Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાતભર વહીવટી તથા પોલીસતંત્ર સાથે ખાસ કમાન્ડો ટૂકડીએ કરી પ્લેનની ચકાસણીઃ સવારે ઓલ ક્લિયરનો મેસેજઃ
જામનગર તા. ૧૦ઃ રશિયાના મોસ્કોથી ગોવા જવા માટે રવાના થયેલું ચાર્ટર પ્લેન જ્યારે ભારત તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે તે પ્લેનમાં બોમ્બ હોવાની આશંકા ઉભી થતાં પાયલોટે ભારતીય એરપોર્ટના સત્તાધિશો સાથે વાર્તાલાપ શરૃ કર્યા પછી તે પ્લેનને તાકીદે ઉતરાણ કરાવવાનું નક્કી કરાયું હતું અને તે માટે જામનગર એરપોર્ટની પસંદગી કરવામાં આવી હતી. રાત્રે જામનગરમાં લેન્ડ થયેલા તે પ્લેનને દિલ્હીથી આવેલી ખાસ ટીમે રાતભર ચકાસ્યા પછી સવારે ઓલ ક્લિયરનો મેસેજ આપવામાં આવ્યો હતો. માત્ર આશંકાના કારણે રાત્રિભર તે પ્લેનના મુસાફર તેમજ જામનગરના વહીવટી અને પોલીસતંત્રને ભારે દોડધામ કરવી પડી હતી. આ પ્લેને બપોરે સુખરૃપ રીતે ગોવા તરફ ઉડ્ડયન ભરી હતી.
રશિયાના મોસ્કોથી ગઈકાલે રવાના થયેલું એક ચાર્ટર વિમાન ગોવા જઈ રહ્યું હતું. આ પ્લેનમાં કોઈએ બોમ્બ મૂક્યો હોવાની આશંકા તે પ્લેનના ક્રૂ-મેમ્બરને પડતા તેઓએ પાયલોટને જાણ કર્યા પછી પાયલોટે તાકીદના પગલાં ભરી આ પ્લેનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવા માટે તજવીજ શરૃ કરી હતી.
તે માટે એરપોર્ટ તંત્ર સાથે પાયલોટની થયેલી વાતચીતના અંતે તે પ્લેનને રાત્રે નવેક વાગ્યે જામનગર એરપોર્ટ પર લેન્ડ કરાવવા સુચના અપાતા અને એરફોર્સ સ્ટેશન દ્વારા આ બાબતની જિલ્લા કલેક્ટર ડો. સૌરવ પારધી તથા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને વિગત અપાતા બંને તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા.
એસપી ડેલુની સુચનાથી જામનગરની બીડીએસ ટૂકડી તેમજ એલસીબી, એસઓજીનો સ્ટાફ અને અન્ય પોલીસ કાફલો એરપોર્ટ જવા રવાના થઈ ગયા હતા. તે ઉપરાંત ફાયરબ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમને પણ ખડેપગે રાખવામાં આવી હતી. તદ્ઉપરાંત જી.જી. હોસ્પિટલમાં પણ કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે વ્યવસ્થા ગોઠવી લેવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ રાજ્યના ગૃહવિભાગ તેમજ છેક દિલ્હી સુધી વાતચીત કર્યા પછી તંત્રની તમામ તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરે વાત કરી હતી અને કોઈપણ પરિસ્થિતિને ભરી પીવા માટે તંત્ર સજ્જ હોવાની ખાતરી આપી હતી.
તે દરમિયાન પોણા દસેક વાગ્યાની આજુબાજુમાં તે પ્લેનને જામનગરના એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું. તે પ્લેનમાંથી અત્યંત સાવચેતીપૂર્વક ૨૩૬ જેટલા મુસાફરોને સહી સલામત રીતે ઉતારી લઈ સલામત અંતરે લઈ જવાયા હતા. તે ઉપરાંત પ્લેનમાં રહેલા આઠ ક્રૂ-મેમ્બરને પણ બહાર કાઢી લેવાયા હતા. તે પછી જામનગર બીડીએસની ટૂકડીએ પ્લેનને ચકાસવાનું શરૃ કર્યું હતું. તે દરમિયાન સતત રણકતા રહેતા ફોન વચ્ચે જિલ્લા કલેક્ટર દ્વારા મુસાફરો અને ક્રૂ-મેમ્બરો સલામત છે તેવો સંદેશો જામનગરની જનતાને પત્રકારોના માધ્યમથી પાઠવ્યો હતો.
તે દરમિયાન દિલ્હીથી ખાસ તાલીમ પામેલા કમાન્ડો વિમાન માર્ગે જામનગર આવવા માટે નીકળી ચૂક્યા હતા. તેઓના મોડીરાત્રે આગમન પછી પ્લેનની અત્યંત સાવધાની અને સતર્કતાથી તલાશી શરૃ કરવામાં આવી હતી. તે કાર્યવાહી આજ સવાર સુધી પૂર્વવત રહી હતી અને તેના અંતે આ પ્લેનમાં બોમ્બ ન હોવાનું જાહેર કરાતા સહુએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્લેનમાં બોમ્બ ન હોવાની વિગતો જાહેર થયા પછી પણ અત્યંત સતર્કતા દાખવવામાં આવી હતી. તે પ્લેનના તસેતસુને ચકાસી લેવાયા પછી ઓલ ક્લિયરનો સંદેશો જારી થયો હતો અને તે પછી બપોરે આ પ્લેનને ગોવા તરફ રવાના કરવાની તૈયારીઓ આરંભાઈ હતી. તેના પગલે આ પ્લેને બપોરે સાડા બારેક વાગ્યે જામનગર એરપોર્ટ પરથી ઉડ્ડયન ભરી હતી.
મુસાફરોની જમવાની પણ કરાઈ વ્યવસ્થાઃ
પ્લેનના લેન્ડિંગથી ટેકઓફ સુધી તંત્રવાહકોની કાબિલેદાદ કામગીરી
પ્લેનમાં બોમ્બ હોવાની ક્રૂૂ-મેમ્બરને શંકા પડ્યા પછી રશિયાના ચાર્ટર પ્લેનને જામનગર એરપોર્ટ પર લેન્ડિંગ કરાવાયા પછી ગઈરાતથી ભારે દોડધામ વચ્ચે તે પ્લેનના તમામ ૨૩૬ મુસાફરોને જામનગર એરપોર્ટના પ્રતિક્ષાખંડમાં જવા માટે સૂચના આપવામાં આવી હતી.
તે તમામ મુસાફરોની ભોજન સહિતની વ્યવસ્થા માટે પણ તંત્રએ પૂરતી તકેદારી મેળવી લીધી હતી. જામનગરના એરપોર્ટ રોડ પર આવેલી જામનગર સ્પેશિયલ-પદમ બેન્કેટ હોલમાંથી તમામ મુસાફરો માટે ભોજન મંગાવવા ઉપરાંત ચાલી રહેલી પ્લેનની ચકાસણીમાં કેટલો સમય લાગશે તે નિર્ધારિત ન હતું ત્યારે મુસાફરોને પ્રતિક્ષાખંડમાં કોઈ અગવડ ન પડે તેની પણ તકેદારી લેવાઈ હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તેમજ દિલ્હીથી આવેલી ખાસ ટીમે રાતભર કરેલી ચકાસણી પછી સવારે તે પ્લેનમાં બોમ્બ ન હોવાનું ખૂલ્યું ત્યાં સુધી જામનગરના વહીવટી અને પોલીસતંત્રએ જે સતર્કતા રાખી તે બાબત ખરેખર કાબિલેદાદ નિવડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag