Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના નાની રાફુદળ ગામમાં સવા મહિના પહેલા યુવતીની હત્યા કરનાર આરોપી ઝબ્બે

આસામના ગૌહાટીમાંથી મળી આવ્યોઃ બનાવના દિવસે યુવતીનો હતો જન્મદિનઃ

જામનગર તા.૧૫ ઃ લાલપુરના નાની રાફુદળ ગામમાં સવા મહિના પહેલા એક યુવતીની હત્યા કરી ફરાર થઈ ગયેલા શખ્સની આસામના ગૌહાટી શહેરમાંથી એલસીબીએ અટકાયત કરી છે. આ શખ્સ અગાઉ એક યુવતીની હત્યા કરી ચૂક્યો છે. તેણે એક યુવતીનું મકાન સળગાવ્યું હતું અને એક યુવતીના સોશિયલ મીડિયા પર ફેક આઈડીથી ફોટા વાયરલ કર્યા હતા. બનાવના દિવસે લગ્ન કરવાના પ્રશ્ને તેણે આ યુવતીને મોતને ઘાટ ઉતાર્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે.

જામનગર તાલુકાના ચેલા ગામના મનસુખભાઈ રણછોડભાઈ કણઝારીયા નામના પ્રૌઢની પુત્રી અર્ચના બેન દરેડમાં એક કારખાનામાં કામે જતી હતી ત્યાં સાથે કામ કરવા આવતા ભાવેશ રણછોડભાઈ સોનગરા નામના શખ્સ સાથે તેણીનો પરિચય થયા પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તે પછી ગઈ તા.૫ એપ્રિલના દિને અર્ચનાબેનનો જન્મદિન હતો ત્યારે જામનગરથી ઈકો મોટર ભાડે કરી ભાવેશ તેણીને પોતાના કાકાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં આવેલા ખેતરે લઈ ગયો હતો.

ત્યારપછી આ યુવતી કરગરતી હોય તેવો વીડિયો કોલ ભાવેશે તેણીના પિતા મનસુખભાઈ પર કરાવ્યા પછી અર્ચનાને ગળામાં તિક્ષણ હથિયાર અને બોથડ પદાર્થ વડે ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવી ભાવેશ ફરાર થઈ ગયો હતો. તે દરમિયાન મનસુખભાઈએ પોલીસને મદદ કરવા અપીલ કરી હતી અને તેમની સાથે લાલપુર પોલીસનો કાફલો નાની રાફુદળ ગામમાં પહોંચ્યો  ત્યારે અર્ચનાનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઉપરોક્ત ગુન્હા અંગે મનસુખભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨ હેઠળ ગુન્હો નોંધી ભાવેશના સગડ દબાવ્યા હતા. ઉપરોક્ત આરોપી આસામના ગૌહાટીમાં સંતાયેલો હોવાની બાતમી એલસીબીના સંજયસિંહ, દિલીપ તલાવડીયા, યશપાલસિંહને મળી હતી.

આ શખ્સની અટકાયત માટે ગૌહાટી દોડી ગયેલી એલસીબી ટૂકડીએ ત્યાંથી તેને પકડી પાડ્યો છે. આ શખ્સને જામનગર ખસેડવામાં આવ્યો છે. એલસીબીની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યા મુજબ બનાવના દિવસે અર્ચનાનો જન્મદિવસ હોય, કેક કટીંગ માટે તેઓ નાની રાફુદળ ગામે ગયા હતા જ્યાં લગ્ન માટે અર્ચનાએ કહેતા બંને વચ્ચે બોલાચાલી થયા પછી આવેશમાં આવી જઈ ભાવેશે તેણીની હત્યા નિપજાવી હતી. તે પછી પીર લાખાસર, દ્વારકા, પોરબંદર થઈ અમદાવાદ પહોંચેલો ભાવેશ મુંબઈ, ગોવા, પુના ફરીથી મુંબઈ થઈ દિલ્હી અને ત્યાંથી આસામના ગૌહાટીમાં પહોંચી ગયો હતો. આ શખ્સની અંદાજે એક મહિનાથી વધુ સમયથી શોધખોળ ચાલતી હતી. જેમાં ટેકનિકલ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી એલસીબી આરોપી સુધી પહોંચી ગઈ હતી.

આ શખ્સે અગાઉ રાજકોટ માં આવી જ રીતે એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેણીની હત્યા કરી નાખી હતી. તે કેસમાં તેનો છૂટકારો થયો હતો. તે પછી જામનગરમાં અન્ય એક યુવતીને પ્રેમસંબંધમાં ફસાવી તેનું ઘર સળગાવ્યું હતું અને કલ્યાણપુરમાં એક યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી તેણીના ફોટા વાયરલ કર્યા હતા. આ શખ્સનો કબજો લાલપુર પોલીસને સોંપવાની તજવીજ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh