Advertisement
Author: નોબત સમાચાર

સૂત્રાપાડામાં ર૪ કલાકમાં રર, વેરાવળમાં ર૦ ઈંચ વરસાદનું મેઘતાંડવ

નદીઓમાં પૂર, જળાશયો છલોછલ, રાહત-બચાવ ટીમો તૈનાત, પરિવહન ઠપ્પ, જનજીવન પ્રભાવિત, ઠેર-ઠેર યલો-રેડ-ઓરેન્જ એલર્ટ અપાયા

અમદાવાદ તા. ૧૯ઃ ગઈકાલે વરસાદના ત્રીજા રાઉન્ડમાં રાજ્યના ૧રપ થી વધુ તાલુકાઓમાં અને આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં પપ તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે. સૂત્રાપાડા, ગીરસોમનાથ, દમણ સહિત ઘણાં સ્થળે મેઘતાંડવના દૃશ્યો જોવા મળી રહ્યા છે. પરિવહન અને જનજીવન પ્રભાવિત થયા છે. એનડીઆરએસ્ સહિતની રાહત બચાવની ટીમો તૈનાત કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૃઆત થઈ ચૂકી છે. મંગળવારે રાજ્યના ૧રપ થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયા પછી આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ, યલો તથા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને વહેલી સવારથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. જૂનાગઢના માંગરોળમાં સવારના ૬વાગ્યાથી ૧ર વાગ્યા સુધીમાં પોણાબાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને અમરેલીથી ફાયર એન્ડ ઈરજન્સી સર્વિસની ટીમો રવાના કરાઈ છે.

સૂત્રાપાડા અને પ્રાચીમાં અનરાધાર વરસાદને કારણે પ્રાચી આવેલી સરસ્વતી નદી ગાંડીતૂર બની છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર સૂત્રાપાડા તાલુકામાં હવે ભયજનક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એક પછી એક તમામ ગામો બેટમાં ફેરવાઈ રહ્યા છે. સતત વરસાદ અને નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે ગીર સોમનાથ જિલ્લાનો સૂત્રાપાડા અને વેરાવળ તાલુકા જળમગ્ન બન્યા છે.

વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે વાપી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી વાપીનું જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. વાપીમાં રેલવેના અંડર પાસમાં કાર ફસાઈ હતી, જેથી તેમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું, તો વાપીની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. ગુંજન વિસ્તારમાં આવેલી સોસાયટીઓ તેમજ વાપી શહેરના ચલા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં તેમજ રસ્તા ઉપર પાણી ભરાયા છે.

છેલ્લા ર૪ કલાકમાં ગીર સોમનાથમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. સૂત્રાપાડામાં આભ ફાટ્યું હોય તેમ સાંબેલાધાર રર ઈંચ, વેરાવળમાં ર૦ ઈંચ વરસાદ ખાબકતા ચારેકોર પાણી જ પાણી ભરાઈ ગયું હતું, તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સાંબેલાધાર ૧ર ઈંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારમાં જમીન ત્યાં જળની સ્થિતિ થઈ ગઈ હતી.

આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયા-હાટીના, કેશોદ, રેવદ્રા, વગેરે સ્થળે ધોધમાર વરસાદ અને જલભરાવના કારણે કેટલાક લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. હીરણ-ર ડેમના દરવાજા ખોલવા પડ્યા હતાં, તો કેટલાક માર્ગો બંધ થઈ ગયા હતાં. તે ઉપરાંત વાપીમાં ૬ ઈંચ વરસાદ પડ્યો છે, તો મહીસાગર, સાબરકાંઠા, અમદાવાદમાં પણ વરસાદના અહેવાલો આવી રહ્યા છે.

વલસાડ જિલ્લાના સંઘપ્રદેશ દમણમાં વિતેલા ર૪ કલાકમાં ૯.પ ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી પાણી થઈ જતાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. મળસ્કે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં જ ૮.પ ઈંચ જેટલો વરસાદ પડતા જનજીવન પર ભારે અસર થઈ હતી. વાપી નજીક આવેલા પાડોશી સંઘપ્રદેશ દમણમાં પણ મેઘરાજાએ ધુઆધાર રમત રમતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતાં. ગઈકાલે મંગળવારે સવારે ૮ વાગ્યાથી આજે સવારે પૂર્ણ થતાં ર૪ કલાકમાં દમણમાં ૯.પ ઈંચ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં વહેલી સવારના સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં ગોતા, ચાંદલોડિયા, જગતપુર, ચાંદખેડા, મોટેરા, પાલડી, વાસણા, આશ્રમ રોડ, વાડજ, ઉસ્માનપુર, અખબારનગર, માધુપુરા અને દૂધેશ્વર વિસ્તારમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા જિલ્લાની જીવાદોરી સમાન ભાદર-૧ ડેમ અડધો ભરાયો છે. ભાદર એક ડેમની સપાટી ર૬.૬૦ ફૂટ પહોંચી છે. ડેમની કુલ સપાટી ૩૪ ફૂટે છે. ડેમ ઓવરફ્લો થવાને હવે ૭.૪૦ ફૂટ બાકી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના કુલ ર૧ ડેમમાં અડધાથી ૯ ફૂટ પાણીની આવક થઈ છે, તો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા છે.

રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે વડોદરા એનડીઆરએફ બટાલિયનની ૬ ટીમને સમગ્ર રાજ્યના ૬ જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે.

મેઘાનો ત્રીજો રાઉન્ડ અમદાવાદમાં આજે સવારથી વરસાદ શરૃ

અમદાવાદમાં છેલ્લા ઘણાં દિવસથી વરસાદે વિરામ લીધો હતો. શહેરમાં અનેક વિસ્તારોમાં બે-ત્રણ દિવસમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં ત્યારે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ શરૃ થયો હતો. ત્યારપછી હાલ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં એસ.જી. હાઈવે, સેટેલાઈટ, ગોતા, બોડકદેવ, પાલડી, શિવરંજની, શ્યામલ ચાર રસ્તા, પ્રહ્લાદગર, વસ્ત્રાપુર, રખિયાલ તેમજ ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહનચાલકો તેમજ કારચાલકોને વાહનોની લાઈટ ચાલુ રાખવી પડે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh