Advertisement
Author: નોબત સમાચાર

ઓનલાઈન જુગારમાં હારી ગયેલા મોરબીના યુવાનનું જામનગરના ચાર શખ્સે અપહરણ કરી આપ્યા ડામ

રૃા.૭ લાખ સામે રૃા.૨૮ લાખની માંગ કરી ઉપાડ્યા પછી હડિયાણામાં ગોંધી રખાયોઃ

જામનગર તા.૧૭ ઃ જામનગરમાં અગાઉ દુકાન ધરાવતા બે ભાઈ મોરબી રહેવા જતાં રહ્યા પછી જામનગરના બે શખ્સે ઓનલાઈન જુગાર રમવા માટે આઈડી આપી તેમાં હારી જવાયેલી રકમ સામે ચાર ગણી રકમ માંગી એક ભાઈનું મોરબીથી મોટરમાં અપહરણ કરી સિગારેટના ડામ આપ્યાની અને પૈસા ન મળે તો પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જેના પગલે ઓનલાઈન ગેમનો જુગાર વધુ એક વખત ચર્ચાના ચાકડે ચઢ્યો છે.

થોડા સમયથી ઓનલાઈન રમાતા જુગારનું પ્રમાણ વધ્યું છે. મોટાભાગની વેબસાઈટ ખોલતા આ પ્રકારની જુગારની જાહેરાતો જોવા મળી રહી છે. જેમાં તીનપત્તી, રમી જેવા જુગારને ઓનલાઈન રીતે ખેલી મોટી રકમ જીતી લેવા માટે વિવિધ પ્રકારના પ્રલોભનો બતાવવામાં આવી રહ્યા છે અને આ પ્રકારનો જુગાર રમી કેટલાક યુવાનો બરબાદીના પથ પર ધકેલાઈ રહ્યા છે.

થોડા સમય પહેલા ઓનલાઈન જુગારના રવાડે ચડેલા યુવાધનની ચિંતા કરતા કેટલાક અહેવાલો અને સમાજને ઢંઢોળી નાખે એવા બનાવો પ્રકાશમાં આવતા આ પ્રકારના જુગારની જાહેરાતના અંતે આ જુગાર રમવાથી આદત પડી શકે છે અને આ જુગારના કારણે આર્થિક નુકસાની પણ થઈ શકે છે. તેવી જાહેરાત કરવી ફરજિયાત બનાવાઈ છે પરંતુ જાહેરાત કરતા તત્ત્વો આવી જાહેરાત બહુ ઝડપથી બોલી અથવા દેખાડી દઈ કાયદાની છટકબારીનો લાભ લઈ રહ્યા છે અને યુવાધન અવિરતપણે જુગારની લતે વળગી રહ્યા છે.

આવો જ એક કિસ્સો મોરબીમાં પ્રકાશમાં આવ્યો છે જેની વધુ વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર એક ઈમારતમાં રહેતા અને સિરામિકના કારખાનામાં નોકરી કરતા હિરલભાઈ રમેશભાઈ કાનાણી નામના યુવાને તે બાબતની પોલીસમાં ફરિયાદ કરી તેમાં જણાવ્યું છે કે, જામનગરમાં સુભાષબ્રિજ પાસે તેમના નાનાભાઈ મીત કાનાણીની ત્રણેક વર્ષ પહેલા સ્કૂલ બેગની દુકાન હતી ત્યાં બાજુમાં  કોમ્પલેક્ષમાં જયપાલસિંહ ચુડાસમા નામના આસામીની ઓફિસ પણ આવેલી હતી. વર્ષ ૨૦૨૦માં કોરોનાના કારણે લોકડાઉન કરવામાં આવતા મીત તથા હિરલભાઈ દુકાન બંધ કરી મોરબી આવ્યા હતા. તે પછી ગઈ તા.૬ના દિને હિરલના મોબાઈલ પર જામનગરના મહિપાલસિંહ રાણાએ કોલ કર્યાે હતો અને તેમાં જયપાલસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, તારા મોબાઈલમાં તીનપત્તી ગેમનું આઈડી મોકલું છું, તેમાં જે હારજીત થાય તેના પૈસા આપવા પડશે.

તે પછી મહિપાલસિંહના મોબાઈલમાંથી વોટ્સએપના માધ્યમથી આઈડી મોકલાયું હતું જેમાં આઠેક દિવસ સુધી તીનપત્તી રમવામાં આવતા રૃા.૭ લાખની રકમ હિરલભાઈ હારી ગયા હતા. તે પછી મહિપાલસિંહ, જયપાલસિંહ અને જામનગરના અર્જુન પ્રજાપતિ નામના શખ્સોએ ફોન કરી રૃા.૨૮ લાખની માંગણી કરાતી હતી. આ શખ્સો પૈસા મોકલી આપ નહીં તો ઉપાડી જઈશું તેવી ધમકી આપતા હતા અને ગયા સોમવારે ઉપરોક્ત ત્રણેય શખ્સ અને નંદો નામનો ચોથો શખ્સ મોરબી આવ્યા હતા. તેઓએ ઘરની બહાર આવવાનું કહેતા બહાર ગયેલા હિરલભાઈને બળજબરીથી મોટરમાં બેસાડી લઈ આ શખ્સો જામનગર ઉપાડી ગયા હતા.

આ શખ્સોએ જામનગર લઈ જઈ રૃા.૨૮ લાખ આપવા જ પડશે તેમ કહી સિગારેટ પીતા પીતા તેના ડામ આપ્યા હતા અને તે પછી તને ગામડે મૂકી જઈએ છીએ, પૈસાનું સેટીંગ થાય એટલે કહેજે તેમ કહી હડિયાણા ગામમાં મૂકી ગયા હતા.

તે પછી કોઈ રીતે આ શખ્સોના સકંજામાંથી મુક્ત થઈ મોરબી પહોંચેલા હિરલભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જયપાલસિંહ, મહિપાલસિંહ, અર્જુન અને નંદા સામે અપહરણ-ધમકીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh