Advertisement
Author: નોબત સમાચાર

મિલકતવેરામાં કમ્મરતોડ વધારાને તાકીદે પાછો ખેંચવા આમ આદમી પાર્ટીની રજૂઆત

ભાજપના શાસનમાં પ્રજા ત્રાહિમામ્...

જામનગર તા. ૧પઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરામાં રપ૦-૩૦૦ ટકાનો જંગી વધારો કરી નગરજનોને બીલ ફટકારવામાં આવતા આ કરબોજનો મુદ્દો સમગ્ર નગરજનોમાં ઉગ્ર રોષ સાથે અત્યંત હોટ ટોપીક બની રહ્યો છે. જામનગર શહેર આમ આદમી પાર્ટી દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી આ અસહ્ય કરબોજનો વધારો પાછો ખેંચવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકામાં ભાજપનું દાયકાઓથી રાજ છે, અને બીરબલની ખીચડી પાકતી હોય તેમ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે અને આ મુદ્દે કેટલાયની ખીચડી અને પીઝા પાકી ગયા છે, જેની નોંધ જામનગરની જનતા પાસે છે. શહેર આખું ગારા-કીચડ અને ગંદકીમાં ગરકાવ થઈ ચૂક્યું છે, ટ્રાફિક સુવિધા, પાર્કિંગ સુવિધાના નામે કોઈ જ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી નથી નહીં, નવા વિસ્તારો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. આવા સમયે ભાજપ પોતાના ભ્રષ્ટાચાર વધારવા સામાન્ય પ્રજાને લૂંટવા કમ્મરતોડ કર બોજ નાખી રહી છે. અખબારોમાં અને પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની ઉપલબ્ધીઓ ગણાવતી ભાજપ શાસિત કોર્પોરેશને સામાન્ય પ્રજાની કમ્મર તોડવા ર૦૦ ટકાથી વધુ કરબજો નાખ્યો છે, એ પણ મૂંગા મોઢે. આ સ્થિતિ અંગ્રેજોના શાસનની યાદ અપાવી જાય છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં જ મ્યુ. કમિશનરની હાપા પ્લોટ મુદ્દે બદલી કરવામાં આવેલ છે, અને એ પ્રકરણમાં શાસકો પૈકી ઘણાંના હાથ-પગની સંડોવણી હોવાનું પણ અનુમાન છે.

એક તરફ આવક વધારી, સામાન્ય પ્રજાની કમ્મર તોડી નાણાભંડોળ ઊભું કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર કરી ફંડ ડાઈવર્ટ કરી ઘરભેગું કરવામાં આવી રહ્યું છે. સરકારી વાહનોનો અંગત કામમાં ઉપયોગ, આવવા ભ્રષ્ટાચાર કરવા ભાજપને ર૦૦ ટકાથી વધુ કરબોજ પ્રજા ઉપર લાદવાની જરૃર ૫ડી છે, જે અન્યાયી છે. લોકશાહીને બદલે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટી તોડશાહીમાં ગરકાવ થઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે.

ગરીબોના મસીહા તરીકેની છાપ ઊભી કરેલ વિપક્ષ પણ ભાજપના આ અન્યાય મુદ્દે ભેગું હોય તેમ એક પણ સવાલ ઊઠાવી નથી રહ્યું. માત્ર પ્રતીકાત્મક કાર્યવાહીથી સંતોષ માની લેવામાં આવે છે. આમ આદમી પાર્ટી, ભાજપની આ શાસન પદ્ધતિનો વિરોધ કરે છે, માત્ર એક રાજકીય પક્ષ તરીકે નહીં, પણ ગરીબ જનતા અને સામાન્ય પ્રજાના હિતનું રક્ષણ કરવા વિરોધ નોંધાવી રહી છે. ટેક્સ વધતા વસ્તુઓના ભાવો વધશે, ઘર ભાડામાં તોતિંગ વધારો થશે પરિણામે મોંઘવારી વધશે, બેકારી વધશે. સુવિધા આપવામાં કાગળ ઉપર સુરી કોર્પોરેશન ગ્રાઉન્ડ સ્તરે નિષ્ફળ નીવડી છે. ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે, પણ દાયકાઓ પહેલાની શહેરની ટીપી સ્કીમો પૂર્ણ કરવા નિષ્ફળ નીવડેલ છે અને પોતાની નિષ્ક્રિયતા છૂપાવવા કોર્પોરેશન-મહાનગરપાલિકા દ્વારા કરબોજ વૃદ્ધિ કરાઈ રહી છે, જેનું પરિણામ આગામી ચૂંટણીઓમાં ચોક્કસ જોવા મળશે એ પણ સ્પષ્ટ છે. સ્ટ્રીટ લાઈટ એ કોર્પોરેશનની સંવિધાનિક જવાબદારી છે, સફાઈ એ પણ કોર્પોરેશનની પ્રાથમિક અને સંવિધાનિક જવાબદારી હોય, તોતિંગ કરબોજ પછી અલાયદી આવી સુવિધાઓ માટે અલગથી કર ઉઘરાવવો તદ્ન અસંવિધાનિક છે.

ભાજપને કોંગ્રેસ બન્ને વિપક્ષીઓ એક થઈ આ નિર્ણય કરાવેલ હોય, આગામી સમયમાં આમ આદમી પાર્ટી આ મુદ્દે વિરોધ કરી, અમાનુષી કરબોજ પાછો ખેંચવા કાનૂની રાહે તથા ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે. કરબોજ પાછો ખેંચી, સામાન્ય જનતાને રાહત આપવા માંગણી કરવામાં આવી છે.

જામનગર શહેર પ્રમુખ કરસનભાઈ કરમૂર, શહેર મહામંત્રી આશિષભાઈ કંટારિયા, પ્રદેશ આગેવાન દુર્ગેશભાઈ ગડલિંગ, આશિષભાઈ સોજીત્રા, શહેર ઉપાધ્યક્ષ પ્રવિણભાઈ ચનિયારા, સુખુભા જાડેજા વગેરે કાર્યકરો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh