Advertisement
Author: નોબત સમાચાર

નાગેશ્વરમાં અગાઉની માથાકૂટનો ખાર રાખી બે શખ્સે યુવાનનું ઢાળી દીધુ ઢીમ

મૃતકના પિતાને પણ ઈજાઃ ભરબપોરે હત્યાનો બનાવ બનતા દોડધામ મચીઃ

જામનગર તા. ૨૯ઃ જામનગરના નાગેશ્વર વિસ્તારમાં ગઈકાલે બપોરે એક કોળી યુવાન પર અગાઉની માથાકૂટનો ખાર રાખી બે શખ્સે છરીથી હુમલો કરી તેની કરપીણ હત્યા નિપજાવી હતી. અવારનવાર મફત પાન ખાઈ જતાં એક હુમલાખોરને મિત્રના ઝઘડામાં સમાધાનની વાત કરવા ગયેલા મૃતકને બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી ગઈકાલે જીવલેણ હુમલો કરાયો હતો.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં વસવાટ કરતા સંજયભાઈ મનસુખભાઈ ઢાપા પોતાના ઘર પાસે જ પાનની દુકાન ચલાવે છે. ત્યાં અવારનવાર મફત પાન ખાવા આવતા હિતેશ મનસુખભાઈ ડોણાસીયા ઉર્ફે ટકા સાથે એકાદ મહિના પહેલા સંજયભાઈના પિતરાઈ ગૌતમ પ્રવીણભાઈને બોલાચાલી થઈ હતી. ગૌતમના મિત્ર કારા સાથે કોઈ બાબતે ઝઘડો થયા પછી ગૌતમે વાત કરતા સંજય ઢાપાએ જે તે વખતે હિતેશ ઉર્ફે ટકા સાથે વાતચીત કરી હતી.

આ વેળાએ બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું પરંતુ હિતેશ ઉર્ફે ટકાએ બોલાચાલીનો સંજય ઢાપા પ્રત્યે મનમાં ખાર રાખ્યો હતો. તે દરમિયાન ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે આવી ચઢેલા હિતેશ ઉર્ફે ટકાએ સંજયભાઈના ઘર પાસે ઉભા રહી સંજયભાઈ તથા તેના પિતા મનસુખભાઈને ગાળો ભાંડી હતી. તેનો અવાજ સાંભળી સંજયભાઈ પોતાના ઘરની બહાર નીકળતા જ ત્યાં તૈયાર ઉભેલા હિતેશ મનસુખભાઈ અને તેના ભાઈ અજય મનસુખભાઈ ડોણાસીયાએ છરી વડે હુમલો કરી દીધો હતો.

આ શખ્સોએ સંજયભાઈને પેટ તથા માથા અને છાતીમાં છરીના ઘા ઝીંકી દેતાં સંજયભાઈ લોહીલોહાણ બની ઢળી પડ્યા હતા, પુત્રનો અવાજ સાંભળી મનસુખભાઈ ઢાપા પણ દોડી આવ્યા હતા તેમના પર પણ અજય ડોણાસીયાએ પાઈપથી હુમલો કરી વાંસામાં ફટકા માર્યા હતા અને પછી હિતેશ અને અજય નાસી ગયા હતા.

લોહી નીંગળતી હાલતમાં સંજયભાઈ તથા તેમના પિતા મનસુખભાઈ ઢાપાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવારના અંતે સંજયભાઈનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો. હુમલાની જાણ થતાં સંજયભાઈના પરિવારના મહિલા સહિતના વ્યક્તિઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં ભારે રોક્કળ મચી હતી.

બનાવની જાણ થતાં સિટી-બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એચ.પી. ઝાલા તથા સ્ટાફ દોડ્યા હતા. પોલીસે બનાવના સ્થળે તરત જ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તે પછી મૃતકના પિતા મનસુખભાઈ નાથાભાઈ ઢાપાનું નિવેદન નોંધી પોલીસે તેના પરથી હુમલાખોર હિતેશ ઉર્ફે ટકા મનસુખભાઈ ડોણાસીયા અને અજય મનસુખભાઈ ડોણાસીયા સામે આઈપીસી ૩૦૨, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હત્યાનો આ બનાવ જે સ્થળે બન્યો ત્યાં આવેલી એક દુકાનના સીસીટીવી કેમેરામાં સમગ્ર મામલો કંડારાઈ ગયો છે. પોલીસે તે સીસીટીવી ફૂટેજ કબજે કરવા ઉપરાંત નાસી ગયેલા બંને શખ્સના સગડ દબાવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh