Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં કલેકટર જી.ટી. પંડયાના હસ્તે પ્રજાસત્તાક પર્વે ધ્વજવંદનઃ આન-બાન-શાન સાથે ઉજવણી

પરેડ, નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, શ્રેષ્ઠ અધિકારી- કર્મચારીઓનું સન્માન, યોગ નિદર્શન, વૃક્ષારોપણ સાથે

ખંભાળિયા તા. ૨૯: ખંભાળિયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ૭૬મા પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી થઈ હતી. જેમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ ધ્વજવંદન કરી પરેડ નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી સમગ્ર વાતાવરણ દેશભકિતના રંગે રંગાયું હતું. કલેકટર સહિતના મહાનુભાવો હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતાં.

પ્રજાસતાક પર્વ નિમિત્તે જિલ્લાવાસીઓને શુભકામના પાઠવતા કલેકટર જી.ટી.પંડ્યાએ કહૃાું હતું કે, આજના પાવન દિવસે દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા નામી અનામી સ્વતંત્ર વીરોનાં ચરણોમા વંદન કરૃં છું. આપણા લોકતાંત્રિક મૂલ્યો અને આદર્શોના પથ પર દેશ અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહૃાું છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ તેમજ ડો. બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરૃષોએ રાષ્ટ્ર નિર્માણમાં યતકિંચિત યોગદાન આપ્યું છે. 

વધુમાં કલેકટરે કહૃાું હતું કે, ૨૬ જાન્યુઆરીના ૧૯૫૦ના આપણું બંધારણ અપનાવવામાં આવ્યું હતું. આપણું બંધારણએ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજની સાથે સાથે પ્રજાસતાક લોકશાહીનું હાર્દ છે. બંધારણ થકી સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સાથે વિચાર, અભિવ્યક્તિ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા પ્રાપ્ત થઈ છે.

કલેકટરે કહૃાું હતું કે, દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થતાં આપણે *આઝાદી કા અમૃત મહોત્સવ* ઉજવણી કરવામાં આવી હતી. જે રાષ્ટ્રની વિકાસ યાત્રાનું પ્રતિબિંબ રજૂ કરે છે. આપણું બંધારણ વિશ્વ બંધુત્વ અને સર્વ કલ્યાણની ભાવના પથ પર રચિત થયું છે. રાષ્ટ્રની આઝાદી માટે પોતાનું મહામુલુ યોગદાન આપનારા વિરો સાથે વિદેશોમાં રહીને પોતાનું મૂલ્યવાન યોગદાન આપનારા ગરવા ક્રાંતિકારીઓ સરદારસિંહ રાણા, મેડમ ભિખાઇજી કામા તથા પંડિત શ્યામજીકૃષ્ણ વર્માને કેમ ભૂલી શકીએ. દેશને આઝાદી અપાવનાર આ મહાપુરુષો સશકત રાષ્ટ્રના નિર્માણ માટે આપણે હંમેશાં પ્રેરિત કરતા રહે છે.

વધુમાં કહૃાું હતું કે, સશકત રાષ્ટ્રના નિર્માણ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણથી વ્યક્તિગત વિકાસ આવશ્યક છે. ત્યારે રાષ્ટ્રની ઉન્નતિના સફરમાં આપણો દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ પોતાનું યોગદાન આપી રહૃાો છે. ભગવાન દ્વારકાધીશની આ પાવન ભૂમિમાં આવેલા નાગેશ્વર જ્યોર્તિલિંગ, સુદર્શન સેતુ, બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ, બરડા જંગલ સફારી, કિલેશ્વર મહાદેવ, હરસિદ્ધિ વન સહિત અનેક આકર્ષક પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહૃાા છે.

તેમણે વધુમાં કહૃાું હતું કે, ગણતંત્ર દિવસને જાહેરરજાના દિવસની નજરે નહિ પરંતુ કર્તવ્ય દિવસ તરીકે સમજી આપણાં સ્વતંત્ર વીરોનાં બલિદાન સ્મરણ કરી પોતાના કર્તવ્ય પથ પર નિરંતર આગળ ધપવાની પ્રેરણા આપે છે. આજના શુભ અવસરે સશસ્ત્ર દળોના જવાનો તેમજ રાષ્ટ્ર પ્રહરીઓના યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરું છું. તેમજ સૌ જિલ્લાવાસીઓને ગણતંત્ર દિવસની અનેકાનેક શુભકામનાઓ પાઠવું છું.

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ પોલીસ પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. તેમજ પોલીસ અધિક્ષક કચેરી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નાયબ વન સંરક્ષકની કચેરી, પ્રોજેકટ આત્મા, આઇ.સી.ડી.એસ તેમજ આરોગ્ય વિભાગની કચેરી દ્વારા વિવિધ થીમ સાથે ટેબ્લો નિદર્શન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન, રાષ્ટ્ર ભક્તિના ગીતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ થકી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી પ્રંસગે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર,નિવાસી અધિક કલેકટર એમ.બી. જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એ.જોશી, નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, સહિત સ્વાતંત્ર સેનાનીઓના પરિવારજનો, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh