Advertisement
Author: નોબત સમાચાર

દરગાહની આડમાં ૪૦ વર્ષથી ચાલતી ધતિંગલીલા બંધ કરાવતું ભારત જન વિજ્ઞાન જાથા

જામનગર જિલ્લાના નરમાણા ગામમાં

અમદાવાદ તા. ૧૦ઃ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં દરગાહની આડમાં ૪૦ વર્ષથી દોરા-ધાગા, ઉતાર, દુઃખ-દર્દ મટાડવાના ધતિંગ કરનાર ફાતિમાબેન જુમાશા શેખનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે શેઠવડાળા પોલીસ સ્ટેશનની મદદથી ૧ર૩૧ મો સફળ પર્દાફાશ કર્યો હતો. જાથાની ખબર પડતા આજુબાજુ વિસ્તારના ધતિંગબાજોમાં સોંપો પડી ગયો હતો. ફાતિમાએ કબુલાતનામું આપી જાહેરમાં માફી માંગી લેતા મામલો થાળે પડી ગયો હતો.

આ બનાવની વિગત પ્રમાણે જાથાના કાર્યાલયે બે મુસ્લિમે માહિતી આપતા જણાવ્યું કે, નરમાણામાં હઝરત ઈસ્માઈલ પીરની દરગાહ આવેલી છે તેમાં વર્ષોથી દોરા-ધાગા, ઉતાર કરવો, રોગ મટાડવા, સંતાન પ્રાપ્તિ, માનતા રખાવી લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. માનવ જિંદગી સાથે ચેડાં કરવામાં આવે છે. અમે ભોગ બન્યા છીએ. દરગાહમાં મહિલાને પ્રવેશબંધી છે, પરંતુ સેવા કરતી ફાતિમાબેન દરગાહમાં પ્રવેશ કરે છે. લાલ-લીલા દોરા બાંધવા, તાવીજ આપવું તેવી હરકતો કરે છે. લોકોની સાથે શારીરિક, માનસિક, આર્થિક છેતરપિંડી કરી શોષણ કરવામાં આવે છે. હિન્દુઓ જોવડાવવા વધુ જાય છે. પીરની ચમત્કારિક વાતો કરવામાં આવે છે. ધર્મશ્રદ્ધા સાથે ચેડા કરતી મહિલાનો ભાંડાફોડ કરવા આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા હતાં. કુરાનમાં અંધશ્રદ્ધાની કદી વાત કરવામાં આવતી નથી. દરગાહનું નામ બદનામ ન થાય તે માટે મહિલાનો પર્દાફાશ સમાજના હિતમાં હોય તેવી માહિતી આપવામાં આવી હતી.

જાથાના ચેરમેન જયંત પંડ્યાએ માહિતીના આધારે ખરાઈ કરવા બે ડમી કાર્યકરોને રૃબરૃ મોકલતા હકીકતમાં સત્યતા સાબિત થઈ હતી. દવા અને દુઆઓના નામે લોકો માનતા રાખતા હતાં. ગામ આખું ફાતિમાથી નારાજ હતું. જાથાએ પુરાવા મળી જવાથી ભાંડાફોડનું નક્કી થયું હતું.

ગાંધીનગર ઉચ્ચ અધિકારી, જામનગર કલેક્ટર, એસ.પી.ને ફેક્સ કરી મહિલા પોલીસ કર્મીઓ સહિત પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી. જિલ્લા પોલીસ વડાએ શેઠવડાળા પોલીસ સ્ટેશનને જરૃરી સૂચના મોકલી દીધી. તકેદારી માટે એલ.આઈ.બી.નો સ્ટાફ ફાળવી દીધો હતો. રાજકોટથી જાથાના જયંત પંડ્યાના વડપણ હેઠળ નિકાવાના ભોજાભાઈ ટોયટા, રવિ પરબતાણી, અંકલેશ ગોહિલ, વિનોદભાઈ વામજા, સાહિલ રાજદેવ, ભાનુબેન ગોહિલ, નરમાણા ગામમાં દરગાહની બાજુમાં રહેવા સંબંધી વ્યવસ્થા રાખી પોલીસ સ્ટેશને પહોંચી ગયા. જ્યાં પી.એસ.આઈ. આર.એલ. ઓડેદરા, એ.એસ.આઈ. રામભાઈ ચાવડા, હેડ કોન્સ્ટે. અમૃતલાલ પરમાર, પો. કોન્સ્ટે. સત્યસિંહ વાળા, પો. કોન્સ્ટે. નિરાલીબેન બારાઈ, પો.કોન્સ્ટે. શિલ્પાબેન પરમાર, પો.કોન્સ્ટે. રાજવીરસિંહ પરમાર હાજર હોય, દરગાહ બાજુમાં સ્ટાફને ગોઠવી દીધો. જાથાની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ. જ્યાં જોવાનું કામ ચાલતું હતું.

જાથાના જયંત પંડ્યાએ ફાતિમાબેનને પરિચય આપી દરગાહની આડમાં ચાલતી કપટલીલા કાયમી બંધ કરાવવા આવ્યા છીએ. બે વ્યક્તિની પૂછપરછ કરી ત્યારે લીલું પૂતળું ઘોડાનું હતું તેનો ઉતાર કરતા હતાં તે બતાવવામાં આવ્યું. તુરંત દોરા-ધાગા, લાલ-લીલા દોરા, તાવિજ, જુવારના દાણા, માનતાની વસ્તુઓ જાહેરમાં મૂકી દીધી. દરગાહમાં મહિલાને પ્રવેશ કરવો નહિં તેવું બોર્ડ માર્યું હતું. તેવું પૂછતા ફાતિમાએ કહ્યું હું તો દીકરી એટલે પ્રવેશ કરી શકું. અજુગતું લાગતા તુરંત શરણાગતિ કરી કાયમી જોવાનું, દુઃખ-દર્દ મટાડવાનું બંધ કરૃ છું તેવી ખાત્રી આપવા લાગી. એલ.આઈ.બી.એ દરગાહની આજુબાજુ ચહલપહલને નજરમાં રાખી. ફાતિમાબેને ધતિંગલીલાનો બોર્ડ હાથમાં રાખી માફી માંગી લીધી. જાથાના પંડ્યાએ રોગ મટાડવાનું લાયસન્સ માગ્યું હતું. માનવ જિંદગી સાથે ચેડાં કરવાનો હક્ક નથી તેવી કાયદાકીય સમજ આપી હતી. ફાતિમા વારંવાર માફી માંગતી હતી.

કબુલાતનામામાં હું ફાતિમા જુમાશા શેખ, ઉ.વ. ૭૦, રહે. નરમાણા ગામ, દરગાહમાં ૪૦ વર્ષથી દોરા-ધાગા, રોગ મટાડવા, માનતા રખાવવી, ઉપચાર કરવાનું કામ કરૃ છું. આજથી બીમાર લોકોની જિંદગી સાથે ખિલવાડ કરીશ નહિં. દરગાહમાં ચાલતી કપટલીલા બંધની ખાત્રી આપી સહી કરી આપી હતી. ગામમાં સોંપો પડી ગયો હતો. રાજકોટ પરત આવતી વખતે ગામમાં જાથાને મળવા જાગૃતો ઊભા હતાં. સમાણા ગામમાં પત્રકાર સહિત જાથા પ્રેમીઓએ સ્વાગત કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh