Advertisement
Author: નોબત સમાચાર

કરજ થતાં આત્મહત્યાના પાંચ વર્ષના ચોંકાવનારા આંકડાઃ મહારાષ્ટ્ર મોખરેઃ ગુજરાત સાતમાં સ્થાને

ગુજરાતમાં સવાચારસોથી વધુ લોકોએ આ કારણે કર્યો આપઘાતઃ

અમદાવાદ/જામનગર તા. ૧૦ઃ દેશમાં વ્યાજખોરોની દાદાગીરી અંગે વિશેષ પ્રકારની ચર્ચા શરૃ થઈ ગઈ છે, અને ગુજરાત સરકારે આદરેલી વ્યાજખોરો વિરૃદ્ધની ઝુંબેશને લઈને પણ વિવિધ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે, ત્યારે લોકો પર દેવું વધી જતાં આપઘાત કરવો પડ્યો હોય તેવા છેલ્લા પાંચ વર્ષના આંકડાઓનું રસપ્રદ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

વર્ષ ર૦ર૧ ના આંકડાઓના આધારે થઈ રહેલા વિશ્લેષણો મુજબ દેવું વધી જતાં આત્મહત્યાના કિસ્સા સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧પ૩પ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે ગુજરાત ૧પ૮ સાથે સાતમા સ્થાને છે. દેશમાં ગત્ વર્ષે કરજ વધી જવાથી આત્મહત્યાના કિસ્સાઓ તેલંગાણામાં ૧૩૮પ અને કર્ણાટકમાં ૧ર૭૭ નોંધાયા હતાં. ગયા વર્ષે દેશમાં ૬૩૦૦ થી વધુ લોકોએ દેવાના ખપ્પરમાં જીવ દઈ દીધો હોવાનું બહાર આવ્યું છે.

આ આંકડાઓ સાથે પ્રેસ-મીડિયાના માધ્યમથી વિવિધ તારણો કાઢવામાં આવી રહ્યા છે, તો ગુજરાત સરકારે હાથ ધરેલા વ્યાજખોરો વિરોધી અભિયાન સાથે આ આત્મહત્યાઓના આંકડાઓને સાંકળીને પણ વિવિધ પ્રકારના વિશ્લેષણો થઈ રહ્યા છે.

દેવું વધી જતા આત્મહત્યાના કિસ્સાઓમાં કદાચ વ્યાજખોરોના ત્રાસથી જીવ દઈ દેનારા લોકોના પૂરેપૂરા આંકડાઓનો સમાવેશ થતો નહીં હોય, કારણ કે આ પ્રકારની ફરિયાદો ઘણી જ ઓછી નોંધાતી હોવાનું પણ વિશ્લેષકો જણાવી રહ્યા છે, અને આ સ્થિતિ લોકોમાં વ્યાજખોરો અને દાદાગીરી કરતા લોકોનો વધુ ભય તથા દેશના વિવિધ રાજ્યોમાં પોલીસ તંત્રમાં લોકોની ઓછી વિશ્વસનિયતા તો દર્શાવે જ છે, પરંતુ તેથીયે વધુ ચિંતાજનક બાબત એ છે કે આ પ્રકારના દાદાગીરી કરતા પરિબળોને કાનૂન કે પોલીસતંત્રનો જાણે કે કોઈ ડર જ રહ્યો નથી. આ સ્થિતિ સભ્યસમાજ અને લોકતાંત્રીક વ્યવસ્થાઓ માટે ઘણી જ ઘાતક નીવડી શકે છે.

ગુજરાત સરકારની વ્યાજખોરો વિરૃદ્ધની ઝુંબેશમાં ઉદ્દેશ્યો અને તેના સંદર્ભે સરકારી તંત્રોમાં દાખવેલી સક્રિયતાને આવકાર તો મળી રહ્યો છે, પરંતુ 'આદત સે મજબૂર' પ્રસિદ્ધિપ્રેમી માનસિક્તાના કારણે લોકોને આ પ્રકારની ઝુંબેશોમાં પણ પૂરેપૂરી વિશ્વસનિયતા રહી નહીં હોવાના પ્રત્યાઘાતો પણ પ્રગટી રહ્યા છે. લોકોને આશંકા છે કે રાજ્ય સરકાર અને તેના તંત્રોની વ્યાજખોરો વિરૃદ્ધની આ ઝુંબેશ ક્યાંક રાજકીય નાટક કે પબ્લિસિટી સ્ટંટ તો પૂરવાર નહીં થાય ને? આ પહેલાની સરકારોના સમયગાળામાં પણ છેલ્લા બે દાયકા દરમિયાન આ પ્રકારની કોઈ ને કોઈ ઝુંબેશો ચાલી હતી, પરંતુ તેના ધાર્યા મુજબના પરિણામો આવ્યા નથી અને આ સમસ્યા ઘટવાના બદલે વધી રહી હોવાથી લોકોને આશંકા રહે છે.

નાણાની ધીરધાર કરવાનો કોઈ પણ પરવાનો નહીં હોવા છતાં ધીરધાર થાય, છડેચોક દાદાગીરી થાય, લોકોને આ પ્રકારની રંજાડથી આપઘાતો કરવા પડે, અનેકગણી રકમ ચૂકવવી પડે અને તેમ છતાં જમીન-મકાન કે ખેતરવાડી-વાહનો કે મિલકતો ઝુંટવી લેવામાં આવે, ત્યારે સવાલ એ ઊઠે છે કે આવી કડવી વાસ્તવિક્તા છતાં સરકાર અને તેના તંત્રો 'સબ સલામત'નો ઢોલ કેવી રીતે પીટી શકે?

એવી ટીકા પણ થઈ રહી છે કે, વ્યાજખોરો, અસામાજિક તત્ત્વો અને લુખ્ખી દાદાગીરી કરનારાઓને ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ પણ મળી રહ્યું જ હશે, અન્યથા આટલા બધા પ્રયાસો છતાં થોડોઘણો અંકુશ તો આવવો જ જોઈએ. ખાસ કરીને લોકો વ્યાજખોરોના સાણસામાં ફસાય નહીં, તેવા પ્રયાસો થવા જરૃરી જણાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh