Advertisement
Author: નોબત સમાચાર

ગ્રામ વિકાસની પ્રક્રિયામાં પંચાયતી રાજની સંસ્થાઓ મહત્ત્વપૂર્ણઃ પ્રભારી મંત્રી

નેતાઓને તાલીમબદ્ધ કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં અપાયુ વિસ્તૃત માર્ગદર્શન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તાલીમ કાર્યક્રમો માત્ર ઔપચારિકતા નહીં, પરંતુ જનપ્રતિનિધિઓ માટે નવી માહિતી અને વિકાસલક્ષી અભિગમો સમજવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામનગરના ટાઉનહોલમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રભારી મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિકાસની પ્રક્રિયામાં પંચાયતી રાજ સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગામડાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના અસરકારક અમલીકરણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓને જરૂરી જ્ઞાન અને તાલીમ પ્રાપ્ત થાય તે જરૂરી છે. તેમણે પદાધિકારીઓને લોકોની અપેક્ષાઓને અનુરૂપ પારદર્શિતા, જવાબદારી અને જનભાગીદારી સાથે વિકાસ કાર્યો હાથ ધરવા અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે અભ્યાસવર્ગો અને તાલીમ કાર્યક્રમો માત્ર ઔપચારિકતા નથી, પરંતુ જનપ્રતિનિધિઓ માટે નવી માહિતી, નવી પદ્ધતિઓ અને વિકાસલક્ષી અભિગમો સમજવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. સરકારી અધિકારીઓ પણ ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કર્યા પછી સતત તાલીમ મેળવતા રહે છે, જેથી તેઓ પોતાની કામગીરી વધુ અસરકારક રીતે કરી શકે.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પંચાયતી રાજ સંસ્થાઓની ક્ષમતામાં વધારો કરી ગ્રામ્ય વિકાસના કાર્યોને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવાનો હતો. જિલ્લા અને તાલુકા સ્તરના પ્રતિનિધિઓને મળેલી આ તાલીમ ગ્રામ વિકાસના લક્ષ્યોને સિદ્ધ કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે અને ગામડાઓના સર્વાંગી વિકાસ માટે પ્રજાએ આપ સૌને પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા છે. તેથી પોતાની જવાબદારીઓની સમજ અને સેવા કરવાની ભાવના દરેક જનપ્રતિનિધિ માટે અનિવાર્ય છે. આવા તાલીમ કાર્યક્રમો દ્વારા મળતું માર્ગદર્શન પ્રતિનિધિઓને પોતાની ફરજો વધુ અસરકારક રીતે નિભાવવામાં મદદરૂપ બને છે. મહિલા પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી પણ વધી છે.

કાર્યક્રમ દરમિયાન પંચાયતી રાજ વ્યવસ્થાની કાર્યપદ્ધતિ, ગ્રામ વિકાસ યોજનાઓના અસરકારક અમલીકરણ, નાણાકીય વ્યવસ્થાપન, ડિજિટલ ગવર્નન્સ, સરકારી યોજનાઓ, જાહેર સેવાઓની સુલભતા તેમજ સ્થાનિક સ્તરે સુશાસનને મજબૂત બનાવવા સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, જિલ્લા વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિરલ માકડિયા, અગ્રણી ડો. વિનોદભાઈ ભંડેરી, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh