Advertisement
Author: નોબત સમાચાર

ધો.૧૦ની નકલી માર્કશીટ બનાવી આપવાનું સલાયામાંથી ઝડપાયું કૌભાંડઃ એકની અટક

નાવિકની નોકરી મેળવવા જરૃરી સર્ટિફિકેટમાં જોડવાનું હોય છે ધો.૧૦નું પરિણામઃ

જામનગર તા.૨ ઃ સલાયામાં આવેલી કોમ્પ્યુટર જોબવર્કની એક દુકાનમાં ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ઈસ્યુ કરાતા ધો.૧૦ની માર્કશીટ જેવી જ કેટલીક ડુપ્લીકેટ માર્કશીટ પડી હોવાની બાતમી પરથી એસઓજીએ પાડેલા દરોડામાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ ખૂલ્યું છે. સલાયાના એક શખ્સે મુંબઈના શખ્સની મદદ મેળવી કેટલાક શખ્સોને આ પ્રકારની માર્કશીટ આપી દીધાનું જાણવા મળ્યું છે. નાવિક તરીકે નોકરી મેળવવા આ સર્ટિફિકેટ જરૃરી છે ત્યારે તે કૌભાંડ પરથી એસઓજીએ પરદો ઉંચકી તપાસનો ધમધમાટ આરંભ્યો છે.

દેવભૂમિ દ્વારકાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના ધર્મેન્દ્રસિંહ તથા મહાવીરસિંહને બાતમી મળી હતી કે, સલાયાના પરોડીયા રોડ પર આવેલી કોમ્પ્યુટરને લગતું કામ કરી આપતી એક દુકાનમાં ધો.૧૦ના ગુજરાત માધ્યમિક બોર્ડના ડુપ્લીકેટ પરિણામપત્રકો પડ્યા છે. તે બાતમીથી પીઆઈ પી.સી. સીંગરખીયાને વાકેફ કરાયા પછી એસઓજી સ્ટાફે પરોડીયા રોડ પર આવેલી  અલ ફૈઝે કાસીમ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો.

આ દુકાનની તલાશી લેવાતા ત્યાંથી ધો.૧૦ના ૬૬ પરિણામપત્રકો મળી આવ્યા હતા. ચોંકી ઉઠેલી એસઓજી ટીમે દુકાનદાર અજીમ અકબર કુંગડા નામના શખ્સની અટકાયત કરી લઈ પૂછપરછ કરતા આ શખ્સ મુંબઈના એક અન્ય શખ્સની મદદગારી મેળવી નકલી પરિણામપત્રક બનાવતો હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરાઈ હતી.

પૂછપરછમાં દુકાનદાર અઝીમ કુંગડાએ કબૂલ્યું છે કે, વહાણમાં નાવિક તરીકે નોકરી મેળવવા માટે ધો.૧૦ની પરીક્ષા આપવી જરૃરી હોય. આ શખ્સે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ-ગાંધીનગર દ્વારા ધો.૧૦ના ઈસ્યુ કરાતા સર્ટિફિકેટ જેવા જ ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવવાનું શરૃ કર્યું હતું. તે કૃત્યમાં મુંબઈની રમન્ના ઈન્સ્ટિટયૂટના હેડ એમ.પી. સીંગ નામના શખ્સનો તેણે સાથ મેળવ્યો હતો.

આ શખ્સોએ આચરેલા કૌભાંડ અંગે વધુ મળતી વિગત મુજબ સ્ટાન્ડર્ડ ઓફ ટ્રેનીંગ સર્ટિફિકેશન એન્ડ વોચ કીપીંગ (એસટીસીડબલ્યુ) સર્ટિફિકેટ મેળવ્યા પછી કોઈપણ વ્યક્તિ વહાણમાં નાવિક તરીકે નોકરી મેળવી શકે છે. તેથી આ શખ્સોએ ઉપરોક્ત સર્ટિફિકેટ બની જાય તે માટે પૈસા લઈને ધો.૧૦નું નકલી સર્ટિફિકેટ બનાવવાનું શરૃ કર્યું હતું.

આ શખ્સોએ માર્ચ ૨૦૨૨થી તા.૯-૧૧-૨૦૨૨ દરમિયાન કેટલાક વ્યક્તિઓને આ પ્રકારની ડુપ્લીકેટ ચાર્જશીટ બનાવી આપી હતી. આ શખ્સોએ એસટી-પના સર્ટિફિકેટ બનાવવા માટે અલગ અલગ એકેડેમીમાં એડમીશન અપાવી દીધુ હતું અને એમ.પી. સીંગે તેમાંથી નક્કી કરેલી રકમ મેળવી હતી અને તે સર્ટીફિકેટ બનાવી આપવા સલાયાના કોમ્પ્યુટર જોબ વર્કર અઝીમ કુંગડાને નક્કી કરેલું કમિશન આપ્યું હતું.

એસઓજીએ અઝીમ કુંગડાની દુકાનમાંથી ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એેજ્યુકેશન બોર્ડ-ગાંધીનગર લખેલી ૬૬ માર્કશીટ, એક કોમ્પ્યુટર, એક કલર પ્રિન્ટર કબજે કર્યા છે. અઝીમ તથા તેના સાગરિત એમ.પી. સીંગ સામે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૧૨૦ (બી), ૪૬૫, ૪૬૮, ૪૭૧ હેઠળ ગુન્હો નોંધાયો છે. મુંબઈના શખ્સની શોધ શરૃ કરાઈ છે.

બંને ભેજાબાજોમાંથી અઝીમે ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવવા માટે જે તે નોકરીવાચ્છુ પાસેથી પાસપોર્ટની નકલ, ફોટા જેવા ડોક્યુમેન્ટ મેળવી મુંબઈ મોકલ્યા હતા. તે પછી આ શખ્સો ગુજરાતના બોર્ડ દ્વારા ઈસ્યુ કરાતા સર્ટિફિકેટ જેવા બનાવટી સર્ટિફિકેટ બનાવી અપાતા હતા. સર્ટિફિકેટમાં રાઉન્ડ સીલ વગેરે પણ મારી આપવામાં આવતા હતા. જે નકલી હોવાનું ખૂલ્યું છે. ધો. ૧૦ની પરીક્ષા આપ્યા વગર જ તેની માર્કશીટ કેટલા શખ્સોએ મેળવી લીધી તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. આ કાર્યવાહીમાં સ્ટાફના હરદેવસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, નિર્મલ આંબલીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, ખેતશીભાઈ મુન, દિનેશભાઈ ચાવડા સાથે રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh