Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦ર૬-ર૭ માં દેશની વસ્તી ગણતરી બે તબક્કામાં કરવાની સંસદમાં સરકારે કરી જાહેરાત
અત્યારે સંસદ ચાલી રહી છે, જેમાં હોબાળા થઈ રહ્યા છે અને તેની સાથે સો કેટલાક મહત્ત્વપૂર્ણ બિલો પણ પાસ થઈ રહ્યા છે, તથા મહત્ત્વપૂર્ણ જાહેરાતો અને ચોખવટો પણ થઈ રહી છે.
એઆઈઆરના મુદા પછી સંચાર સાથી એપનો મુદ્દો ગૂંજ્યો અને તેની સાથે વંદેમાતરમ્ પર લાંબી ચર્ચાની વાતો પણ થઈ હશે. સરકારે 'જનગણના' એટલે કે વસ્તીગણતરીની જાહેરાત કરતા તેની ચર્ચાઓ, પ્રત્યાઘાતો અને અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે. લોકસભામાં અપાયેલી માહિતી મુજબ આગામી ત્રણ વર્ષના સમયગાળામાં દેશવ્યાપી જનગણનાનો રોડહેપ તૈયાર કરાયો છે.
દર દસ વર્ષે વસ્તીગણતરી
ભારતને આઝાદી મળ્યા પછી પણ દર દસ વર્ષે વસ્તીગણતરી થાય છે, પરંતુ વર્ષ ર૦ર૧ માં કોરોનાકાળ હોવાથી વસ્તીગણતરી થઈ શકી નથી. તે પહેલા વર્ષ ર૦૧૧ માં વસ્તીગણતરી થઈ હતી. હવે કેન્દ્ર સરકારે વર્ષ ર૦ર૭ સુધીમાં નવી વસ્તીગણતરી કરવાનો રોડમેપ તૈયાર કર્યો છે.
આગામી વસ્તી ગણતરીનો રોડમેપ
ગઈકાલે લીડર ઓફ ઓપોઝીશન રાહુલ ગાંધીના એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રિય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદરાયે આગામી વસ્તી ગણતરીના રોડમેપની આછેરી ઝલક રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી વસ્તી ગણતરી બે તબક્કામાં થશે અને તે દેશવ્યાપી હશે. વસ્તી ગણતરી ફેબ્રુઆરી ર૦ર૭ માં થશે અને તેની રેફરન્સ ડેઈટ (સંદર્ભ તારીખ) પહેલી માર્ચ ર૦ર૭ ની મીડનાઈટ હશે.
તે પહેલા સપ્ટેમ્બર ર૦ર૬ માં કેન્દ્ર શાસિત પ્રદેશો લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર તથા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના બરફથી ઢંકાયેલા દુર્ગમ વિસ્તારોની વસ્તીગણતરી આટોપી લેવાશે, જેની સંદર્ભ તારીખ પહેલી ઓક્ટોબર ર૦ર૬ ની મધ્યરાત્રિ હશે.
શિયાળામાં આ વિસ્તારોમાં વસ્તી ગણતરી કરવાનું અઘરૂ પડે તેમ હોવાથી તથા બરફવર્ષા તથા ઠંડીના પ્રકોપને ધ્યાને રાખીને આ વિસ્તારોમાં અલગ સમયગાળામાં વસ્તીગણતરી થશે.
આ રોડમેપ રજૂ કરતા કેન્દ્રિય ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતું કે, વસ્તી ગણતરીની કવાયત પહેલા જ વિવિધ વિભાગો, સંસ્થાઓ, એકમો અને વસ્તી ગણતરીના ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરનારાઓ પાસેથી માહિતી, સૂચનો તથા સંલગ્ન ડેટા મેળવીને તેના આધારે વસ્તી ગણતરી સંબંધિત પ્રશ્નાવલી નક્કી કરાશે અને વિસ્તૃત ચર્ચા-પરામર્શ પછી તેને આખરી ઓપ અપાશે. વસ્તી ગણતરીનો ઈતિહાસ લગભગ દોઢસો વર્ષથી પણ જુનો છે અને દરેક વસ્તી ગણતરી સમયે અગાઉના અનુભવોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ આખીય પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જે દેશના ભવિષ્યનો વિકાસપથ તો કંડારે જ છે, સાથે સાથે જનકલ્યાણ અને જનસુરક્ષા તથા આવતી પેઢીની જરૂરિયાતોને પણ આવરી લઈને યોજનાઓ ઘડવામાં મદદરૂપ થાય છે. આ પ્રક્રિયા અત્યારની જરૂરિયાતો અને ભવિષ્યની સંભવનાઓને સાંકળીને આધુનિક યુગને અનુરૂપ ડેટા બેઈઝને કેન્દ્રમાં રાખીને સંપન્ન કરવામાં આવશે.
આ અંગે સંસદમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન પણ વિવિધ અભિપ્રાયો રજૂ થયા હતાં, અને પ્રશ્નોત્તરી પણ થઈ હતી. અન્ય એક સંબંધિત પ્રશ્નના જવાબમાં પણ સરકારે લેખિત પ્રત્યુત્તર આપ્યો હતો, તે મુજબ ગત્ ૩૦ મી એપ્રિલે કેબિનેટ કમિટી ઓન પોલિટિક્સ અફેર્સ એટલે કે સીસીપીએની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે આ વખતે થનારી વસ્તી ગણતરી થોડી ભિન્ન હશે. આ વખતે વસ્તી ગણતરીમાં જાતિવાદ ગણતરી પણ થશે, મતલબ કે આ વખતે વસ્તી ગણતરીમાં કાસ્ટ સેન્સસને સમાવી લેવાશે, જેની માગણી લાંબા સમયથી થઈ રહી હતી.
ડિજિટલ માધ્યમ
દ્વારા વસ્તી ગણતરી
સરકારે સંસદમાં જણાવ્યા મુજબ કાસ્ટ સેન્સરમાં દેશના આર્થિક-સામાજિક ડેટા માટે એક નવો પરિમાણ (માપદંડ?) ઉમરાશે. વર્ષ ર૦ર૭ ની વસ્તી ગણતરીમાં ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરાશે. મોબાઈલ એપ દ્વારા ડેટા કલેક્શન અને સ્વ-ગણતરી (સેલ્ફ-ઈન્યુમેન્ટેશન) માટે ઓનલાઈનનો વિકલ્પ પણ અપાશે. ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને વસ્તી ગણતરીને વધુ સચોટ, ઝડપી, ટ્રાન્સપરન્ટ અને બહુહેતુક બનાવવાનો ઉદ્દેશ્ય છે. આ વસ્તી ગણતરી પછી ડેટા પ્રોસેસીંગમાં વિગતો આપવી પણ ઘટશે અને આ મુદા ભવિષ્યના આયોજનો માટે અત્યંત ઉપયોગી નિવડશે. શિક્ષણ, સ્વાસ્થ્ય, માળખાગત સુવિધાઓ કલ્યાણકારી યોજનાઓ તથા સર્વાંગીતા અને સર્વેવ્યાપી વિકાસ તથા જનકલ્યાણના આયોજનો માટે આ નવો ડેટા અત્યંત મહત્ત્વપૂર્ણ અને પાયાગત (બુનિયાદી) જરૂરિયાતો માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે.
એવું પણ કહેવાય છે કે, ડિજિટલ માધ્યમની સાથે સાથે પ્રવર્તમાન મેન્યુલ સિસ્ટમો પણ અપનાવશે અને સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય કચાશ ન રહી જાય, તે માટે સમગ્ર વસ્તી ગણતરીની પ્રક્રિયા ડિજિટલ તથા મેન્યુલ, બન્ને પદ્ધતિથી કરાશે, જો કે આ અંગે સરકારે બહુ વિગતવાર સપષ્ટતા કરી હોય તેમ જણાતું નથી.
આઝાદી પહેલા વસ્તી ગતણતરીનો ઈતિહાસ
આઝાદી પહેલાની વસ્તી ગતણતરીના ઉપલબ્ધ થતા આંકડાઓ મુજબ વસ્તી ગણતરીનો ઈતિહાસ આમ તો ઘણાં જ લાંબો છે. આ વિગતો વિકી મીડિયા તથા અન્ય વેબસાઈટો પર ઉપલબ્ધ છે, જો કે ભારતમાં વર્ષ ૧૮૭ર થી શરૂ થયા પછીના બે દાયકા પછી નિયમિત રીતે વસ્તી ગણતરી થતી રહી છે. આ દરમિયાન સ્પેનિશ ફ્લૂની મહામારી પછી ભારતની વસ્તીમાં ઘટાડો નોંધાયો તે વર્ષ ૧૯૧૧ થી વર્ષ ૧૯ર૧ ના દાયકાની સર્વાધિક ચર્ચાઓ થતી રહે છે. આઝાદી પહેલાની વસ્તીગણતરીઓ બ્રિટિશ શાસન કાળ દરમિયાન થઈ હતી, તે મુજબ વર્ષ ૧૯૦૧ માં ભારતની વસ્તી લગભગ ર૪ કરોડ જેવી હતી, જે વર્ષ ૧૯૧૧ માં રપ કરોડથી વધુ હતી. વર્ષ ૧૯ર૧ માં થોડી ઘટી હતી. વર્ષ ૧૯૧૧ માં ભારતની નોંધાયેલી વસ્તી રપ.ર૦ કરોડ હતી, તે વર્ષ ૧૯ર૧ માં ઘટીને રપ.૧૩ કરોડ થઈ ગઈ હતી. તે પછી વર્ષ ૧૯૩૧ માં ભારતની વસ્તી ર૩.૮૯ કરોડ અને વર્ષ ૧૯૪૧ માં ભારતની વસ્તી ૩૧.૮૬ કરોડ નોંધાઈ હતી. તે પહેલા ૧૮૭ર અને ૧૮૮૧ ની ભારતની વસ્તી ગણતરીના છૂટક છૂટક આંકડાઓ મળે છે, પરંતુ ૧૯ મી સદીના પ્રારંભ પછી તેની ઓથેન્ટિક નોંધણી વ્યવસ્થિત રીતે શરૂ થઈ હોય તેમ જણાય છે. ટૂંકમાં આપણા દેશમાં વસ્તી ગણતરીનો ઈતિહાસ લગભગ દોઢ સદી જુનો છે અને ઉપલબ્ધ સંસ્થાનો તથા દફ્તર જાળવણી પર સંબંધિત છે. આઝાદી પછી દર દસ વર્ષે નિયમિત વસ્તીગણતનરી થતી રહી છે. માત્ર આ વખતે કોરોનાકાળના કારણે વિલંબ થયો છે.
આઝાદી પછીની વસ્તી
ગણતરીનો ઈતિહાસ
વર્ષ ૧૯પ૧ માં આઝાદ ભારતની પ્રથમ વસ્તી ગણતરી થઈ હતી, અને ભારતની વસ્તી ૩૬ કરોડથી થોડીક વધુ નોંધાઈ હતી. વર્ષ ૧૯૬૧ માં ૪૩.૮૯ કરોડની વસ્તી નોંધાઈ હતી. વર્ષ ૧૯૭૧ થી વર્ષ ૧૯૭ર માં શરૂ થયેલ વસ્તી ગણતરી મુજબ ભારતની જનસંખ્યા પ૪.૭૯ કરોડ નોંધાઈ હતી. વર્ષ ૧૯૮૧ ની વસ્તી ગણતરી મુજબ ૬૮.પ૧ કરોડની જનસંખ્યા હતી, જે વર્ષ ૧૯૯૧ ની વસ્તી ગણતરીમાં વધીને ૮૩.૮પ કરોડ થઈ ગઈ હતી. ર૧ મી સદીના પ્રારંભે જ વર્ષ ર૦૦૧ ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી એક અબજને ઓળંગી ગઈ હતી અને ૧૦૦ કરોડ, ર૮ લાખથી વધુ હતી.
વર્ષ ર૦૧૧ ની જનગણના મુજબ ૧ર૧ કરોડથી વધુ નોંધાઈ હતી. પ્રથમ વખત બાયોમેટ્રિક પદ્ધતિથી થયેલી વસ્તીગણતરી બે તબક્કામાં સંપન્ન થઈ હતી. તે પછી વર્ષ ર૦ર૧ ની વસ્તીગણતરી કોવિડ-૧૯ મહામારી ફેલાતા સ્થગિત કરી દેવાઈ હતી. વર્ષ ૧૯૩૧ પછી પ્રથમ વખત સામાજિક-આર્થિક અને જાતિ આધારિત જનગણનાનો મુદ્દે આટલી જાગૃતિ તથા તીવ્રતાથી ચર્ચાયો છે. વર્ષ ર૦ર૪ માં લોકસભાની સામાન્ય ચૂંટણી હોવાથી તે પછી હવે વર્ષ ર૦રપ માં જનગણના અંગે થયેલી જાહેરાત પછી આ મુદ્દો સડકથી સંસદ સુધી પડઘાઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial