Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીસીટીવી કેમેરામાં હોલિવૂડ ફિલ્મ જેવા દૃશ્યો દેખાયા!
અમદાવાદ તા. ૧૦ઃ ચાલુ વાહને થયેલી એક કરોડની ચોરીના સીસી ટીવી કૂટેજ સામે આવ્યા છે, જેમાં હોલિવૂડ મૂવીની જેમ તસ્કરો ચાલતી ટ્રકમાં ચડ્યા અને લેપટોપ, મોબાઈલ સહિત ઈમ્પોર્ટેડ વસ્તુઓ સાથે રૃા. ૧.૦૭ કરોડની ઉઠાંતરી કરી ગયા હોવાના દૃશ્યો જોવા મળ્યા છે. પોલીસે આ ગેંગને ઝડપવા કવાયત હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર ચાલુ વાહને ચોરી તથા લૂંટના બનાવો અવારનવાર બનતા હોય છે, ત્યારે ૬ જાન્યુઆરીએ લીંબડી-અમદાવાદ હાઈ-વે પરથી ચાલુ આઈશરમાંથી ચોરીનો બનાવ બન્યો હતો. ચાલુ આઈશરમાંથી રૃા. ૧.૦૭ કરોડના માલસામાનની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતાં, જેના સીસી ટીવી સામે આવ્યા છે. બાઈકમાં આવેલા બે શખ્સ ચોરી કરતા સીસી ટીવી કૂટેજમાં જોવા મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.
બાઈકસવારે લોક અને સીલ તોડી માલ તફડાવતા એલસીબી, એસઓજી સહિત પોલીસની વિવિધ ટીમોએ તસ્કરોની ગેંગને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, હોલિવૂડ મૂવી 'ફાસ્ટ એન્ડ ફોરિયસ'માં જેમ ચોરી થાય છે. આ શખ્સોએ એવી જ રીતે ચોરીને અંજામ આપ્યો હતો.
લીંબડીથી રાજકોટ બાજુ બોડિયા ગામ નજીક બે અજાણ્યા શખ્સ બાઈક પર આવીને ચાલુ આઈશરમાંથી પાછળનું લોક તથા સીલ તોડીને એમાં મૂકેલા પૂંઠાના બોક્સ નંગ ૭૧૯ પૈકી બોક્સની અંદર રહેલા ટાટા સ્કાયનો સામાન રૃપિયા ર૦ હજાર, હેડફોન તથા પાવરબેક રૃપિયા ર૩ હજાર, ઓટોમોબાઈલ, જેમાં પોલીસે અંદાજે લાવેલા રોકડા રૃપિયા પ૦ હજાર, ૯૬ હજાર રૃપિયાના લેપટોપ તેમજ અલગ-અલગ કંપનીના અલગ મોડલના રપ૯ નંગ મોબાઈલ જેની કુલ કિંમત રૃપિયા ૯૧ લાખ ૧૬ હજાર પ૬૩ તથા પ્રિન્ટિંગના રોલ રૃપિયા ર૮ હજાર, ઘડિયાલ રૃપિયા ર લાખ ર૭ હજાર ૩૮પ, ટેબ્લેટ ૧ર લાખ, એમ અલગ અલગ ચીજવસ્તુઓ મળીને કુલ રૃા. ૧ કરોડ ૭ લાખ ૧૭ હજાર ૧૩૩ ના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે બે અજાણ્યા શખ્સ વિરૃદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ચકચારી ચોરીના બનાવ અંગે હાઈ-વેના વિવિધ સીસી ટીવ કૂટેજમાં બે બાઈકસવારો શંકાસ્પદ હાલતમાં આ ગાડીનો પીછો કરી પાછળના દરવાજાનું સીલ તોડી સામાન ચોરતા હોવાનું જણાઈ આવતા પોલીસે સીસી ટીવી કૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૃ કર્યો હોવાનું લીંબડી ડી.વાય.એસ.પી. સી.પી. મુંધવારે જણાવ્યું હતું.