Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રચંડ જનાક્રોશ સાથે સિવિલ વોર ફાટી નીકળતા સમગ્ર દેશમાં કલમ-૧૪૪ લાગુઃ સડકો પર સંગ્રામઃ ૧૦ ના મોતઃ સૈન્ય શાસનના એંધાણ ?
ઈસ્લાબાદ તા. ૧૦ઃ ગઈકાલે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાન ભડકે બળી રહ્યું છે અને સિવિલ વોર ફાટી નીકળ્યું છે. પ્રચંડ જનાક્રોશ સાથે લોકો સૈન્ય મથકો પર હુમલાઓ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં કલમ-૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. પાક.માં પરંપરાગત રીતે થાય છે, તેમ સૈન્ય શાસનના ભણકારા પણ વાગી રહ્યા છે.
પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ પછી સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી છે. પાકિસ્તાન તહરીફ-એ-ઈન્સાફના સમર્થકો પેશાવર, ઈસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં આગચંપી અને તોડફોડ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોતના સમાચાર છે. કાર્યકરોએ મોડી રાત્રે રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં તોડફોડ કરી હતી. લાહોરમાં ગવર્નર હાઉસ સળગાવી દેવામાં આવ્યું. કરાચીના કેન્ટ વિસ્તારમાં હુમલો થયો હતો. ટૂંકમાં પાકિસતાન ભડકે બળી રહ્યું છે, અને પાક.ની પરંપરા મુજબ સૈન્ય શાસનના ભણકારા વાગી રહ્યા છે.
સેનાએ અલ કાદિર યુનિવર્સિટી કૌભાંડ કેસમાં મંગળવારે ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરી હતી. પાકિસ્તાની અખબાર ડોન અનુસાર ઈમરાન આગામી ૪-પ દિવસ સુધી તપાસ એજન્સી એનએબીની કસ્ટડીમાં રહેશે. તેના પર અબજો રૃપિયાના કૌભાંડ અને મની લોન્ડરીંગનો આરોપ છે. ઈમરાન બે કેસમાં જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યો હતો, જ્યાં પાકિસ્તાન રેન્જર્સે તેની ધરપકડ કરી હતી.
ખૈબર પખ્તુનખ્વામાં પીટીઆઈના કાર્યકરોએ મોડી રાત્રે મોટી રેલી કાઢી હતી. પીટીઆઈ સમર્થકોએ મોડી રાત્રે લાહોરમાં આર્મી કમાન્ડરના ઘરને આગ ચાંપી દીધી હતી. ઘણાં વધુ સૈન્ય અધિકારીઓના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો.
હિંસાને જોતા પાકિસ્તાનની ખાનગી શાળાઓ આજે બંધ રહેશે. પીટીઆઈના નેતા ફવાદ ચૌધરીએ કહ્યું છે કે, પાર્ટી ઈસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરૃદ્ધ સુપ્રિમ કોર્ટનો સંપર્ક કરશે. પીટીઆઈ નેતા કાસિમ સુરીએ દાવો કર્યો છે કે, ક્વેટામાં વિરોધ પ્રદર્શન દરમિયાન પાર્ટીના એક કાર્યકરનું મોત થયું છે. ઈસ્લામાબાદ પોલીસે જણાવ્યું કે, પ અધિકારીઓ ઘાયલ થયા છે, જ્યારે ૪૩ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે.
આ કેસની વિગત એવી છે કે, જ્યારે ખાન વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે મલિક રિયાઝને મની લોન્ડરીંગના કેસમાં ફસાવ્યા હતાં. રિયાઝની બ્રિટનમાં અબજો રૃપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ પછી એક ડીલ હેઠળ બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સીએ પાકિસ્તાન સરકારને લગભગ ૧ હજાર ૯૬૯ કરોડ રૃપિયા મોકલ્યા હતાં. ઈમરાન ખાન, તેમની પત્ની અને અન્ય પીટીઆઈ નેતાઓએ સાથે મળીને કેબિનેટને આ માહિતી આપી નહોતી. પૈસા પાછા મેળવતા પહેલા ઈમરાને અલ કાદિર ટ્રસ્ટ બનાવ્યું. તેણે એક યુનિવર્સિટી બનાવી જે ધાર્મિક શિક્ષણ આપવા જઈ રહી હતી. આ માટે મલિક રિયાઝે અબજો રૃપિયાની જમીન આપી હતી. બુશરા બીબીને હીરાની વીંટી પણ ભેટમાં આપી હતી. તેના બદલામાં રિયાઝના તમામ કેસ પડતા મૂકવામાં આવ્યા હતાં.
ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું, સરકારી તિજોરીને ઓછામાં ઓછું ૬૦ અબજ રૃપિયાનું નુક્સાન થયું છે. ૧૩ મહિનામાં એક પણ વાર ઈમરાન કે બુશરા પૂછપરછ માટે આવ્યા નથી. આ યુનિવર્સિટીમાં ૩ વર્ષમાં માત્ર ૩ર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.
રવિવારે એક રેલીમાં ઈમરાને ગુપ્તચર એજન્સી આઈએસઆઈની રાજકીય શાખાના ચીફ ફૈઝલ નસીર પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા હતાં. ખાને કહ્યું હતું, ફૈજલ મને મારવા માગે છે. આમાં કેટલાક અધિકારીઓ તેમનો સાથ આપી રહ્યા છે. સેનાએ આગળ આવીને આ આરોપોને ફગાવી દેવાની ફરજ પડી હતી.
સને ર૦૧૮ માં ઈમરાન ખાનને સેનાએ જ વડાપ્રધાન બનાવ્યા હતાં. બાદમાં આઈએસઆઈ ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદની ટ્રાન્સફરને લઈને તત્કાલિન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે તેમનો વિવાદ થયો હતો. આ પછી સેનાએ શાહબાજ શરીફનો સાથ આપ્યો અને ગયા વર્ષે એપ્રિલમાં ઈમરાનની સરકારને પછાડી દીધી. આ પછી ખાને સેના વિરૃદ્ધ નિવેદનો આપવાનું શરૃ કર્યું. તેણે બાજવાને દેશદ્રોહી પણ કહ્યા. રવિવારે એક રેલીમાં ખાને સેનાના એક વરિષ્ઠ અધિકારી ફૈઝલ નસીર પર હત્યાનું કાવતરૃ ઘડવાનો આરોપ લગાવ્યો હતો.
સોમવારે સેનાની મીડિયા વિંગ (આઈએસપીઆર) એ એક વીડિયો જાહેર કર્યો હતો. કહ્યું, ખાન ખોટા આરોપો લગાવી રહ્યા છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આ પછી ઈમરાને મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમંથી બહાર નીકળતા પહેલા ફરી એક વીડિયો જાહેર કર્યો. કહ્યું, પાકિસ્તાન માત્ર સેનાનું નથી, મેં સત્ય કહ્યું છે. એક સૈન્ય અધિકારીએ મને મારવાનું બે વાર કાવતરૃ ઘડ્યું છે. હું મૃત્યુથી ડરતો નથી. આ પછી તે હાઈકોર્ટ પહોંચતા જ પાકિસ્તાની રેન્જર્સે તેની ધરપકડ કરી હતી.
પીટીઆઈના શાહ મુહમદ કુરેશી સહિત મોટા નેતાઓ સકંજામાં લેવાશેઃ
પાક. સૈન્યની ઈમરજન્સી બેઠકઃ ઈમરાન ખાનના રિમાન્ડની માંગણી
ઈસ્લામાબાદ તા.૧૦ઃ આજે હિંસા ફાટી નીકળ્યા પછી પાક. સેનાની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી રહી છે. જેમાં ઉચ્ચ અધિકારીને તાકીદે બોલાવાયા છે. તો બીજી તરફ પીટીઆઈના વડા શાહ મુહમદ કુરેશી સહિત મોટા નેતાઓ ફરતો સકંજો કસવામાં આવી રહ્યો છે. આ દરમ્યાન ઈમરાન ખાનને કોર્ટમાં રજૂ કરાયા હતા. તે પહેલા તેમના મેડિકલ રિપોર્ટ સ્વસ્થ હોવાનો આવ્યો હતો. અહેવાલો મુજબ ઈમરાન ખાનના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી અદાલત સમક્ષ કરવામાં આવી હતી. તે અંગે આ લખાય છે ત્યારે સુનાવણી ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag