સ્થિત ટ્રાફિકથી અતિવ્યસ્ત એવા રણજીત રોડની છે. ત્રણબત્તીથી બેડીગેઈટ, બેડીગેઈટથી દિપક ટોકીઝ સુધીના માર્ગ પર રેંકડીઓવાળા 'બાપુજી' બનીને ધરાર વચ્ચોવચ્ચ જ ઊભા રહે છે. રાજગોર ફળી તરફ જવાના ખૂણા પાસે થોડી ખુલ્લી જગ્યામાં અક્કલનું પ્રદર્શન કરાતું હોય તેમ ત્યાં વળી બે-ત્રણ બાંકડા મૂકાયા છે, પણ આ ખાલી જગ્યામાં ભેજાબાજ દબાણકર્તાએ ધંધો ચાલુ કરી દીધો છે, તો તેની પાસેનો ફરસાણવાળા તો ફૂટપાથ અને અડધો રસ્તો રોકીને ધંધો કરે છે. પરિણામે આ માર્ગ ઉપર સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી અને સાંજે પ થી રાત્રે ૮ વાગ્યા સુધી અવારનવાર ટ્રાફિક જામ થાય છે.
બેડીગેઈટ વિસ્તારમાં સુપર માર્કેટની સામે ગોલાઈમાં આવેલ ચાવાળાએ તો આખી ફૂટપાથ તો રોકી જ લીધી છે, ત્યાં ત્રણ-ચાર પાણીના બેરલો, ફૂટપાથ ઉપર જ ચા બનાવવાનો તાવડો ખડકી દીધો છે. અહીં ચા-પીવાવાળા તેમના વાહનો, રિક્ષાવાળા ગોલાઈ પર જ વાહનો રાખીને ટ્રાફિક સમસ્યા સર્જે છે. એટલું જ નહીં, ફૂટપાથ માર્ગ ઉપર ગંદકી ફેલાયેલી રહે છે. શહેરની વચ્ચોવચ્ચ આ રીતની દાદાગીરીભરી હરકતોથી સર્જાતી કાયમી સમસ્યા શું કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કે જવાબદાર અધિકારીને નજરે પડતી નથી?
જામનગરમાં મનપાનો એસ્ટેટ હપ્તાખોરીના દુષ્ણના કારણે બદનામ છે, ટ્રાફિક પોલીસની ટ્રાફિક નિયમનના બદલે માત્ર નિર્ષદો લોકો પાસેથી દંડ વસૂલવાની કામગીરીના કારણે શહેરના ઉપરના વિકૃત દૃષ્ટાંતો ઉપરાંત શહેરના લગભગ તમામ મુખ્ય માર્ગો, ચોક વિસ્તારોમાં રેંકડીવાળાઓ, હોટલ-રેસ્ટોરન્ટવાળાઓના દબાણો ખડકાયેલા રહે છે.
જામનગરના શાંત અને સહનશીલ પ્રજાજનોની દયાજનક હાલતમાં જવાબદાર તંત્રોએ સખત, સતત અને દાખલારૃપ કાર્યવાહી કરવાની જરૃર પણ છે, પણ જે રીતે શહેરમાં રેંકડી-પાથરણાવાળા, હોટલો-રેસ્ટોરન્ટોવાળા દબાણો કરી રહ્યા છે તે જોતા એમ જણાય છે કે તંત્રના શાસન જ આ સ્થીતિ માટે જવાબદાર છે. આવા દબાણકર્તાઓ સામે ઘૂંટણીયે પડી જનાર તંત્રની લાચારી જામનગરના પ્રજાજનો માટે, રોજીંદી જિંદગી માટે, દુકાનદારોના ધંધા-વેપાર માટે પડકારજનક સમસ્યા બની રહી છે. સરકાર દ્વારા બુલડોઝરો ફરી રહ્યા છે અને ગેરકાયદે બાંધકામો-દબાણો દૂર કરી સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે જાહેર માર્ગો શું સરકારી જમીન નથી! શા માટે અહીં કડકમાં કડક, શિક્ષાત્મક, કાર્યવાહી કરવામાં આવતી નથી. કાયમ માટે ટ્રાફિક સમસ્યામાં રાહત થાય, વાહનો પાર્ક કરવામાં સરળતા રહે તેવી વ્યવસ્થા ક્યારે થશે? કોણ હિંમત કરશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial