Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના સંદર્ભમાં તંત્ર દ્વારા વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કરાયા

હથિયારો જમા કરાવવા, પ્રચાર-પત્રિકાઓ છાપવી, વાહનોની નોંધણી, ચૂંટણી સભાઓ, જાહેરાતો, લાઉડ સ્પીકરની મંજૂરી અંગે આદેશો ફરમાવાયા

જામનગર તા. ૨૯: જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તંત્ર દ્વારા વિવિધ જાહેરનામાઓ દ્વારા પ્રતિબંધાત્મક આદેશો, સૂચનાઓ સાથે માર્ગદર્શન અપાયું છે.

જામજોધપુર નગર પાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા. ૧૬-૨-૨૦૨૫ના યોજાનાર છે. આ તારીખથી જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે.

ચૂંટણીલક્ષી જાહેરાતોની મંજૂરી

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ, જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાના સમગ્ર વિસ્તાર તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીના વિસ્તારમાં ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ સંબંધિત ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે. બીજી કોઈ વ્યકિત અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ સંબંધિત ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે. ઈલેકટ્રોનિક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણીત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે.

ચૂંટણી કામગીરી માટે નિયુકત ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા માટે અધિકૃત કરવામાં આવે છે. તથા કેબલ ટેલીવિઝન વિનિયમન અધિનિયમ-૧૯૯પ તે હેઠળના નિયમો તથા  સુપ્રીમ કોર્ટના અને ભારતના ચૂંટણી પંચના ઉકત આદેશ પરત્વે તપાસણી અને સીઝર સહિતની કામગીરી કરવા સત્તા આપવામાં આવી છે. વધુ માહિતી માટે સંબંધિત ચૂંટણી અધિકારીઓનો સંપર્ક સાધી શકાય છે.

ચૂંટણીના વિસ્તારોમાં પ્રચારની સીડી પહોંચાડવા બાબત

જયાં આચાર સંહિતા લાગુ થઈ છે તે વિસ્તારોમાં સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, રેડિયો, દૂરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે દ્વારા ઈલેકટ્રોનિક પ્રસાર માધ્યમ તરીકે તેઓ તરફથી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના ૦૬:૦૦ કલાકથી બીજા દિવસના સવારના ૦૬:૦૦ કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના ૧૦:૩૦ કલાક સુધીમાં સંબંધિત ચૂંટણી અધિકારીને રૃબરૃ પહોંચાડી, સીડી પહોચાડયા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવી. જરૃરિયાતના પ્રસંગે ર૪ કલાક પુરા થતાં પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજુ કરવી તેમજ આદર્શ આચાર સંહિતાની અમલવારી અર્થે નિયુકત નોડલ અધિકારી તથા સંબંધિત ચૂંટણી અધિકારીએ પણ જરૃરિયાતના કિસ્સામાં તાકીદે કાર્યવાહી કરવી.

સભા-સરઘસ-રેલી વગેરે

ચૂંટણી અનુસંધાને જામનગર જિલ્લાના સંબંધિત મતદાર વિભાગમાં ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થા દ્વારા ચૂંટણી સબંધી સરઘસ, રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના ઉમેદવારીપત્રો ભરવા માટેની અલગ સૂચનાઓ સિવાય ચૂંટણી સંબંધીત કોઈ સરઘસ કે રેલી કે કાફલા કે સમુહમાં કે કોઈ કાર્યક્રમમાં દસ(૧૦) કરતાં વધુ વાહનો રાખી શકાશે નહી કે હંકારી શકાશે નહી. તમામ પ્રકારના સરકારી/અર્ધ સરકારી વાહનોને આ નિયમ લાગુ પડશે નહી.  આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

પરવાનેદાર હથિયારધારકો જોગ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેરના જાહેરનામાં મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીના વિસ્તારના આત્મરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર દિવસ-૭ માં સંબંધીત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવી. પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ આદેશને સુચના ગણી હથિયારો જમા કરાવી દેવા આદેશ કરવામાં આવે છે.

પ્રચાર-સાહિત્યની પ્રસિદ્ધિ

ચૂંટણીઓના પ્રચાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડ બીલ, ઉમેદવારો, રાજકીય પક્ષો તરફથી ઉમેદવારોની ઓળખ તેમજ અન્ય બાબતોએ વિવિધ છાપકામ કરાવી પ્રસિદ્ધ કરવામાં આવે છે. તથા લોકોમાં વહેંચણી કરવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારીત્ર ખંડન જેવી કોઇ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સંબંધીત વ્યક્તિ સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલા લઇ શકાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરે પરના નિયંત્રણની ચુસ્ત અમલવારી કરવા ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ તરફથી આદેશ કરવામાં આવેલ છે.

આ આદેશ મુજબ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવેશ એન ખેર દ્વારા જાહેરનામું  બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં  કોઈપણ વ્યકિત કે સંસ્થા, જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય અને છાપેલ પ્રતની સંખ્યા દર્શાવેલ ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકાશે નહીં અને આવા હોડીંગ્સની સાઇઝ ૧૫ ફૂટ, ૮ ફૂટ તથા કટઆઉટની સાઇઝ ૮ ફૂટથી વધવી જોઇએ નહી.

કોઈપણ વ્યકિત કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહીં. સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીને તથા સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી હોય. આ જોગવાઈ પુરતું હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દના તે પ્રમાણે અર્થ થશે.

છાપેલા ચૂંટણી અંગેના કોઈ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંકિતમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઈલ નંબર દર્શાવવાના રહેશે. મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડણ-ક અને જોડાણ-ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી તથા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે.

છાપકામની કોઇ૫ણ બાબત જે ગેરકાયદે અ૫રાઘ પૂર્વગ્રહ ઉભો કરતા અથવા ઘર્મ, જાતિ, જ્ઞાતિ, સમાજ અથવા ભાષા અથવા સામાવાળાના ચારિત્ર ૫ર જીવલેણ હુમલા જેવી વાંઘાજનક બાબતો હોવી જોઇએ નહિ. આ જાહેરનામુ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તેમજ જામનગર જિલ્લાના ઉક્ત ચૂંટણીના વિસ્તારને લાગુ પડશે. આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

વાહનોનું રજીસ્ટ્રેશન

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા ઉપરોક્ત વિસ્તારો માટે વાહનો સંદર્ભે જાહેરનામુ બહાર પાડેલ છે. જે અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યકિત, સંસ્થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યકિત દ્વારા કોઈપણ ઉમેદવારના કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સંબંધિત મતદાર વિભાગમાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સંબંધિત મતદાર વિભાગના સંબંધિત ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર્ડ કરાવવાના રહેશે. અને રજીસ્ટર્ડ કરાવેલ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમીટમાં વાહન મતદાર વિભાગના કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. તથા વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. સંબંધીત ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહીં. આ નિયંત્રણો યાંત્રિક શકિતથી કે અન્ય કોઈપણ રીતે ચાલતા વાહનોને લાગુ પડશે. આ વાહનોમાં મીની બસ, ટેકસી, ખાનગી કાર, ટ્રક કે ટ્રેલર કે તે વિનાનું ટ્રેકટર, ઓટોરીક્ષા, મોટરસાયકલ વિગેરેનો સમાવેશ થાય છે.આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

જામનગર જિલ્લામાં ચૂંટણીના સમયગાળા સિવાય સરઘસો કાઢવા અને સભાઓ યોજવા અંગે પરવાનગી આપવાના અધિકારો હાલમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને આપવામાં આવેલ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે.પંડ્યા દ્વારા ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં સરઘસ કાઢવા, સભા ભરવા અને લાઉડ સ્પીકર વગાડવા અંગેની પરવાનગી આપવાના અધિકારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકા વિસ્તાર, ૮-જોડીયા-૩, તાલુકા પંચાયત મતદાર મંડળ તેમજ ૧૪-જામવંથલી, તાલુકા પંચાયત મતદાર મંડળ માટે સંબધિત વિસ્તારના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ આપવામાં આવે છે.

જાહેર-ખાનગી મિલકત

પર પ્રચાર-સામગ્રી

જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં સંબંધિત જાહેર મિલકત અને ખાનગી માલીકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્કત ઉપર ચૂંટણીલક્ષી પ્રચારપત્રો ચોડીને, સૂત્રો લખીને, નિશાનો ચીતરીને દીવાલો ન બગાડવા તેમજ કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર પોતાના કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો લખવા અથવા અન્ય કોઈપણ રીતે જાહેર અથવા ખાનગી મિલકત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના કોઈપણ વ્યકિતની જમીન/ મકાન, કમ્પાઉન્ડ, દીવાલ, વાહનો, રોડ-રસ્તા વગેરેનો ઉપયોગ ન કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. જાહેર મકાન કે મિલકતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ જાહેર સાહસોના મકાનો (કમ્પાઉન્ડ વોલ સહિત), વીજળી અને ટેલીફોન થાંભલાઓ, ધોરી માર્ગ, શેરી/ગલી, ચાર રસ્તા, ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઈન બોર્ડ, ધોરી માર્ગ ઉપરના માઈલ સ્ટોન, રેલ્વે ફાટક ઉપર ચેતવણીરૃપ નોટીસ, રેલ્વે પ્લેટફોર્મ, બસ, વાહન, ટર્મિનલના નામના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલ કોઈ અન્ય નોટીસ સાઈન બોર્ડનો સમાવેશ થાય છે.આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

સભા-સરઘસ-રેલીની મંજૂરી

જે અનુસાર ચૂંટણી યોજાનાર ઉપરોક્ત વિસ્તારોમાં તા. ૨૧-૨-ર૦૨૫ સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રિત થવું નહી અથવા કોઈ સભા ભરવી કે કોઈ સરઘસ કાઢી શકશે નહી.   ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને કોઈ લગ્નના વરઘોડાને સરકારી ફરજ પરના અધિકારી/કર્મચારી કે કોઈ સ્મશાનયાત્રાને આ જાહેરનામુ લાગુ પડશે નહી.આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

પ્રતિબંધાત્મક આદેશો

છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચી અથવા નિતીનો ભંગ થતો હોય કે જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા કરવાની અને તે ચિત્રો, તે નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાના કૃત્યો કરવા પર ઉપરોક્ત વિસ્તારમાં આ આદેશની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થાય ત્યા સુધી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ તમામ જાહેરનામાઓ તથા તદ્વિષયક વધુ માહિતી માટે સંબંધિત સત્તાધિકારી કે ચૂંટણી અધિકારીનો સંપર્ક સાધી શકાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh