Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર દિવસમાં ત્રીજી વખત સાં૫ડ્યો ડ્રગ્સનો જથ્થોઃ કુલ સાડા સત્યાવીસ કરોડનંુ ડ્રગ્સ જપ્તઃ
ખંભાળિયા / ઓખા તા. ૧૨: દ્વારકા જિલ્લાના મીઠાપુર પાસેથી ગઈકાલે વધુ ૧૧ કરોડનું ડ્રગ્સ બિનવારસુ હાલતમાં મળી આવ્યું છે. ચાર દિવસમાં ત્રીજી વખત ડ્રગ્સનો બિનવારસુ જથ્થો મળતા તરેહ તરેહની ચર્ચા જાગી છે. આ જથ્થો કોઈ ડ્રગ્સમાફિયાએ દરિયામાં ચેકીંગથી ડરીને નાખી દીધા પછી કાંઠે આવી પહોંચતો હોવાનું પણ અનુમાન સેવાઈ રહ્યું છે. ગૃહમંત્રી તથા રાજ્યના મુખ્ય પોલીસવડાએ દ્વારકા પોલીસને અભિનંદન પાઠવ્યા છે. હજુ સર્ચ ઓપરેશન યથાવત રખાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલ-ચાર દિવસમાં ત્રીજી વખત કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડાતા દ્વારકા જિલ્લો સમગ્ર રાજ્યમાં ડ્રગ્સ હેરાફેરીમાં ચર્ચાસ્પદ બન્યો છે.
ચાર દિવસ પહેલાં દ્વારકાના વરવાળા પાસે દ્વારકાના પીએસઆઈ સુવા, એસઓજીના એએસઆઈ સવાણીને મળેલી બાતમી પરથી પોલીસે જેમાં રૂ.૧૬ કરોડ ઉપરાંતનો ૩૦ પેકેટ ચરસનો જથ્થો બિનવારસુ પકડી પાડ્યો હતો. તે પછી મીઠાપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ નિકુંજ જોષીને તપાસ સોંપતા તેમણે સ્ટાફ સાથે તપાસ કરતા દ્વારકાના મોજપ ગામ પાસથી ૮૪૦ ગ્રામ ચરસ ભરેલું રૂ.૪૩ લાખનંુ પેકેટ મળી આવ્યું હતું.
તે પછી દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સાગર રાઠોડ, એસઓજી પીઆઈ પી.સી. સીંગરખીયા, દ્વારકા પોલીસે ચેકીંગ કરતા વધુ ૨૦ પેકેટમાં ભરેલું ચરસ મીઠાપુર પાસેથી બિનવારસુ હાલતમાં મળી આવ્યું છે. જેની અંદાજિત કિંમત રૂ.૧૧ કરોડ આકારવામાં આવી છે.
ચાર દિવસમાં આવી રીતે ત્રીજી વખત ડ્રગ્સનો જથ્થો બિનવારસુ મળી આવતા ચર્ચા જાગી છે. અંંદાજે રૃપિયા સાડા સત્યાવીસ કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત થયો છે. દ્વારકાના દરિયામાં હાલમાં બોટીંગની પણ પરવાનગી નથી ત્યારે આ જથ્થો દરિયાકાંઠા સુધી કેવી રીતે પહોંચી ગયો તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
જો કે, એક શક્યતા એવી પણ છે કે અગાઉ આ જથ્થો ફેંકી દેવામાં આવ્યો હોય અને હવે તે કાંઠે આવ્યો હોય તેમ પણ બની શકે છે. કોઈ વહાણ કે બોટમાં ડ્રગ્સમાફિયા ડ્રગ્સ લઈને આવતા હોય અને દરિયામાં ચેકીંગ જોઈ તેઓએ દરિયામાં ડ્રગ્સ ફેંક્યો હોય તેવી પણ શક્યતા નકારી શકાતી નથી. પ્લાસ્ટિકની કોથળીમાં વીટીને આ જથ્થો દરિયામાં ફેંકી દેવાયો હોય તો પ્લાસ્ટિકના કારણે તે તરતો રહે છે અને કોઈપણ જગ્યાએ પહોંચી શકે છે.
હાલમાં એસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ અને ડીવાયએસપી સાગર રાઠોડના વડપણમાં દ્વારકા, મીઠાપુર પોલીસ તેમજ એસઓજી ટીમ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.
ત્રણ દિવસમાં દ્વારકા જિલ્લા પોલીસે રૃપિયા સાડા સત્યાવીસ કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના મુખ્ય પોલીસવડાએ દ્વારકા પોલીસને અભિનંદન પાઠવ્યા છે. પોલીસની સતર્કતાથી આ જથ્થો ઝડપાયો છે, જો પોલીસ મોડી પહોંચી હોત તો આ જથ્થો સડક માર્ગે નીકળી ગયો હોત અને રોજ હજારો વાહનો દ્વારકા આવતા હોય બાતમી વગર આ જથ્થો પકડાવો પણ મુશ્કેલ છે. ત્યારે કોઈ સ્થાનિક શખ્સની સંડોવણી છે કે કેમ? તે દિશામાં તપાસ કરાઈ રહી છે.
દ્વારકાનો દરિયો ડ્રગ્સ ઘૂસાડવાનું હોટસ્પોટ?
કરોડોના બિનવારસુ ડ્રગ્સ અંગે શું માનવું પોલીસની સફળતા કે પછી નિષ્ફળતા...?
દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરીયાકાંઠો નશીલા પદાર્થોની હેરાફેરી માટે સ્વર્ગ સમાન બની ગયો હોય એવું ચિત્ર છેલ્લા થોડા સમયથી ઉપસી રહ્યું છે. તાજેતરમાં રૃ૫ેણ બંદર પાસેથી ૧૬ કરોડનું ચરસ ઝડપાયા પછી મોજપ પાસેથી ૪૨ લાખનું તેમજ ફરી સર્ચ ઓપરેશન દરમ્યાન ૧૧ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ત્રણ-ચાર દિવસમાં લગભગ ૨૭ કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ બિનવારસુ હાલતમાં ઝડપાતા સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે.
કરોડોના ડ્રગ્સ પકડવામાં એસ.પી. નિતેશ પાંડેનો ટ્રેક રેકોર્ડ જબરદસ્ત છે એમ છતાં દ્વારકાનો દરીયાકાંઠો ડ્રગ્સ ઘૂસાડવા માટે હોટસ્પોટ બની ગયો છે તેમ લાગી રહ્યું છે. નિષ્ણાંતોના મતે દ્વારકા જિલ્લાના દરીયા કાંઠેથી ડ્રગ્સ ભારતમાં ઘૂસાડી મુંબઇ સુધી પહોંચાડવામાં આવે છે. આ ધંધામાં આરબ દેશો તરફથી આવતા વહાણો શંકાસ્પદ ભૂમિકા ભજવે છે. સાગર સુરક્ષા વધારવા ચોકક્સ પ્લાન મુજબ પેટ્રોલીંગની જરૃર છે. વર્ષમાં અમુક કરોડનું ડ્રગ્સ જો બિનવારસુ ઝડપાતું હોય તો હેરાફેરી થયેલા ડ્રગ્સની કિંમત હજારો કરોડમાં હોય એ અનુમાન અઘરૃ નથી. કરોડોનું ડ્રગ્સ પકડી લેતી પોલીસે તેને સફળતા માનવાને બદલે નિષ્ફળતા માનવી જોઇએ તો જ મોટા નેટવર્કને તોડી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial